Gopal Italia Statement: સુરતના મોટા વરાછા વિસ્તારમાં યોજાયેલા ભાજપના ભવ્ય રાજસ્વી સન્માન સમારોહને લઈ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કડક ટીકા કરી છે. તેમણે કહ્યું કે સમાજમાં સંઘર્ષ કરીને સફળતા મેળવનાર વ્યક્તિઓનું સન્માન થવું યોગ્ય છે, પરંતુ સુરતમાં જે રીતે સન્માન સમારોહ યોજાઈ રહ્યો છે તે ખરેખર સમાજના હિતમાં છે કે પછી સત્તાના ગોઠવણોમાં સંકળાયેલા લોકો માટે, તે વિચારવાનો વિષય છે.
ખાનગી શાળાઓની ફી આસમાને પહોંચી ગઈ : Gopal Italia
ગોપાલ ઇટાલિયા (Gopal Italia)એ જણાવ્યું કે સુરતમાં ખાનગી શાળાઓની ફી આસમાને પહોંચી ગઈ છે. હીરા ઘસનાર અને મજૂરી કરતા સામાન્ય માણસ માટે પોતાના બાળકોને શિક્ષણ આપવું મુશ્કેલ બન્યું છે. જે સરકાર સામાન્ય નાગરિકોને સસ્તું અને ગુણવત્તાયુક્ત શિક્ષણ ન આપી શકે, તે સરકારમાં મંત્રી બનેલા લોકોનું સન્માન થવું કેટલું યોગ્ય છે, તે પણ વિચારવું જોઈએ.
“એક પણ સરકારી કોલેજ નથી”
વરાછા વિસ્તાર અંગે વાત કરતા ઇટાલિયાએ કહ્યું કે છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં આ વિસ્તારમાં એક પણ સરકારી કોલેજ નથી. અનેક વિદ્યાર્થીઓને ભીડભાડ ભરેલી સિટી બસોમાં અન્ય વિસ્તારોમાં કોલેજ માટે જવું પડે છે. કેશુભાઈ પટેલ સરકારી કોલેજની માંગ વર્ષોથી કરવામાં આવી રહી છે, છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કેમ થતી નથી, તે પણ મોટો પ્રશ્ન છે.
ભાજપની આંતરિક રાજનીતિ પર પણ પ્રહાર
ગોપાલ ઇટાલિયાએ ભાજપની આંતરિક રાજનીતિ પર પણ પ્રહાર કરતા કહ્યું કે પાર્ટીમાં આયા રામ-ગયા રામની સ્થિતિ છે. જેમને પોતાનું આત્મસન્માન નથી, તેમનું સમાજ શું સન્માન કરે? તેમણે કેશુભાઈ પટેલને સાચા લોકનેતા તરીકે ઉદાહરણ આપ્યું અને કહ્યું કે જ્યારે તેમને મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવ્યા ત્યારે જનસમર્થન સ્પષ્ટ રીતે જોવા મળ્યું હતું.
અંતમાં Gopal Italiaએ કહ્યું કે આવા ભવ્ય સમારોહોની ચમકધમક પાછળ સામાન્ય લોકોની સમસ્યાઓ અને ગરીબોની પીડા છુપાવવામાં આવી રહી છે. સુરતના લોકોને તેમણે અપીલ કરી કે સન્માન સમારોહ પછી પોતાના રોજિંદા પ્રશ્નો શિક્ષણ, નશાની સમસ્યા અને વિકાસ પર પણ વિચાર કરે.
આ પણ વાંચો: સોલર કંપની પાસે Moriએ કરોડની લાંચ લીધીઃ ગોપાલ ઇટાલિયા
આ પણ વાંચો: વિધાનસભામાં કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે સટાસટી
આ પણ વાંચો: રાજ્યમાં મોટાપાયા પર લગ્ન નોંધણી કૌભાંડનો ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ
