Vadodra News: ગુજરાતની સંસ્કારી નગરી અને સ્માર્ટસિટી તરીકે ઓળખાતા વડોદરામાં જાહેર શૌચાલયોની દુર્દશા સામે આવી છે. શહેરના વાડી ફાયર વિસ્તાર નજીક આવેલા જાહેર શૌચાલયો હવે શૌચાલય રહ્યા નથી, પરંતુ દેશી દારૂના સેવન અને વેચાણનું કેન્દ્ર બની ગયા છે. આ ગંભીર સમસ્યાએ સ્થાનિક નાગરિકોમાં રોષ ફેલાવ્યો છે, અને નાના બાળકો, મહિલાઓ તેમજ વૃદ્ધો શૌચાલયનો ઉપયોગ કરવામાં ડર અનુભવી રહ્યા છે.
વાડી ફાયર વિસ્તારના શૌચાલયોમાં લારી ધારકો, ફેરિયાઓ અને અન્ય કેટલાક લોકો દ્વારા ખુલ્લેઆમ દેશી દારૂનું સેવન થઈ રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ શૌચાલયોમાં દારૂની પોટલીઓનું વેચાણ પણ થાય છે, જેના કારણે આ સ્થળો “દારૂ બાર”માં ફેરવાઈ ગયા છે. આવી પરિસ્થિતિએ શૌચાલયોની આસપાસ પારાવાર ગંદકી અને દુર્ગંધ ફેલાવી છે, જેનાથી રાહદારીઓ અને નજીકના રહેવાસીઓનું જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે.
આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓએ સ્થાનિક નાગરિકોને રસ્તા પર ઉતરવા મજબૂર કર્યા છે. રહેવાસીઓએ ગુજરાતની દારૂબંધી નીતિને “પોકળ” ગણાવી, આવી ઘટનાઓ પર નિયંત્રણ ન આવવા બદલ વડોદરા પોલીસ અને મહાનગરપાલિકા (મનપા) પર આક્ષેપો કર્યા છે. સ્થાનિક રહેવાસી સંગીતાબેન જોશીએ ગુસ્સે ભરાઈને જણાવ્યું, “આ શૌચાલયો અમારા બાળકો અને મહિલાઓ માટે સલામત નથી. દારૂનું સેવન ખુલ્લેઆમ થઈ રહ્યું છે, અને પોલીસને આ બધું દેખાતું નથી!”
શૌચાલયોમાં લગાવેલા CCTV કેમેરા નામના માત્ર હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ કેમેરા કાં તો બંધ છે અથવા તેનું નિરીક્ષણ થતું નથી, જેના કારણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિયંત્રણમાં આવતી નથી. એક રહેવાસીએ નામ ન આપવાની શરતે કહ્યું, “CCTV લગાવવાનો ઢોંગ કરવામાં આવે છે, પણ તેનો કોઈ ફાયદો નથી. દારૂનું વેચાણ અને સેવન દિવસે દિવસે વધી રહ્યું છે.”
આ પણ વાંચો:વડોદરા : મકરપુરા GIDCમાં વરસાદી કાંસમાં કેમિકલ યુક્ત પાણી છોડાયું
આ પણ વાંચો:વડોદરા : ડભોઇ મેનપુર ગામે પોલી પ્લાસ્ટ કંપનીમાં બ્લાસ્ટ
આ પણ વાંચો:વડોદરા : રેલ્વે પોલીસે કરોડોની કિંમતનું સોનું પકડ્યું, મુંબઇનાં સેલ્સમેનની અટકાયત
