Gujarat Pavitra Yatradham Vikas Board CAG Report: ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામોના વિકાસની જવાબદારી સંભાળતા ‘ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ’નો વહીવટ વિવાદના ઘેરામાં આવ્યો છે. CAG (Controler and Auditor General) ના તાજેતરના અહેવાલ મુજબ, આ બોર્ડે છેલ્લા 19 વર્ષથી પોતાનો વાર્ષિક વહીવટી અહેવાલ કે હિસાબ વિધાનસભા સમક્ષ રજૂ કર્યો નથી. શ્રદ્ધાળુઓની આસ્થા અને જાહેર નાણાં સાથે જોડાયેલી આ સંસ્થાની આવી ગંભીર લાપરવાહી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
2006 થી હિસાબ બાકી : CAG
સત્તાવાર વિગતો અનુસાર, ગાંધીનગર સ્થિત આ બોર્ડના કુલ 19 વાર્ષિક અહેવાલો હજુ સુધી જમા થયા નથી. વર્ષ 2006-07 થી લઈને 2024-25 સુધીની કામગીરી અને ઓડિટ રિપોર્ટ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યા નથી. નિયમ મુજબ દરેક સ્વાયત્ત સંસ્થાએ દર વર્ષે પોતાના હિસાબ અને કામગીરીનો રિપોર્ટ આપવો ફરજિયાત છે, પરંતુ અહીં બે દાયકા જેટલો લાંબો સમય વીતી જવા છતાં તંત્ર મૌન સેવી રહ્યું છે.

કરોડોની ગ્રાન્ટનો ઉપયોગ ક્યાં થયો?
સોમનાથ, દ્વારકા, અંબાજી અને પાવાગઢ જેવા મોટા યાત્રાધામોના વિકાસ માટે સરકાર દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે. ભક્તોની સુવિધા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચાતા આ જાહેર નાણાંનો સાચો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થયો, તે બાબત છેલ્લા 19 વર્ષથી અસ્પષ્ટ છે. ઓડિટ રિપોર્ટના અભાવે આર્થિક ગેરરીતિ અને વહીવટી શિથિલતાની આશંકાઓ પ્રબળ બની છે.
અન્ય સંસ્થાઓ કરતા પણ પાછળ
CAG ના રિપોર્ટમાં અન્ય સંસ્થાઓ જેવી કે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી‘ (SOUADTGA) અને ‘ગુજરાત શહેરી વિકાસ નિગમ’ ના પણ થોડા વર્ષોના અહેવાલો બાકી છે, પરંતુ 19 વર્ષ જેટલો લાંબો અને ખરાબ રેકોર્ડ માત્ર પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના નામે જ છે. આટલી મોટી લાપરવાહી છતાં હજુ સુધી જવાબદારો સામે કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી, જે સુશાસનના દાવાઓ સામે મોટું પ્રશ્નાર્થ ચિન્હ ઉભું કરે છે.
ભક્તોની આસ્થા અને ટેક્સના પૈસાનો હિસાબ આપવામાં આટલી નિષ્ફળતા એ ચિંતાનો વિષય છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ મામલે ક્યારે જાગે છે અને 19 વર્ષનો હિસાબ ક્યારે જાહેર કરે છે.
આ પણ વાંચો: ગાંધીનગરમાં 20 લાખની ઉઘરાણીમાં ધોળા દિવસે 2 રાઉન્ડ ફાયરિંગ, એક યુવક ઘાયલ
આ પણ વાંચો: ગાંધીનગરમાં સતત બીજા દિવસે પણ પેટ્રોલ પમ્પ પર લાઇનો
આ પણ વાંચો: ગાંધીનગર કર્મયોગી ભવનમાં બોમ્બની ધમકી, કર્મયોગી ભવન ખાલી કરાવાયું
