Surat Dindoli Murder Case: સુરત શહેરમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. ડિંડોલી વિસ્તારમાં આવેલી ક્રિષ્ના એસી મોલની બહાર એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવતા સમગ્ર શહેરમાં સનસનાટી મચી ગઈ છે. આ હત્યાને પગલે ડિંડોલી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.
Surat : મોલની બહાર જ ખેલાયો લોહિયાળ ખેલ
પ્રાપ્ત વિગતો અનુસાર, ડિંડોલીના જાણીતા ક્રિષ્ના એસી મોલ પાસે આશિષસીંગ રાજપૂત નામના યુવક પર અજાણ્યા ઈસમોએ જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને આશિષને લોહીલુહાણ કરી નાંખ્યો હતો. હુમલો એટલો ભયાનક હતો કે યુવકનું કરૂણ મોત નીપજ્યું હતું.
પરિવારમાં શોકનું મોજું
હત્યાના સમાચાર મળતા જ આશિષસીંગના પરિવારજનો અને મિત્રો મોટી સંખ્યામાં ખાનગી હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં પરિવારના કરૂણ આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. પબ્લિક પ્લેસ પર થયેલી આ હત્યાએ પોલીસની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા કર્યા છે.
પોલીસ તપાસનો ધમધમાટ
ઘટનાની જાણ થતા જ ડિંડોલી પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. આ મામલે સત્ય બહાર લાવવા માટે પોલીસે મોલની આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવીને હુમલાખોરોની ઓળખ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. જોકે, આ હત્યા પાછળ જૂની અદાવત જવાબદાર છે કે અન્ય કોઈ કારણ, તે પોલીસની ઊંડી તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
સુરતમાં સતત વધતી જતી હત્યાની ઘટનાઓને પગલે નાગરિકોમાં પણ હવે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: મોતનું રહસ્ય ગૂંચવાયું! જીવન સાધના સ્કૂલના કમ્પાઉન્ડમાંથી અજાણ્યા યુવકની લાશ મળી
આ પણ વાંચો: રાજકોટમાં સામાન્ય બોલાચાલીમાં નેપાળી યુવાનની પથ્થર મારી હત્યા
આ પણ વાંચો: વડોદરામાં પ્રેમસંબંધમાં ખેલાયો ખૂની ખેલ, પ્રેમિકાએ દુપટ્ટાથી ગળું દબાવી પ્રેમીની કરી હત્યા
