Vadodara Rakshit Chaurasia Case Supreme Court: વડોદરાના બહુચર્ચિત રક્ષિત ચૌરસિયા હિટ એન્ડ રન કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે રક્ષિતને આપેલા જામીન રદ કરવા માટે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેને સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આરોપીને વધુ સમય જેલમાં રાખવા માટે કોઈ ખાસ આધાર જણાતો નથી.
શું હતો Supreme Courtનો તર્ક?
જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ એન.વી. અંજારિયાની ખંડપીઠે આ મામલે સુનાવણી કરતા જણાવ્યું હતું કે, આરોપી રક્ષિત છેલ્લા 9 મહિનાથી કસ્ટડીમાં છે. તે એક વિદ્યાર્થી છે અને તેની ઉંમર 23 વર્ષ છે. તપાસમાં પૂરતો સમય વીતી ચૂક્યો હોવાથી તેને વધુ સમય જેલમાં રાખવાની જરૂર જણાતી નથી. આ સાથે જ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના જામીન આપવાના હુકમમાં હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કરી દીધો છે.

સરકારની દલીલો જે કોર્ટે નકારી
ગુજરાત સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં આક્રમક દલીલો કરવામાં આવી હતી કે આરોપીએ નશો કર્યો હતો અને તેની કાર 140 કિમી પ્રતિ કલાકની ઝડપે હતી. અકસ્માત બાદ આરોપી પસ્તાવો કરવાને બદલે ‘અનધર રાઉન્ડ’ કહીને ડ્રામા કરતો હતો. સરકારની દલીલ હતી કે આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ પણ ગુનો નોંધાયેલો છે અને તે સમાજ માટે જોખમી સાબિત થઈ શકે છે. જોકે, આ તમામ દલીલો છતાં સુપ્રીમ કોર્ટે આરોપીના જેલવાસના સમયગાળાને ધ્યાને રાખી તેના જામીન યથાવત રાખ્યા છે.
હોળીના દિવસે સર્જાયો હતો કાળમુખો અકસ્માત
ગત વર્ષે હોળી-ધૂળેટીના દિવસે વડોદરામાં MSU ના વિદ્યાર્થી રક્ષિત ચૌરસિયાએ પોતાની તેજ રફ્તાર વોક્સવેગન કારથી 8 લોકોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં એક મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે એક નાનકડી બાળકી સહિત અનેક લોકો ઘાયલ થયા હતા. FSL રિપોર્ટમાં પણ પુષ્ટિ થઈ હતી કે રક્ષિત નશાની હાલતમાં કાર ચલાવી રહ્યો હતો.
પીડિત પરિવારમાં શોક અને નિરાશા
રક્ષિત ચૌરસિયાને જામીન મળતા અને સુપ્રીમ કોર્ટ દ્વારા તે જામીન કાયમ રાખવામાં આવતા પીડિત પરિવારે ભારે દુઃખ વ્યક્ત કર્યું છે. પરિવારે આ ચુકાદાને દર્દનાક ગણાવ્યો છે. ગંભીર ગુનામાં આરોપીને મળેલી આ રાહતથી ન્યાયતંત્ર સામે પીડિતોમાં નિરાશા જોવા મળી રહી છે.
આ પણ વાંચો: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પી અકસ્માત સર્જયો હોવાનો ઘટસ્ફોટ, 8 લોકોને અડફેટે લેતા 1 નું મોત થયું હતું
આ પણ વાંચો: શરમજનક કૃત્ય કરીને હવે રક્ષિત ચૌરસિયા મોઢાની સર્જરી કરાવવા સયાજી હોસ્પિટલ પહોંચ્યો
આ પણ વાંચો: વડોદરામાં કારેલીબાગ અકસ્માતમાં રક્ષિત ચૌરસિયાના વધુ 2 દિવસનાં રિમાન્ડ મંજૂર
