PM House Slum Removal New Delhi: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન (7, લોક કલ્યાણ માર્ગ) નજીક આવેલી ત્રણ મોટી ઝૂંપડપટ્ટીઓને હટાવવાની પ્રક્રિયા કેન્દ્ર સરકાર દ્વારા તેજ કરવામાં આવી છે. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય હેઠળના લેન્ડ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (L&DO) દ્વારા અહીં રહેતા 717 પરિવારોને આગામી 6 માર્ચ 2026 સુધીમાં જગ્યા ખાલી કરવા માટે અંતિમ નોટિસ ફટકારવામાં આવી છે.
Delhi: કયા વિસ્તારો પર ચાલશે બુલડોઝર?
લોક કલ્યાણ માર્ગ (અગાઉનો રેસકોર્સ રોડ) પર સ્થિત ત્રણ મુખ્ય ઝૂંપડપટ્ટી ક્લસ્ટરો જેમાં ભાઈ રામ કેમ્પ, મસ્જિદ કેમ્પ અને ડીઆઈડી (DID) કેમ્પનો સમાવેશ થાય છે, તેને હટાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વડાપ્રધાનના સત્તાવાર આવાસથી આ ઝૂંપડપટ્ટીઓ માત્ર થોડાક જ કિલોમીટરના અંતરે આવેલી હોવાથી, સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા અને શહેરી આયોજનને આધુનિક બનાવવાના ભાગરૂપે આ કડક પગલું લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.

ક્યાં કરવામાં આવશે પુનઃવસન?
નોટિસમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે જે પરિવારો પુનઃવસન માટે પાત્ર છે, તેમને દિલ્હીના સવદા ઘેવર વિસ્તારમાં સ્થિત DUSIB કોલોનીમાં ફ્લેટ ફાળવવામાં આવ્યા છે. જોકે, આ નવું રહેઠાણ વર્તમાન જગ્યાથી અંદાજે 45 કિલોમીટર દૂર છે. રહેવાસીઓને તાત્કાલિક ધોરણે નવા ફ્લેટનો કબજો લેવા અને જૂની જગ્યા ખાલી કરવા સૂચના આપવામાં આવી છે. જો નિયત સમય મર્યાદામાં જગ્યા ખાલી કરવામાં નહીં આવે, તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
કોર્ટનો મામલો અને સરકારની કાર્યવાહી
આ અગાઉ ઓક્ટોબર 2025માં પણ નોટિસ આપવામાં આવી હતી, જેને દિલ્હી હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. હાઈકોર્ટે 13 નવેમ્બર 2025ના રોજ વચગાળાનો આદેશ આપ્યો હતો કે યોગ્ય પ્રક્રિયા અને સુરક્ષાના પગલાં લીધા વિના રહેવાસીઓને બેદખલ ન કરવા. જોકે, હવે જાન્યુઆરીમાં થયેલી સુનાવણી બાદ સરકારે સર્વે અને પુનઃવસન નીતિ હેઠળ આ પ્રક્રિયાને આગળ વધારી છે.
આ પણ વાંચો: દિલ્હી-NCR સુકું, પરંતુ યુપી-બિહારમાં તોફાની વરસાદની આગાહી
આ પણ વાંચો: કાવતરા ઘડીને નરવણેનું અપ્રકાશિત પુસ્તક લીક કરાયું, દિલ્હી પોલીસે ષડયંત્રની FIR નોંધાવી!
આ પણ વાંચો: મિશન ગુજરાત! દિલ્હીમાં ખડગે અને રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં કોંગ્રેસની હાઈલેવલ બેઠક
