Gujarat News/ ગુજરાતમાં 3 કરોડથી વધુ પશુઓનું ‘ખરવા-મોવાસા’ સામે રસીકરણ, રોગનો ફેલાવો ઘટીને માત્ર 3% રહ્યો

ગુજરાતમાં પશુપાલન વિભાગે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. 3.04 કરોડ પશુઓને રસી (Vaccination) આપીને ખરવા-મોવાસા રોગને નાબૂદ કરવા તરફ મક્કમ ડગ માંડ્યા છે.

Top Stories Gujarat Others
Gujarat Animal Vaccination Success

Gujarat Animal Vaccination Success: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે પશુપાલન ક્ષેત્રે એક મોટી અને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યમાં પશુઓને થતા જીવલેણ ‘ખરવા-મોવાસા’ (FMD) રોગને નાબૂદ કરવાના અભિયાન અંતર્ગત વર્ષ 2025-26 દરમિયાન 3 કરોડથી વધુ પશુઓનું સફળતાપૂર્વક રસીકરણ કરવામાં આવ્યું છે. આ વ્યાપક ઝુંબેશને કારણે રાજ્યમાં વાયરસનો ફેલાવો ઘટીને માત્ર 3% જ રહ્યો છે.

પશુઓને ‘ખરવા-મોવાસા’ની Vaccination અપાઈ

રાજ્યમાં હાથ ધરવામાં આવેલા સઘન રસીકરણને પરિણામે પશુઓમાં ‘હર્ડ ઇમ્યુનિટી’ (રોગ પ્રતિકારક શક્તિ) 80% સુધી પહોંચી ગઈ છે. પશુપાલન વિભાગની ટીમો દર છ મહિને પશુપાલકોના ઘરે જઈને નિઃશુલ્ક રસીકરણ કરે છે. આ આશીર્વાદરૂપ પગલાથી પશુઓ રોગમુક્ત રહે છે અને દૂધ ઉત્પાદનમાં પણ સતત વૃદ્ધિ જોવા મળી રહી છે.

Gujarat Animal Vaccination Success

દરેક પશુને મળ્યું 12 આંકડાનું ‘આધાર’

આ અભિયાનની સૌથી મોટી વિશેષતા તેની પારદર્શિતા છે. ‘નેશનલ ડિજિટલ લાઈવસ્ટોક મિશન’ અંતર્ગત દરેક પશુને 12 આંકડાનો બાર-કોડેડ ‘ઇયર-ટેગ’ લગાવવામાં આવ્યો છે, જેના થકી પશુની તમામ વિગતો અને રસીકરણની ચોક્કસ માહિતી ‘ભારત પશુધન પોર્ટલ’ પર ઓનલાઇન ઉપલબ્ધ કરવામાં આવી છે. વર્ષ 2019થી શરૂ થયેલા આ સઘન અને ડિજિટલ પ્રયાસોને કારણે હવે રાજ્યમાં પશુઓની બીમારીના ગંભીર કેસો નહિવત જોવા મળે છે, જે પશુપાલકો માટે મોટી રાહત સમાન છે.

₹24,000 કરોડનું આર્થિક નુકસાન અટકાવવાનું લક્ષ્ય

ખરવા-મોવાસા જેવા ગંભીર રોગોને કારણે દેશને વાર્ષિક અંદાજે ₹24,000 કરોડનું મોટું આર્થિક નુકસાન વેઠવું પડે છે, જેને અટકાવવા માટે ગુજરાત સરકાર રાજ્યના 1.71 કરોડ પશુઓને વર્ષમાં બે વાર રસી આપવા માટે સંપૂર્ણ કટિબદ્ધ છે. આ સઘન રસીકરણ ઝુંબેશ અંતર્ગત ગત વર્ષ 2024-25માં 2.93 કરોડ રસી આપવામાં આવી હતી, જ્યારે ચાલુ વર્ષે (2025-26) આ આંકડો નોંધપાત્ર રીતે વધીને 3.04 કરોડને પાર કરી ગયો છે, જે પશુઆરોગ્ય અને પશુપાલકોના હિતમાં સરકારની ઉત્કૃષ્ટ અને પરિણામલક્ષી કામગીરી દર્શાવે છે.

આ આંકડા સાબિત કરે છે કે ગુજરાત હવે ‘રોગમુક્ત પશુધન‘ અને ‘સમૃદ્ધ પશુપાલક’ ના સંકલ્પ સાથે તેજ ગતિએ આગળ વધી રહ્યું છે.


આ પણ વાંચો: સંજીવની રથ: ગુજરાતના પશુધનને ઘર આંગણે આરોગ્ય સેવાનો આશીર્વાદ

આ પણ વાંચો: તાપી જિલ્લામાંથી ઝડપાયો લાંચિયો પશુધન નિરીક્ષક, ACBએ છટકુ ગોઠવીને કરી પશુધન નિરીક્ષકની ધરપકડ

આ પણ વાંચો: પાટણ જિલ્લાની ગૌ શાળામાં સહાય નહિ ચૂકવાય તો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પશુધન છોડવાની ચીમકી