Gandhinagar News/ પીએમ મોદી 31 માર્ચના રોજ રૂ. 651 કરોડના ખર્ચે બનેલા 38 હજાર આવાસોનું લોકાર્પણ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 માર્ચ 2026ના રોજ 38 હજાર આવાસોનું લોકાર્પણ કરશે. આ આવાસોને પીએમ આવાસ યોજના હેઠળ રૂ. 651 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યા છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News: પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) – PMAY-G એટલે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા ઘરવિહોણા અને કાચા મકાનો ધરાવતા પરિવારોને સન્માનપૂર્વકનું જીવન આપવા માટેની કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના. આ યોજના માત્ર ઈંટ-પથ્થરનું મકાન નથી આપતી, પરંતુ સન્માન, સુરક્ષા અને સ્થિરતાનું ઘર આપી રહી છે. જેને પરિપૂર્ણ કરવા રાજ્ય સરકાર પણ કટિબદ્ધ છે.

આગામી 31 માર્ચ, 2026ના રોજ PM  મોદીના હસ્તે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નવનિર્મિત કુલ 38,949 આવાસોનું રાજ્યવ્યાપી લોકાર્પણ કરવામાં આવશે. અંદાજે રૂ. 651 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ આવાસો ગરીબ પરિવારોના જીવનમાં સુખ અને સમૃદ્ધિનો નવો સૂરજ લાવશે.

CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ગ્રામીણ પરિવારોને પાયાની સુવિધાઓ પૂરી પાડવાના સંકલ્પને વધુ વેગ આપ્યો છે. જે અન્વયે વર્ષ 2026-27ના બજેટમાં રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ.1,755 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે ચાલુ વર્ષ 2025-26 સૌથી વધુ 1.20 લાખ આવાસોનું નિર્માણ કરીને લાભાર્થીઓને રૂ. 1037.84 કરોડની સહાય તેમજ 100 ટકા રાજય ફાળા હેઠળ રૂ. 470 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે, જે ‘અવિરત ગુજરાત, વિકસિત ગુજરાત’ના સૂત્રને ચરિતાર્થ કરે છે.

PMAY-G હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારના 60-40ના હિસ્સા સાથે લાભાર્થીને કુલ રૂ. 1.20 લાખની તબક્કાવાર સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત રાજ્ય સરકારે વિશેષ જોગવાઈઓ કરી છે જેમાં રૂફ-કાસ્ટ લેવલે 100 ટકા રાજ્ય ફાળા હેઠળ રૂ. 50 હજારની વધારાની સહાય આપવામાં આવે છે. વધુમાં પ્રથમ હપ્તો મળ્યાના છ માસમાં આવાસ પૂર્ણ કરનારને રૂ. 20 હજારની પ્રોત્સાહક સહાય અને મહિલા સભ્યોની સુવિધા માટે બાથરૂમ બાંધકામ માટે વધારાના રૂ. પાંચ હજારની સહાય આપવામાં આવે છે.

વધુમાં, લાભાર્થીઓને મનરેગા હેઠળ 90 દિવસની રોજગારી પેટે રૂ. 25,920  અને સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ શૌચાલય માટે રૂ. 12 હજારની સહાય પણ મળવાપાત્ર છે. રાજ્ય સરકાર દ્વારા ‘આવાસ પ્લસ સર્વેક્ષણ 2024’ દ્વારા બાકી રહી ગયેલા પાત્ર પરિવારોને પણ આવરી લેવાની કામગીરી ચાલુ છે, જેથી વિકસિત ગુજરાત@2047ના લક્ષ્યને પ્રાપ્ત કરીને વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના વિઝનને સાકાર કરી શકાય.

પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ રાજ્યમાં વર્ષ 2016-17થી 2024-25 સુધીમાં કેન્દ્ર સરકાર દ્વારા કુલ 8,38,396 આવાસનો લક્ષ્યાંક ફાળવવામાં આવ્યો હતો, જે પૈકી 8,29,221 આવાસો મંજૂર કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 6,92,554 પરિવારોએ પોતાના સપનાના ઘરનું નિર્માણ પૂર્ણ કર્યું છે અને આ યોજના પાછળ કુલ રૂ. 9,038.68 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

31 માર્ચ, 2026ના રોજ વડાપ્રધાનશ્રીના હસ્તે લોકાર્પણ થનાર આવાસોની જિલ્લાવાર વિગતો

પંચમહાલમાં રૂ. 179.18 કરોડના ખર્ચે 10,572 આવાસો, સૌરાષ્ટ્ર અને કચ્છના 12 જિલ્લાઓમાં રૂ. 66.54 કરોડના ખર્ચે 3,976 આવાસો, મહીસાગરમાં રૂ. 54.57 કરોડના ખર્ચે 3,222 આવાસો, નર્મદામાં રૂ. 39.69 કરોડના ખર્ચે 2,367 આવાસો, ખેડામાં રૂ. 39.67 કરોડના ખર્ચે 2,345 આવાસો અને મહેસાણામાં રૂ. 38.57 કરોડના ખર્ચે 2,281 આવાસો, દાહોદમાં રૂ. 30.57 કરોડના ખર્ચે 1,804 આવાસો અર્પણ કરવામાં આવશે.

આ ઉપરાંત સાબરકાંઠામાં રૂ. 28.89 કરોડના ખર્ચે 1,717 આવાસો, છોટાઉદેપુરમાં રૂ. 28.45 કરોડના ખર્ચે 1,694 આવાસો, અરવલ્લીમાં રૂ. 24.31 કરોડના ખર્ચે 1,556 આવાસો, પાટણમાં રૂ. 20.88 કરોડના ખર્ચે 1,237 આવાસો અને તાપીમાં રૂ. 15.88 કરોડના ખર્ચે 949 આવાસો, સુરતમાં રૂ. 15.29 કરોડના ખર્ચે 933 આવાસો, વલસાડમાં રૂ. 13.37 કરોડના ખર્ચે 834 આવાસો અર્પણ કરવામાં આવશે.

આ સિવાય  બનાસકાંઠામાં રૂ. 11.5 કરોડના ખર્ચે 699 આવાસો, ડાંગમાં રૂ. 9.95 કરોડના ખર્ચે 678 આવાસો, નવસારીમાં રૂ. 9.75 કરોડના ખર્ચે 627 આવાસો, અમદાવાદમાં રૂ. 5.76 કરોડના ખર્ચે 345 આવાસો, વાવ-થરાદમાં રૂ. 5.1 કરોડના ખર્ચે 300 આવાસો, ભરૂચમાં રૂ. 4.14 કરોડના ખર્ચે 263 આવાસો, ગાંધીનગરમાં રૂ. 3.9 કરોડના ખર્ચે 230 આવાસો, વડોદરામાં રૂ. 2.87 કરોડના ખર્ચે 182 આવાસો અને આણંદમાં રૂ. 2.17 કરોડના ખર્ચે 138 આવાસો તૈયાર કરવામાં આવ્યા છે.


આ પણ વાંચો: વલ્લભીપુર પીએમ આવાસ યોજનામાં ‘કૌભાંડીઓનો વસવાટ’

આ પણ વાંચો: પીએમ આવાસ યોજના હેઠળ ફાળવણી વધીને 79,000 કરોડ થઈ

આ પણ વાંચો: ભૂલ ન કરશો નહીં તો પીએમ આવાસ યોજનાના લાભોથી વંચિત રહી જશો!