MANTAVYA Vishesh/ વિધાનસભામાં કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે સટાસટી

ગુજરાત વિધાનસભાના ખાસ સત્રના અંતિમ દિવસે ભાજપ (BJP)ના વિધાનસભ્ય કાંતિ અમૃતિયા અને આમ આદમી પાર્ટી (AAP) ગોપાલ ઇટાલિયા વચ્ચે શાબ્દિક સટાસટી બોલી હતી. બંને એકબીજાની સામસામે આવી ગયા હતા. તેના લીધે એક સમયે ગૃહનું વાતાવરણ પણ ગરમાગરમ થઈ ગયું હતું.

Mantavya Vishesh

ગુજરાત વિધાનસભાના ખાસ સત્રના અંતિમ દિવસે ભાજપ (BJP)ના વિધાનસભ્ય કાંતિ અમૃતિયા અને આમ આદમી પાર્ટી (AAP) ગોપાલ ઇટાલિયા વચ્ચે શાબ્દિક સટાસટી બોલી હતી. બંને એકબીજાની સામસામે આવી ગયા હતા. તેના લીધે એક સમયે ગૃહનું વાતાવરણ પણ ગરમાગરમ થઈ ગયું હતું.

વિધાનસભા ગૃહમાં ચર્ચા દરમિયાન કાંતિ અમૃતિયાએ દાવો કર્યો હતો કે ગુજરાતમાં રોજગારીના મોરચે કોઈ ચિંતા નથી, ગુજરાતમાં બીજા રાજ્યોમાંથી આવીને લોકો રોજગારી મેળવે છે. આમ ગુજરાત ફક્ત ગુજરાતીઓ જ નહીં, બીજા રાજ્યોમાંથી આવનારાઓને પણ રોજગારી પૂરી પાડે છે. તેની સામે ગોપાલ ઇટાલિયાએ કાંતિ અમૃતિયાને રોકડો જવાબ પરખાવ્યો હતો, તેના કારણે કાંતિ અમૃતિયા સમસમી ગયા હતા.

ગોપાલ ઇટાલિયાએ કાંતિ અમૃતિયાને જણાવ્યું હતું કે રોજગારીના દાવા કરવાનું બંધ કરો, તમે એકબાજુએ રોજગારીના આવા દાવા કરો છો તો બીજી બાજુએ ગુજરાતમાંથી કેટલાય ગુજરાતીઓ વિદેશમાં નોકરી મેળવવા ફાંફા મારે છે. આ સમયે તમારા આ રોજગારીના દાવા ક્યાં જાય છે, ગુજરાતીઓએ સારા ભવિષ્ય માટે વિદેશ ભણી દોટ મૂકી છે. કાયદેસર-ગેરકાયદે બધી રીતે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુરોપમાં ઘૂસવા માટે ગુજરાતી તૈયાર છે તો તેની તપાસ કરો કે ક્યાં ખાટલે મોટી ખોડ છે. ફક્ત દાવાઓ જ ન કરો, રોજગારી પણ પૂરી પાડો. તેથી ડીંગો હાંકવાનું બંધ કરો, વાસ્તવિકતાને સ્વીકારો.

ગોપાલ ઇટાલિયાના આ રોકડા જવાબના પગલે ગૃહમાં બંને વચ્ચે ચડસાચડસી જામી ગઈ હતી. જાણે બે બળિયા બાથે ભીડ્યા તેવો ઘાટ થયો હતો. આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે તમે મારી સામે બોલશો તેનો મને વાંધો નથી, મારી સામે બોલનારાની ટિકિટ પાક્કી થઈ જાય છે. તેથી તમે મારી સામે જેટલું ઝગડશો તેટલી તમારી ટિકિટ પાક્કી થવાના ચાન્સ વધી જશે, મને પણ મારા કારણે કોઈનું ભલું થતું હોય તેની સામે જરા પણ વાંધો નથી.

ગુજરાત વિધાનસભામાં કારખાના વિધેયક બિલ પસાર થયું તેના પરની ચર્ચા દરમિયાન કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે તડાફડી થઈ હતી. આ બિલનો વિપક્ષે તીવ્ર વિરોધ કર્યો હતો અને ગોપાલ ઇટાલિયાએ તેના વિરોધમાં ઉગ્ર રજૂઆતો પણ કરી હતી. તેમણે તો આ બિલને કામદારોના શોષણ માટે કંપનીઓને ખુલ્લી છૂટ આપી દેતું ગણાવ્યું હતું. કોંગ્રેસે પણ આ બિલનો જોરદાર વિરોધ કર્યો હતો.

જો કે કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે આ પ્રકારે સામસામે આવી જવું તે નવી વાત નથી. આ પહેલાં પણ કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા સામસામે આવી ચૂક્યા છે. વિસાવદરની ચૂંટણી વખતે ગોપાલ ઇટાલિયાએ શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા, તેમા પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના શાસક પક્ષના વિધાનસભ્યોને રીતસરના ઝાટક્યા જ હતા.

તેમણે જણાવ્યું હતું કે શાસક પક્ષના સૌરાષ્ટ્રના વિધાનસભ્યોમાં પાણી જ નથી. તેના કારણે આજે સૌરાષ્ટ્રની સ્થિતિ ખરાબ છે. મોરબી પુલ દુર્ઘટનાની વાતને પણ ટાંકી હતી અને તેના પીડિતોને ન્યાય મળ્યો નથી તે જણાવ્યું હતું. ખેડૂતોને ખાતર મળતું નથી. પાક.નું વળતર મળતું નથી, પાક.નો વીમો મળતો નથી. એપીએમસીમાં ગેરરીતિ આચરીને ખેડૂતોને છેતરાય છે. પણ શાસક પક્ષના ધારાસભ્યો મૌન છે, તે કોઈ ખેડૂતોના હિતની વાત કરતાં નથી. બધાને જાણે ખેડૂતોના હિતની, કામદારોના હિતની નહીં પણ પોતાની ટિકિટની ચિંતા છે.

ગોપાલ ઇટાલિયાના આ પ્રકારના આકરા વેણના પગલે સૌરાષ્ટ્રમાં મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા ઉકળી ઉઠ્યા હતા. તેમને લાગ્યું કે આ તો ગોપાલે રીતસરનો સૌરાષ્ટ્રના શાસક પક્ષના ધારાસભ્યો પર જનોઇવઢ ઘા કર્યો છે. જો તેઓ તેનો જવાબ નહીં આપે તો તેમને ભાગવુ ભારે પડશે. તેથી તેમણે ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ કરી હતી કે તે મોરબીમાં આવે અને તેમની સામે ચૂંટણી લડવાનો પડકાર ઝીલે. આ માટે તે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપે.

ગોપાલ ઇટાલિયાએ પણ આ ચેલેન્જ સ્વીકારી લીધી હતી તો સામે કાંતિ અમૃતિયા પણ આ ચેલેન્જના પગલે રાજીનામુ આપવા તેમના સમર્થકો સાથે વિધાનસભા ભવન આવી ગયા હતા અને ત્યાં ગોપાલ ઇટાલિયા આવે તેની હાજરીમાં રાજીનામુ આપીશ અને તે ગોપાલ ઇટાલિયા પણ ત્યાં રાજીનામુ આપે તેવી હઠ પકડી હતી. જો કે ગોપાલ ઇટાલિયા તે સમયે ત્યાં આવ્યા ન હતા, જો તે ત્યાં આવ્યા હોત તો ત્યાં પણ બંને વચ્ચે બરોબરની ગરમાગરમી થઈ હોત. ગોપાલ ઇટાલિયા ત્યાં જઈને કાંતિ અમૃતિયાને પડકારવા માટે તૈયાર પણ હતા. અહીં બંને મોરેમોરો આવી જાય તેમ હતુ, પરંતુ આપના ઇસુદાન ગઢવીએ તેમને ઠંડા પાડ્યા હતા. તેમણે કહ્યું હતું કે આપણને વિસાવદરની પ્રજાએ ચૂંટ્યા છે અને આપણે વિસાવદરની પ્રજાના કામ કરવાના છે અને તેમના પ્રશ્નોને વાચા આપવાની છે. રાજકારણ કંઈ વ્યક્તિગત ચડસાચડસી માટે નથી. તેથી ગોપાલ ઇટાલિયાએ રાજીનામુ આપ્યું ન હતુ.

પણ વાત અહીં પૂરી થઈ જતી નથી, અહીંથી જ શરૂ થાય છે. બસ ત્યારથી જ કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા જ્યાં પણ મળે કે સામસામા થાય ત્યારે એકબીજા પર શાબ્દિક પ્રહારો શરૂ થઈ જાય છે અને વાતાવરણમાં ગરમી વ્યાપી જાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મારી પત્ની લેસ્બિયનઃ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ભાવિ ગાદીપતિના આક્ષેપથી ખળભળાટ

આ પણ વાંચો: રાજ્યમાં મોટાપાયા પર લગ્ન નોંધણી કૌભાંડનો ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ

આ પણ વાંચો: IPS કેડરમાં પણ હવે સ્ત્રીશક્તિ પર મૂકાતો ભાર