Ahmedabad News/ બ્લેડર એક્સ્ટ્રોફી બાળકો માટે રિયૂઝેબલ ‘BE-Dry’ ડાયપર તૈયાર

રિયૂઝેબલ Diapers, જે આ બાળકો માટે માત્ર એક વસ્ત્ર નથી, પરંતુ તેમના આત્મસન્માનની રક્ષાનું કવચ છે

Gujarat Ahmedabad
Diapers

Ahmedabad News : બાળપણ એટલે નિખાલસતા અને શિક્ષણનો સમય. પરંતુ કલ્પના કરો કે એક નાનકડું બાળક માત્ર એટલા માટે શાળાએ જતાં ડરે છે કે તેના કપડાં વારંવાર ભીના થઈ જાય છે. જેને લઈને ‘BE-Dry’ રિયૂઝેબલ ડાયપર (Diapers) તૈયાર કરાયા છે.સાથી મિત્રોની મજાક અને કપડાંમાંથી આવતી પેશાબની દુર્ગંધ બાળકને માનસિક રીતે તોડી નાખે છે. આ કોઈ સામાન્ય કલ્પના નથી, પરંતુ ‘બ્લેડર એક્સ્ટ્રોફી’ની સમસ્યા ધરાવતા બાળકોની વરવી વાસ્તવિકતા છે.

આ બાળકોના જીવનમાં અંધકારને સ્થાને આશાનું કિરણ લાવવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ, ઇન્ટરનેશનલ બ્લેડર એક્સસ્ટ્રોફી કોલાબોરેટિવ (IBEC), અમેરિકાની સંસ્થા એસોસિએશન ફોર ધ બ્લેડર એક્સસ્ટ્રોફી કોમ્યુનિટી (A-BE-C) અને સુરતના પરોપકારી મોદી પરિવારે હાથ મિલાવ્યા છે. પરિણામ સ્વરૂપ તૈયાર થયું છે ‘BE-Dry’ રિયૂઝેબલ ડાયપર (Diapers), જે આ બાળકો માટે માત્ર એક વસ્ત્ર નથી, પરંતુ તેમના આત્મસન્માનની રક્ષાનું કવચ છે.

તબીબી પડકાર: જ્યારે સર્જરી પૂરતી નથી

તબીબી પડકાર: જ્યારે સર્જરી પૂરતી નથી

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અને પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, બ્લેડર એક્સ્ટ્રોફીની જન્મજાત બીમારીમાં અનેક જટિલ સર્જરીઓ બાદ પણ 20 થી 25 ટકા બાળકોમાં યુરીન લીકેજની સમસ્યા કાયમી રહે છે. શાળામાં ચાલુ વર્ગખંડે કપડાં ભીના થઈ જવાથી બાળક લઘુતાગ્રંથિ અનુભવે છે. ગરીબ પરિવારો માટે રોજના મોંઘા ડિસ્પોઝેબલ ડાયપર (Diapers) ખરીદવા અશક્ય હોય છે, જેના કારણે “ભીના કપડાંના કારણે બાળક શિક્ષણથી વંચિત” રહી જતું હોય છે.
આ સમસ્યાના ઉકેલ માટે છેલ્લા 18 વર્ષથી કાર્યરત ડૉ. જોષીના માર્ગદર્શન હેઠળ વૈશ્વિક સંસ્થાઓ સાથે સંકલન સાધવામાં આવ્યું. A-BE-C સંસ્થાના પામેલા આર્ટિગાસે પણ સ્વીકાર્યું કે, “બ્લેડર એક્સ્ટ્રોફી એ માત્ર તબીબી સમસ્યા નથી, પરંતુ સામાજિક અને માનસિક સમસ્યાની સાથે બાળકનાં આત્મસન્માનનો પ્રશ્ન છે.”

સુરતના મોદી પરિવારનો સેવાયજ્ઞ: ખર્ચ નહીં, ભવિષ્યમાં રોકાણ

આ ગંભીર સમસ્યાનો ઉકેલ મોંઘા વિદેશી ડાયપર (Diapers) હતા, જે સામાન્ય માણસને પરવડે તેમ નહોતા. આ સમયે સુરતના વિનય મોદી અને અંજુ મોદી મદદે આવ્યા. તેમણે અમેરિકન ડિઝાઇનને ભારતીય જરૂરિયાત મુજબ તૈયાર કરવામાં અને ઉત્પાદન ખર્ચ ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવી.
પોતાની ઉદારતા દર્શાવતા મોદી પરિવારે અંદાજે 1.5 લાખ રૂપિયાના ખર્ચે 140 જેટલા બાળકોને 8 રિયૂઝેબલ BE-Dry ડાયપરની ગિફ્ટ આપી છે. “સર્જરીથી આગળનો વિચાર” કરી કરવામાં આવેલા આ આર્થિક સહયોગથી હવે બ્લેડર એક્સ્ટ્રોફી ધરાવતા બાળકોના પરિવારો પરથી ડાયપર (Diapers)ના ખર્ચનો મોટો બોજ હળવો થયો છે.

નવી સવાર, નવો આત્મવિશ્વાસ

સિવિલ હોસ્પિટલના નિષ્ણાતો અને સુરતના દાતા પરિવારના આ સમન્વયથી હવે સેંકડો બાળકો ફરી શાળાએ જતા થયા છે. અનુભા ઇનોવેટર્સ દ્વારા તૈયાર કરાયેલા આ ડાયપર્સમાં રીયૂઝેબલ અન્ડરવેર સાથે બદલી શકાય તેવા પેડ્સ હોવાથી તે લાંબા ગાળા સુધી ઉપયોગી છે.
ડૉ. રાકેશ જોષી વિશ્વાસ સાથે કહે છે કે, આ પહેલથી હવે કોઈ પણ બાળક માત્ર પેશાબ લીક થવાની શરમથી સમાજ કે શાળાથી દૂર નહીં રહે. આ પ્રોજેક્ટ સાબિત કરે છે કે જ્યારે તબીબી નિષ્ણાતો અને સમાજ શ્રેષ્ઠીઓ સાથે મળે, ત્યારે જન્મે છે— “ડાયપર (Diapers) નહીં, પણ ડિગ્નિટી”.


 

આ પણ વાંચો : નાના બાળકોને બહાર લઈ જાઓ છો? તો ડાયપરની સાથે આ વસ્તુઓ બેગમાં જરૂર મૂકો

આ પણ વાંચો : ડાયપર પહેરાવતા સમયે બાળકો ચીડાઇ જાય છે, તો રાખો આ ખાસ વાતનું ધ્યાન…

આ પણ વાંચો : આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનનાં શૌચાલયમાં આવી ખામી, ડાયપર પહેરીને કામ કરવા મજબૂર બન્યા અવકાશયાત્રી