Gujarat Lok Adalat 2026 Record: કોર્ટના લાંબા અને ખર્ચાળ ચક્કરમાંથી સામાન્ય નાગરિકોને મુક્તિ અપાવવા માટે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા 14 માર્ચના રોજ વર્ષ 2026ની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ એ. વાય. કોગજેના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ લોક અદાલતમાં એક જ દિવસમાં લાખો કેસોનો સુખદ અંત આવ્યો છે.
Lok Adalat: એક જ દિવસમાં કયા-કેટલા કેસો ઉકેલાયા?
આ લોક અદાલતમાં મોટર અકસ્માત, ચેક રિટર્ન (NI Act), કૌટુંબિક ઝઘડા અને દીવાની દાવાઓ જેવા વિવિધ કેસો હાથ પર લેવાયા હતા. જેમાં 6.67 લાખ પેન્ડિંગ કેસોમાંથી પક્ષકારોની સંમતિથી 5,77,579 કેસો ઉકેલાયા હતા, જ્યારે કોર્ટમાં પહોંચતા પહેલા જ (પ્રિ-લિટિગેશન સ્ટેજ પર) 8,21,208 કેસોમાં સમાધાન સધાયું હતું. આમ, પ્રિ અને પોસ્ટ લિટિગેશન મળીને રાજ્યભરમાં રેકોર્ડબ્રેક કુલ 13,98,787 કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, આ તમામ કેસોમાં કુલ મળીને 3209.80 કરોડના માતબર વળતરના હુકમો પણ કરવામાં આવ્યા છે.

તૂટતા બચ્યા 3500થી વધુ પરિવારો
લોક અદાલતનું સૌથી જમા પાસું એ રહ્યું કે સામાજિક દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ એવા પતિ-પત્નીના ઝઘડા અને દામ્પત્ય જીવનના વિવાદોમાં પણ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. પરિણામે, છૂટાછેડાના આરે ઉભેલા 3581 પરિવારોમાં સમાધાન થતા તેઓ ફરી એક થયા છે.
ટ્રાફિકના ઈ-મેમોમાંથી નાગરિકોને મુક્તિ
વાહનચાલકો માટે પણ આ લોક અદાલત રાહતરૂપ બની હતી. ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન અંગેના 6,48,375 ઈ-ચલણ (E-Challan) કેસોનો એક જ દિવસમાં નિકાલ કરવામાં આવ્યો છે. જેમાંથી સરકારને 50.48 કરોડની દંડની રકમની વસૂલાત થઈ છે.
10 વર્ષ જૂના જટિલ કેસોનો અંત
અસરકારક મધ્યસ્થી વ્યવસ્થાને કારણે 10 વર્ષથી વધુ સમયથી કોર્ટમાં ધૂળ ખાતા 764 જેટલા અત્યંત જટિલ કેસોનો પણ ઉકેલ લાવવામાં સફળતા મળી છે. આ સિદ્ધિ દર્શાવે છે કે વિવાદોના ઝડપી અને મૈત્રીપૂર્ણ નિરાકરણ માટે ગુજરાતમાં લોક અદાલત હવે સૌથી સશક્ત માધ્યમ બની રહી છે.
આ પણ વાંચો:કેરળ ફર્મમાં કર્મચારીઓ સાથે ક્રૂરતા, વીડિયો થયો વાયરલ
આ પણ વાંચો:સગીર પીડિતાના બાહ્ય ગુપ્તાંગ સાથે સહેજ શારીરિક સંપર્ક પણ લૈંગિક હુમલો ગણાશે: કેરળ હાઈકોર્ટ
આ પણ વાંચો:કેરળના મલપ્પુરમમાં ફૂટબોલ મેચ પહેલા અકસ્માત, ફટાકડા વિસ્ફોટથી 30થી વધુ ઘાયલ
