National Vaccination Day 2026 Gujarat: સ્વસ્થ બાળપણ અને સુરક્ષિત ભવિષ્યના સંકલ્પ સાથે ગુજરાત સરકારે રસીકરણના ક્ષેત્રમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. 16મી માર્ચ ‘રાષ્ટ્રીય રસીકરણ દિવસ’ પૂર્વે જાહેર થયેલા આંકડા મુજબ, વર્ષ 2025-૨૬માં રાજ્યના 11.30 લાખથી વધુ શિશુઓ અને 24 લાખથી વધુ બાળકોનું સફળ રસીકરણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં સફળતા મેળવી છે.
પોલિયો મુક્ત ગુજરાતની મજબૂત કિલ્લેબંધી
વર્ષ 2007થી ગુજરાત પોલિયો મુક્ત છે અને આ ઐતિહાસિક સિદ્ધિને ટકાવી રાખવા માટે સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ છે. આ લક્ષ્યને હાંસલ કરવા માટે વર્ષ 2025માં રાજ્યના 14 જિલ્લાઓમાં વિશેષ અભિયાન ચલાવીને અંદાજે 24.65 લાખ બાળકોને પોલિયો વિરોધી રસીના ટીપાં પીવડાવવામાં આવ્યા હતા. ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચવા માટે “ટીકા એક્સપ્રેસ”, “મોબાઇલ મમતા દિવસ” અને “ખિલખિલાટ વાહન” જેવી સુવિધાઓનો અસરકારક ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે છેવાડાના ગામડાઓમાં પણ રસીકરણનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરી શકાયું છે.
દીકરીઓ માટે ₹5,000ની HPV રસી (Vaccination) હવે બિલકુલ મફત!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 28 ફેબ્રુઆરી 2026ના રોજ શરૂ કરેલા રાષ્ટ્રવ્યાપી HPV રસીકરણ અભિયાનનો ગુજરાતે ખૂબ જ અસરકારક રીતે અમલ કર્યો છે. આ અભિયાન અંતર્ગત 14 થી 15 વર્ષની કિશોરીઓને ગર્ભાશયના મુખના કેન્સર (Cervical Cancer) સામે સુરક્ષા આપવા માટે HPV રસી આપવામાં આવી રહી છે. નોંધનીય છે કે જે રસીની કિંમત ખાનગી હોસ્પિટલોમાં 3,000 થી 5,000 રૂપિયા સુધી હોય છે, તે રસી ગુજરાત સરકાર દ્વારા કિશોરીઓને સંપૂર્ણપણે નિઃશુલ્ક આપવામાં આવી રહી છે, જે સામાન્ય પરિવારો માટે મોટી આર્થિક બચત સમાન છે.

ઓરી-રુબેલા નાબૂદી માટે ‘રિયલ ટાઇમ’ એક્શન
16મી માર્ચ 2026ના રોજ ગુજરાત સરકાર દ્વારા ઓરી-રુબેલા નાબૂદી માટે એક સઘન અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનને સફળ બનાવવા માટે અત્યાધુનિક ટેકનોલોજીનો સહારો લેવાયો છે, જેમાં VSIMS અને IDSP પોર્ટલ દ્વારા પ્રાપ્ત થયેલા ડેટાના આધારે રાજ્યના જોખમી વિસ્તારોની ચોકસાઈપૂર્વક ઓળખ કરવામાં આવી છે. આ રસીકરણ કાર્યક્રમમાં ખાસ કરીને 9 માસથી 10 વર્ષની વયના બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેમાં ઔદ્યોગિક વિસ્તારો અને શ્રમિકોના બાળકોનું સંપૂર્ણ રસીકરણ થાય તે બાબતને પ્રાથમિકતા આપવામાં આવશે.
સ્વસ્થ નારી, સશક્ત પરિવાર
સપ્ટેમ્બર-ઓક્ટોબર 2025 દરમિયાન યોજાયેલા ખાસ પખવાડિયામાં 1.24 લાખથી વધુ સગર્ભા સ્ત્રીઓનું સફળ રસીકરણ કરીને માતા અને બાળકના મૃત્યુદરને ઘટાડવા તરફ મહત્વનું ડગલું ભરવામાં આવ્યું છે.
ગુજરાત સરકારના આ ભગીરથ પ્રયાસોને કારણે આજે રાજ્યનું બાળક બીમારીઓ સામે લડવા માટે સક્ષમ બની રહ્યું છે.
આ પણ વાંચો: જાણો શું છે ખિલખિલાટ અભિયાન,રસીકરણમાં ગુજરાત સૌથી આગળ!
આ પણ વાંચો: ICMR અભ્યાસમાં થયો ચોકાવનારો ખુલાસો, આ કારણથી વધી રહ્યા છે અચાનક મૃત્યુ!
આ પણ વાંચો: મંકીપોક્સ સમગ્ર વિશ્વ માટે ખતરો, રસીકરણ કેટલું અસરકારક રહેશે
