મહાશિવરાત્રીના પાવન પર્વે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) ગિરનારની ગોદમાં બિરાજતા સ્વયંભૂ ભવનાથ મહાદેવના શ્રદ્ધાભાવ સાથે દર્શન અને પૂજા અર્ચના કરી હતી. આ અવસરે ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરીયા પણ મુખ્યમંત્રીની સાથે ભવનાથ મહાદેવના દર્શન-પૂજામાં જોડાયા હતા.
મુખ્યમંત્રીએ પરંપરાગત રીતે જૂનાગઢમાં યોજાતા પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળાના અંતિમ દિવસે ભવનાથ મંદિર પરિસરમાં સાધુ સંતોના આશીર્વાદ મેળવી ખેસ અર્પણ કરીને વિશેષ સન્માન સાથે અભિવાદન કર્યું હતું. સંત સમાગમ માટે પ્રસિદ્ધ આ મહાશિવરાત્રી મેળામાં મુખ્યમંત્રીએ સાધુ સંતો સાથે મુલાકાત કરીને આધ્યાત્મિક ચેતનાની અનુભૂતિ પણ કરી હતી.
ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) ભવનાથ મંદિરમાં અખંડ ધુણાના દર્શન કર્યા
ભૂપેન્દ્ર પટેલે ભવનાથ મંદિરમાં અખંડ ધુણાના દર્શન કર્યા બાદ મૃગીકુંડ ખાતે શ્રદ્ધાપૂર્વક નમન કર્યું હતું. આસ્થાના મહાકુંભરૂપ આ મહાશિવરાત્રી મેળામાં ભવનાથ મંદિર પરિસરના સત્સંગ હોલ ખાતે મુક્તાનંદ બાપુ, શેરનાથ બાપુ, હરિહરાનંદ બાપુ, મહેશગીરી બાપુ, મહેન્દ્રાનંદગીરી બાપુ, સંપૂર્ણાનંદજી બાપુ, રાજેન્દ્રદાસ બાપુ, ભારદ્વાજગીરી બાપુ, બુદ્ધગીરી બાપુ, સોમનાથજી બાપુ સહિતના સાધુ સંતો સાથે મુલાકાત કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા.

મુખ્યમંત્રીનું સ્મૃતિચિન્હ અર્પણ કરી સ્વાગત
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવાસિયા અને ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરજાએ મુખ્યમંત્રીનું સ્મૃતિચિન્હ અર્પણ કરી સ્વાગત-સન્માન કર્યું હતું. સાથે જ ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરીયાનું પણ વહીવટી તંત્ર દ્વારા સ્મૃતિચિન્હ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ ભવનાથ મંદિર પરિસરમાં ભાવિકો સાથે સહજતાપૂર્વક વાતચીત કરી તેમનું અભિવાદન કર્યું હતું. મહાશિવરાત્રી મેળામાં જુદા જુદા અખાડાઓના સાધુ સંતો તથા દિગંબર સાધુઓની પરંપરાગત રવેડીનું પણ વિશેષ મહત્વ રહેલું હોવાનું ઉલ્લેખનીય છે.

વિવિધ અધિકારીઓ રહ્યા હાજર
આ પ્રસંગે મેયર ધર્મેશ પોશિયા, જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુંમર, સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્યો સંજય કોરડીયા, દેવા માલમ, ભગવાનજી કરગટીયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન પલ્લવી ઠાકર સહિત અનેક પદાધિકારી, અધિકારીઓ અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો;અમદાવાદના નારોલ-નરોડા હાઈવે પર આગ, મારુતિ પ્લાઝા કોમ્પ્લેક્સમાં દોડધામ
