Supreme Court OBC Creamy Layer Rules: સરકારી નોકરી મેળવવા ઈચ્છતી પરિણીત મહિલાઓ (Married Women) માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટ હવે એક એવા કાયદાકીય પ્રશ્નનો ઉકેલ લાવવા જઈ રહી છે, જે લાખો મહિલાઓના ભવિષ્ય સાથે જોડાયેલો છે. સવાલ એ છે કે “લગ્ન પછી કોઈ OBC મહિલા ‘ક્રિમી લેયર’ (Creamy Layer) માં આવે છે કે નહીં, તે તેના પતિની આવક પરથી નક્કી થશે કે માતા-પિતાની આવક પરથી?”
શું છે સમગ્ર મામલો?
આ કેસ કર્ણાટકની એક મહિલાનો છે, જે સિવિલ જજ (ન્યાયાધીશ) બનવા માંગતી હતી. તે OBC કેટેગરીમાં આવતા ‘હિન્દુ નામધારી’ સમાજની છે. વર્ષ 2018માં તેના લગ્ન થયા હતા અને તે માતા-પિતાથી અલગ રહેતી હતી. જ્યારે તેણે અનામત કેટેગરીમાં નોકરી માટે અરજી કરી, ત્યારે અધિકારીઓએ તેને અટકાવી દીધી.
માતા-પિતાનું પેન્શન કે પતિનો પગાર?
સત્તાવાળાઓએ મહિલાની અરજી એવું કહીને રદ કરી દીધી કે તે ‘ક્રિમી લેયર’માં આવે છે. કારણ કે મહિલાના માતા એક નિવૃત્ત જિલ્લા ન્યાયાધીશ છે અને પિતા નિવૃત્ત ફોરેસ્ટ ઓફિસર છે. અધિકારીઓના મતે, માતા-પિતાની આવક વધુ હોવાથી તેને અનામતનો લાભ મળી શકે નહીં.
બીજી તરફ, મહિલાએ દલીલ કરી હતી કે “હું હવે પરણી ગઈ છું અને મારા પતિની આવક ઓછી છે, જેથી હું ‘નોન-ક્રિમી લેયર’માં આવું છું. મારું મૂલ્યાંકન મારા પતિની આવક પર થવું જોઈએ, નહિ કે માતા-પિતાની.”

હાઈકોર્ટનો ચુકાદો અને Supreme Courtમાં અપીલ
કર્ણાટક હાઈકોર્ટે આ મામલે સરકારનો પક્ષ લીધો હતો અને કહ્યું હતું કે માતા-પિતાનું પેન્શન પણ ‘આવક’ ગણાય, તેથી મહિલા અનામત માટે ગેરલાયક છે. આ ચુકાદાને મહિલાએ હવે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.
સુપ્રીમ કોર્ટ કયા બે સવાલો પર વિચાર કરશે?
સુપ્રીમ કોર્ટની બેન્ચ હવે બે અત્યંત મહત્વના કાયદાકીય મુદ્દાઓ પર નિર્ણય લેવા જઈ રહી છે. જેમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું પરિણીત મહિલાનું ‘ક્રિમી લેયર’ સ્ટેટસ નક્કી કરવા માટે તેના પતિની આવક ધ્યાને લેવી જોઈએ કે પછી તેના માતા-પિતાની? આ સાથે જ કોર્ટ એ પણ નક્કી કરશે કે જો માતા-પિતાની આવક ગણવાની હોય, તો શું તેમના ‘પેન્શન’ને પણ કુલ આવકના ભાગરૂપે ગણવું જોઈએ કે નહીં. કોર્ટે હાલ કર્ણાટક સરકારને નોટિસ ફટકારીને બે અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. આ કેસની આગામી સુનાવણી 6 એપ્રિલે થશે.
આ પણ વાંચો: લોનમાં ગેરંટર બનતા પહેલા ચેતજો! સુપ્રીમ કોર્ટના નવા નિયમ મુજબ તમારી સંપત્તિ થઈ શકે છે જપ્ત
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે NCERT ની ધોરણ 8 ની નવી ચોપડી પર લગાવ્યો પ્રતિબંધ, પુસ્તકો જપ્ત કરવાનો આદેશ
આ પણ વાંચો: ‘એક પ્રકરણ દૂર કરવું અને માફી માંગવી પૂરતું નથી,’ સુપ્રીમ કોર્ટે NCERT પુસ્તક વિવાદ પર કડક વલણ અપનાવ્યું
