Junagadh News : જૂનાગઢમાં ભક્તિના આડમાં ઢોંગ ચલાવનાર સૂરજ ભુવાજી(suraj Bhuvaji) વિરુદ્ધ સુપ્રીમ કોર્ટે કડક વલણ(Strict Order) દાખવ્યું છે. લિવ-ઈન પાર્ટનરની હત્યા કરીને પુરાવા નષ્ટ કરવાનો ગંભીર આરોપ ધરાવતા સૂરજ ભુવાજી સહિત ચારેય આરોપીઓને મળેલા જામીન રદ કરીને કોર્ટે તેમને ચાર અઠવાડિયામાં ટ્રાયલ કોર્ટમાં આત્મસમર્પણ કરવા આદેશ આપ્યો છે. આ ચુકાદાથી રાજ્યભરમાં ભારે ચકચાર મચી છે અને ન્યાયપ્રણાલીએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે આવા ગંભીર ગુનાઓમાં સહાનુભૂતિ માટે કોઈ સ્થાન નથી.
કેસની વિગતો મુજબ, પહેલેથી જ પરિણીત સૂરજ ભુવાજી (suraj Bhuvaji) 22 વર્ષીય યુવતી સાથે લિવ-ઈન સંબંધમાં રહેતો હતો. બંને વચ્ચે મતભેદ ઊભા થતાં યુવતીના પરિવાર તરફથી તેની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદથી ગભરાઈને સૂરજ ભુવાજી(suraj Bhuvaji) એ યુવતીની હત્યા કરવાની સાજિશ રચી. આરોપીઓ યુવતીને અમદાવાદ લઈ જવાના બહાને કારમાં લઈ ગયા અને રસ્તામાં એક ખેતર પાસે ગાડી ઉભી રાખીને સહઆરોપી દ્વારા યુવતીનું દુપટ્ટાથી ગળું દબાવી હત્યા કરી નાખવામાં આવી.

હત્યાના બાદ આરોપીઓએ પુરાવા નષ્ટ કરવા માટે મૃતદેહને પેટ્રોલ છાંટી સળગાવી દીધો. એટલું જ નહીં, પોલીસને ગેરમાર્ગે દોરવા માટે અનેક નાટકો પણ કર્યા. યુવતી જીવિત હોવાનો ભાસ કરાવવા તેના મોબાઈલમાંથી ખોટા મેસેજ મોકલવામાં આવ્યા, સહઆરોપીને યુવતીનો દુપટ્ટો ઓઢાડી શહેરમાં ફર્યા અને CCTV સામે યુવતીને શોધવાનું નાટક કરવામાં આવ્યું. અંતે યુવતી ગુમ થયાની ફરિયાદ નોંધાવી સમગ્ર ઘટનાને ઢાંકી દેવાનો પ્રયાસ કર્યો.
આ મામલે પહેલા ગુજરાત હાઇકોર્ટે ટ્રાયલમાં વિલંબને ધ્યાનમાં રાખીને આરોપીઓને શરતી જામીન આપ્યા હતા, પરંતુ સુપ્રીમ કોર્ટે આ નિર્ણય રદ કરીને કડક અભિગમ દાખવ્યો છે. કોર્ટે જણાવ્યું કે આવા ગંભીર ગુનાઓમાં જામીન આપવાથી ન્યાયપ્રણાલીની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઊભો થાય છે અને ટ્રાયલ ઝડપી પૂર્ણ થવો જોઈએ.
સુપ્રીમ કોર્ટના આ મહત્વના આદેશથી પીડિત પરિવારને ન્યાયની નવી આશા મળી છે અને સમાજમાં પણ સ્પષ્ટ સંદેશ ગયો છે કે ગુનેગારો કેટલા પણ ચાલાક કેમ ન હોય, કાયદાની પકડથી બચી શકતા નથી.
