Gujarat Rain News: ગુજરાતમાં છેલ્લા કેટલાક (Gujarat Rain) દિવસોથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં અનેક નદીઓ ભયજનક સપાટીએ વહેતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યારે મધ્ય ગુજરાતના અનેક ગામો અને શહેરોમાં જળબંબાકારના દૃશ્યો જોવા મળી રહ્યા છે. બીજી તરફ કચ્છમાં સારા વરસાદને કારણે ડેમોમાં નવા નીરની આવક શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે સમગ્ર રાજ્યનું વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત-બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી વરસાદની અલગ-અલગ તસવીરો સામે આવી રહી છે.
Gujarat Rain: દક્ષિણ ગુજરાતના સુરતમાં પૂર જેવી સ્થિતિ, આર્મી મેદાને
દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં પૂર જેવી (Surat Flood) સ્થિતિ સર્જાઈ છે. કીમ નદીના જળસ્તર(Kim River Water Level) વધતાં કિનારાવર્તી કઠોદરા ગામનું આસીયાના નગર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આર્મીની ટીમ ઓલપાડ-કીમ વિસ્તારમાં બે બોટ સાથે તૈનાત કરવામાં આવી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને ભોજનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જ્યારે પ્રાંત અધિકારી સહિત વહીવટી તંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
સુરત : અનેક માર્ગો પાણીમાં ગરકાવ, વાહનવ્યવહાર ઠપ

ભારે વરસાદ અને કીમ નદીના વધેલા જળસ્તરને કારણે ઓલપાડ-સાહોલ-કીમ માર્ગ તેમજ અણીતા-વડોલી માર્ગ પર પાણી ફરી વળ્યું છે. વડોલી વાંક વિસ્તારમાં માર્ગ પર પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા લોકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અને બિનજરૂરી મુસાફરી ટાળવાની અપીલ કરવામાં આવી છે.
મધ્ય ગુજરાત : ખેડામાં વરસાદી પાણીથી જનજીવન પ્રભાવિત
ખેડા જિલ્લામાં અવિરત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. ફાગવેલ સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ જતાં લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોની અધિકારીઓએ મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી છે અને પાણી નિકાલની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. સમગ્ર તંત્ર હાલ એલર્ટ મોડ પર રહીને લોકોને ઝડપથી રાહત પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે.

ખેડા : સુંઢા વણસોલ ગામમાં વિકટ સ્થિતિ, સ્થળાંતરની તૈયારી
ખેડા જિલ્લાના સુંઢા વણસોલ ગામમાં સિહુંજ તરફથી આવતા વરસાદી (Kheda Rain) પાણી ગામમાં ફરી વળતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. પ્રાથમિક શાળા અને દૂધ મંડળીમાં પણ પાણી ઘૂસી જતાં સામાન્ય જનજીવન ખોરવાયું છે. ધારાસભ્ય અને મામલતદાર ટ્રેક્ટર મારફતે ગામની મુલાકાતે પહોંચ્યા હતા. પાણીનું સ્તર વધુ વધે તો લોકોને સલામત સ્થળે ખસેડવા જિલ્લા તંત્રએ તૈયારી પૂર્ણ કરી છે અને ગ્રામજનોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર : સુરેન્દ્રનગરમાં વરસાદી પાણીમાં કાર તણાઈ
સુરેન્દ્રનગર જિલ્લાના ભલગામડા અને મોટા ટીંબલા વચ્ચે વરસાદી પાણીના જોરદાર પ્રવાહમાં એક કાર તણાઈ ગઈ હતી. જોકે, સ્થાનિક લોકોએ સમયસર મદદ કરીને કારને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
કચ્છ : રુદ્રમાતા ડેમમાં નવા નીરની આવકથી ખેડૂતોમાં ખુશી

કચ્છ જિલ્લામાં સારા વરસાદને કારણે (Kutch Rain) રુદ્રમાતા ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ છે. ડેમનું જળસ્તર વધતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં વધુ વરસાદની શક્યતા વચ્ચે ડેમમાં પાણીનો સંગ્રહ વધવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ડેમ ભરાવાથી સિંચાઈ, પીવાના પાણીની ઉપલબ્ધતા, ભૂગર્ભ જળસ્તરમાં વધારો તેમજ પશુપાલકોને પણ મોટો લાભ મળશે.
કચ્છ : રાપર અને નખત્રાણામાં ધોધમાર વરસાદ
કચ્છના રાપર તાલુકામાં બપોરે માત્ર બે કલાકમાં આશરે 2 ઇંચ વરસાદ નોંધાયો હતો, જેના કારણે બજારોમાં પાણી વહી નીકળ્યા હતા. બીજી તરફ નખત્રાણા વિસ્તારમાં પણ દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદને પગલે સ્થાનિક તંત્ર સતર્ક બન્યું છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.
રાજ્યભરમાં તંત્ર એલર્ટ મોડ પર
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે સમગ્ર ગુજરાતમાં જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. સંવેદનશીલ વિસ્તારોમાં સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જ્યારે NDRF, SDRF, સ્થાનિક પ્રશાસન અને અન્ય એજન્સીઓ સંભવિત આપત્તિને પહોંચી વળવા સંપૂર્ણ તૈયાર છે. નાગરિકોને નદી-નાળા, ડેમ અને પાણી ભરાયેલા વિસ્તારોની નજીક ન જવાની તેમજ બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: વલસાડ-ગુંદલાવ-ખેરગામ રોડ પર ઔરંગા નદીના કોઝવેનું યુદ્ધના ધોરણે સમારકામ, 10 ટીમો કાર્યરત
આ પણ વાંચો: બેટ-દ્વારકાના સુદર્શન સેતુ પર સોલાર કેબલમાં આગ, ધુમાડા વચ્ચે પણ વાહનવ્યવહાર ચાલુ રહેતા સવાલો ઉઠ્યા
