Gandhinagar Firing Incident: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સરાજાહેરે ફાયરિંગની ઘટના બનતા સમગ્ર શહેરમાં ફફડાટ વ્યાપી ગયો છે. શહેરના વ્યસ્ત ગ-2 સર્કલ પાસે પ્લોટના સોદાના બાકી નીકળતા ૨૦ લાખ રૂપિયાની વસૂલાત મામલે ચાલી રહેલી ચર્ચા લોહિયાળ જંગમાં ફેરવાઈ ગઈ હતી. ઉશ્કેરાયેલા શખ્સે પોતાની રિવોલ્વર કાઢી બે રાઉન્ડ ફાયરિંગ કરતા એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.
Gandhinagarમાં પ્લોટના સોદાના નાણાં બાબતે મામલે ફાયરિંગ
પ્રાપ્ત વિગતો અનુસાર, ઉનાવા ગામના જીતુ રાઠોડ અને તેમના સાથી હિતેશ રબારી પ્લોટના સોદા પેટે બાકી નીકળતા 20 લાખ રૂપિયા લેવા માટે પ્રદીપ જાડેજા પાસે આવ્યા હતા. ગ-2 સર્કલ પાસે આ નાણાકીય લેતીદેતી અંગે વાતચીત ચાલી રહી હતી ત્યારે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાત એટલી વધી ગઈ કે હિતેશ રબારીએ ઉશ્કેરાટમાં આવી પોતાની પાસે રહેલી રિવોલ્વરથી પ્રદીપ જાડેજા પર ફાયરિંગ કરી દીધું હતું.
પેટના ભાગે ગોળી વાગતા યુવક લોહીલુહાણ
આ હુમલામાં પ્રદીપ જાડેજાને પેટના ભાગે ગોળી વાગતા તે સ્થળ પર જ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. ધોળા દિવસે થયેલા આ ગોળીબારને પગલે આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. ઇજાગ્રસ્ત પ્રદીપને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત હાલ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે
ઘટનાની જાણ થતા જ ગાંધીનગર જિલ્લા પોલીસ વડા (SP) સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. એફએસએલ (FSL) ની ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી હિતેશ રબારી અને તેની સાથેના શખ્સોની શોધખોળ હાથ ધરી છે. પાટનગરમાં જાહેર રસ્તા પર થયેલા આ ફાયરિંગે પોલીસ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા કર્યા છે.
આ પણ વાંચો: ભાજપનાં સાંસદ રંજીતા કોલીને મળી ધમકી, બદમાશોએ ઘરમાં કર્યુ Firing
આ પણ વાંચો: અમદાવાદના ધોળકાના ઇંગોલી ગામે ફાયરિંગની ઘટનાથી ચકચાર
આ પણ વાંચો: દાહોદમાં જૂથ અથડામણ, 5 રાઉન્ડ ફાયરિંગ: બે જણા ઘાયલ
