Ambalal Patel Forecast Gujarat: ગુજરાતમાં અત્યારે હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એકતરફ ઉનાળાની શરૂઆતમાં ગરમીનો પારો ઊંચકાઈ રહ્યો છે, તો બીજી તરફ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર ‘માવઠા’ની ગંભીર આગાહી કરીને ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં વરસાદ કરતાં વધુ તોફાની પવન મુશ્કેલી સર્જી શકે છે.
ગુજરાતના હવામાનમાં મોટો ફેરફાર : Ambalal Patel
અંબાલાલ પટેલની આગાહી મુજબ, 26 થી 28 માર્ચ દરમિયાન ગુજરાતના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે. ઉત્તર ભારતમાં સક્રિય થનારા મજબૂત પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) ને કારણે ગુજરાતના અનેક ભાગોમાં વીજળીના કડાકા-ભડાકા અને પવનના સુસવાટા સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે.

વરસાદ કરતાં પવનની ચિંતા વધુ
અંબાલાલ પટેલે ચેતવણી આપી છે કે આ વખતે પવનની ગતિ સામાન્ય કરતાં ઘણી વધારે રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પવનની ગતિ ૫૫ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પવનની ગતિ 60 કિમીની આસપાસ રહેવાની શક્યતા છે. આ ઉપરાંત, રાજ્યના બાકીના અન્ય વિસ્તારોમાં પણ 35 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

હાલમાં રાજ્યમાં ઘઉં, જીરું, વરિયાળી અને રાયડા જેવા રવિ પાકની લણણીની સીઝન ચાલી રહી છે. આવા સમયે જો વરસાદ અને તેજ પવન ફૂંકાય, તો તૈયાર પાક જમીનદોસ્ત થઈ શકે છે. ઉપરાંત, આંબા પર આવેલા કેરીના મોર (ફૂલ) પણ ખરી જવાની ભીતિ છે, જેની સીધી અસર કેરીના ઉત્પાદન પર પડશે.

હીટવેવનું પણ એલર્ટ
માર્ચના અંતમાં વરસાદી માહોલ બાદ એપ્રિલમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થશે. આગામી 2 દિવસમાં તાપમાનનો પારો 3 થી 5 ડિગ્રી સુધી વધી શકે છે. ત્યારબાદ 4 એપ્રિલ પછી રાજ્યમાં ગરમીનું જોર વધુ વધશે અને તાપમાન 41 થી 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જેના પરિણામે રાજ્યમાં હીટવેવની સ્થિતિ સર્જાશે.
હવામાન વિભાગ અને નિષ્ણાતોએ ખેડૂતોને તેમની ખેત પેદાશો સુરક્ષિત સ્થળે ખસેડી લેવા અને સાવચેતી રાખવા સૂચન કર્યું છે.
આ પણ વાંચો: અંબાલાલ પટેલે કમોસમી વરસાદની વ્યક્ત કરી સંભાવના, ખેડૂતોમાં ચિંતા!
આ પણ વાંચો: ગુજરાતમાં માવઠાનું સંકટ! અંબાલાલ પટેલની આગાહીથી ખેડૂતો ચિંતામાં,પલટાશે વાતાવરણ
આ પણ વાંચો: ઉત્તરાયણ પર પતંગ રસિકોને મોજ પડી જશે, પવન રહેશે એકદમ સાનુકૂળ: અંબાલાલ પટેલ
