Vadodra News : વડોદરામાં બેફામપણે કાર હંકારી અકસ્માત કરનાર રક્ષિત ચૌરસિયા હવે મોઢાની સર્જરી કરાવવા સયાજી હોસ્પિટલ પહોંચ્યો છે. ષરમજનક કૃત્ય કરનારા રક્ષિતને પોલીસ જાપ્તા વચ્ચે હોસ્પિટલ લઈ જવાયો હતો. વડોદરામાં હોલિકા દહનની મોડી રાત્રે શહેરના કારેલીબાગ વિસ્તારમાં બેફામ કાર ચલાવી કારચાલકે આઠ લોકોને ઉડાવ્યા હતા. આ દુર્ઘટનામાં ઘટનાસ્થળે જ એક મહિલાનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનામાં હાલમાં આરોપી રક્ષિત ચૌરસિયા જેલમાં છે અને તેના મોઢાના ભાગે ઈજાઓ હોવાથી સારવાર ચાલી રહી છે. ત્યારે આજે આરોપી રક્ષિત ચૌરસિયાને પોલીસ જાપ્તા સાથે સયાજી હોસ્પિટલમાં સર્જરી માટે દાખલ કરવામાં આવ્યો છે.
જેલમાંથી રક્ષિત ચૌરસિયાને પોલીસ જાપ્તા સાથે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. આ માટે રાવપુરા પોલીસના જવાનો પણ બંદોબસ્તમાં જોડાયા હતા. બેફામ કાર ચલાવી આઠ લોકોને ઉડાડનાર રક્ષિત ચૌરસિયાને લોકોએ અકસ્માત બાદ મેથીપાક આપ્યો હતો અને તેને મોઢાંના ભાગે ઈજાઓ પહોંચતા તેની સારવાર સયાજી હોસ્પિટલમાં ચાલી રહી હતી. મોઢાના ભાગે સર્જરી કરવાની હોવાથી સયાજી હોસ્પિટલના ન્યૂ સર્જિકલ વિભાગમાં તેને દાખલ કરવામાં આવ્યો છે.
આરોપી રક્ષિત ચૌરસિયાને સયાજી હોસ્પિટલમાં ન્યૂ સર્જિકલ વિભાગના પ્લાસ્ટિક સર્જરી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. આરોપી રક્ષિત સાથે તેના પરિવારના કોઈ સભ્ય નથી. આરોપી સાથે માત્ર બે પોલીસ જવાનો છે અને તેને જનરલ વોર્ડમાં દર્દીઓ સાથે રાખવામાં આવ્યો છે. બાદમાં તેને સર્જરી વિભાગના ઓટીમાં લઈ જવામાં આવશે અને મોઢાના ભાગે તેની સર્જરી કરવામાં આવશે.
કારેલીબાગ વિસ્તારમાં અકસ્માતની ઘટનામાં આરોપી રક્ષિત ચૌરસિયા સામે સાપરાધ મનુષ્યવધ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા તેને જેલમાં મોકલવામાં આવ્યો છે, ત્યારે આ આરોપીને મોઢાના ભાગે ઈજાઓ હોવાથી તેની સારવાર જેલના ડોક્ટર પાસે કરવામાં આવી રહી છે. સાથે વધુ સારવાર માટે આજે સયાજી હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જન વિભાગમાં દાખલ કરવામાં આવ્યો છે.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મુક્તાનંદ સર્કલ પાસે ગત 13 માર્ચ, 2025 રાત્રે નશામાં ચૂર કારચાલકે 8 લોકોને અડફેટે લઈને ફૂટબોલની જેમ ફંગોળ્યા હતા, જેમાં હેમાલીબેન પટેલ નામની મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેમના પતિ પૂરવ પટેલને ગંભીર ઈજા થઈ હતી. આ ઘટનામાં કુલ એક બાળક અને એક બાળકી સહિત 7ને ઈજા થઈ હતી.
અકસ્માત બાદ આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે આરોપી કારચાલક રક્ષિત રવિશ ચૌરસિયા (વારાણસી, ઉત્તરપ્રદેશ) ની ધરપકડ કરી સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો હતો. કારચાલક રક્ષિત ચૌરસિયા એમ.એસ.યુનિવર્સિટીમાં કાયદાનો, જ્યારે પ્રાંશુ ચૌહાણ પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. હાલમાં આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા જેલમાં છે.
આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર વધુ એક દાણચોરીનો કેસ,3.53 કરોડના હીરા સાથે 2ની ધરપકડ
આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું 2.76 કરોડનું સોનુ
