Surat Piplod Car Accident: સુરત શહેરના પિપલોદ વિસ્તારમાં આજે એક એવી અકસ્માતની ઘટના બની કે જેને જોઈને પથ્થર દિલના માણસના પણ રૂંવાડા ઊભા થઈ જાય. પૂરપાટ ઝડપે જઈ રહેલી એક લક્ઝરી કાર અચાનક કાબૂ બહાર જઈને ડિવાઈડર સાથે અથડાઈ અને જોતજોતામાં હવામાં ૧૮૦ ડિગ્રી સુધી ફંગોળાઈને રસ્તા પર પલટી મારી ગઈ હતી. આ સમગ્ર ભયાનક દ્રશ્યો નજીકના CCTV કેમેરામાં કેદ થયા છે, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Surat : સ્કૂલના ફંકશનમાંથી પરત ફરતી વખતે કાળ આંખે વળગ્યો
મળતી માહિતી મુજબ, કારમાં સુરતના એક જાણીતા વેપારીના પત્ની મનીષા અગ્રવાલ સવાર હતા. તેઓ ડુમસ રોડ પર આવેલી એક શાળામાં ફંકશન પૂર્ણ કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે પિપલોદ વિસ્તારમાં કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાર પહેલા ડિવાઈડર સાથે અથડાઈ અને ત્યારબાદ ત્યાં રોપેલા ઝાડ સાથે ભટકાતા હવામાં ફંગોળાઈને રસ્તાની વચ્ચોવચ પલટી ખાઈ ગઈ હતી.
મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત, ડ્રાઈવરનો બચાવ
આ અકસ્માત એટલો જોરદાર હતો કે કાળા રંગની હોન્ડા કાર (DL 03 CCR 3988) નો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કારમાં સવાર ડ્રાઈવર સમીરકુમાર મિશ્રાનો આ ઘટનામાં ચમત્કારિક બચાવ થયો છે અને તેમને કોઈ મોટી ઈજા પહોંચી નથી. જોકે, પાછળની સીટ પર સવાર મનીષા અગ્રવાલને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

રાહદારીઓએ ત્વરિત મદદ કરી
ધડાકો સંભળાતા જ આસપાસના દુકાનદારો અને રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ જીવના જોખમે પલટી ગયેલી કારમાંથી ઈજાગ્રસ્ત મહિલાને બહાર કાઢી હતી અને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી. ઉમરા પોલીસે હાલ CCTV ફૂટેજ કબજે કરીને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં ઓવરસ્પીડ અકસ્માતનું મુખ્ય કારણ હોવાનું મનાય છે.
