Surat News/ રાજનીતિમાં નવાજૂનીના ભણકારા! ફોર્મ રદ કરાવી ભાજપને જીતાડનાર નેતા કુંભાણી અને સી.આર. પાટીલ મળ્યા

સુરતમાં કોંગ્રેસના પૂર્વ નેતા Nilesh Kumbhani અને સી.આર. પાટીલ વચ્ચે રાજુલામાં મહત્વની મુલાકાત થઈ છે. શું કુંભાણી હવે કેસરીયો ધારણ કરશે? વાંચો વિગત.

Top Stories Gujarat Surat
Nilesh Kumbhani CR Patil Meet

Nilesh Kumbhani CR Patil Meet: ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ‘ભૂકંપ’ આવે તેવા સંકેતો મળી રહ્યા છે. 2024ની લોકસભા ચૂંટણીમાં સુરત બેઠક પરથી કોંગ્રેસનું ફોર્મ રદ કરાવી ભાજપને બિનહરીફ જીત અપાવવામાં નિમિત્ત બનેલા નિલેશ કુંભાણી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ વચ્ચેની મુલાકાતે રાજકીય ગરમાવો વધારી દીધો છે.

ક્યાં અને કેવી રીતે થઈ મુલાકાત?

અમરેલી જિલ્લાના રાજુલા ખાતે આવેલી ‘સરદાર સીડ્સ ઇન્ડસ્ટ્રીઝ’ પર કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ પહોંચ્યા હતા. આ સ્થળે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયેલા નિલેશ કુંભાણી સાથે તેમની સૂચક મુલાકાત થઈ હતી. લાંબા સમય બાદ નિલેશ કુંભાણી જાહેરમાં ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે જોવા મળતા અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે.

દિગ્ગજ નેતાઓની હાજરીએ કુતૂહલ વધાર્યું

આ મુલાકાત માત્ર પાટીલ અને કુંભાણી પૂરતી જ મર્યાદિત નહોતી, પરંતુ આ પ્રસંગે ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા હતા. આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં મંત્રી કૌશિક વેંકરીયા, ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી અને સાંસદ ભરત સુતરીયાની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી. આ ઉપરાંત ધારાસભ્યો હીરા સોલંકી, જે.વી. કાકડિયા અને મહેશ કસવાળા જેવા નેતાઓ પણ હાજર રહ્યા હતા. ભાજપના આટલા મોટા ગજાના માંધાતાઓની એકસાથે હાજરી એ વાતનો સ્પષ્ટ સંકેત આપે છે કે કુંભાણી માટે હવે ભાજપના દ્વાર સત્તાવાર રીતે ખુલી રહ્યા હોય તેમ જણાય છે.

કોણ છે Nilesh Kumbhani?

નિલેશ કુંભાણી 2024ની લોકસભા ચૂંટણીમાં સુરત બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હતા. જોકે, તેમના ડમી ઉમેદવાર અને ટેકેદારોની સહીઓમાં વિવાદ થતા તેમનું ફોર્મ રદ થયું હતું. ત્યારબાદ અન્ય ઉમેદવારોએ પણ ફોર્મ પરત ખેંચતા ભાજપના મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. આ ઘટના બાદ કોંગ્રેસે કુંભાણીને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા અને સુરતમાં તેમનો ભારે વિરોધ થયો હતો.

શું હવે કેસરીયો ધારણ કરશે?

લોકસભા ચૂંટણીના લાંબા વિરામ બાદ નિલેશ કુંભાણી ફરી સક્રિય થયા છે. સી.આર. પાટીલ સાથેની આ ‘ટી-પાર્ટી’ કે મુલાકાત આગામી દિવસોમાં કુંભાણી વિધિવત રીતે ભાજપનો ખેસ પહેરશે તેની પ્રબળ શક્યતાઓ દર્શાવી રહી છે.


આ પણ વાંચો:  નવસારીમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે ધારાસભ્ય આર.સી. પટેલ પર કટાક્ષ કર્યો

આ પણ વાંચો: કાર સેવકોની ધૈર્યતાનો અંત પૂરો થયો, સુરતમાં સી.આર. પાટીલે આપ્યું નિવેદન

આ પણ વાંચો: પાક.ના બિલાવલ ભુટ્ટોને સી.આર. પાટીલનો જડબાતોડ જવાબ