Vadodara Consumer Court: મેડિક્લેમ કે વીમા કંપનીઓના જટિલ અને અટપટા નિયમો વચ્ચે અટવાતા સામાન્ય નાગરિકો માટે એક રાહતના સમાચાર છે. વડોદરા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ (Consumer Court) દ્વારા તાજેતરમાં એક ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં વીમા કંપનીને ફટકાર લગાવતા કહ્યું છે કે, “હોસ્પિટલ દ્વારા કોઈ નિયમોનું પાલન ન થાય અથવા દસ્તાવેજોમાં કમી હોય, તો તેનો ભોગ દર્દી (પોલિસીધારક) બની શકે નહીં.” કોર્ટે વીમા કંપનીને દર્દીનો નકારવામાં આવેલો ક્લેમ વ્યાજ અને વળતર સાથે ચૂકવવાનો આદેશ આપ્યો છે.
શું હતો સમગ્ર કેસ?
વડોદરાના 63 વર્ષીય વૃદ્ધ ઇન્દ્રદત્ત પંડ્યા વર્ષ 2003 થી સતત મેડિકલ ઇન્સ્યોરન્સ ધરાવતા હતા. વર્ષ 2022 માં તેમણે આંખમાં મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું અને ત્યારબાદ સારવારના ખર્ચ પેટે રૂ. 44,700 ના મેડિક્લેમ (Reimbursement) માટે અરજી કરી હતી. જોકે, તેમની વીમા કંપની ‘ધ ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની’ વતી કામ કરતી TPA (થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટર) ‘પેરામાઉન્ટ હેલ્થ સર્વિસીસ’ દ્વારા તેમનો આ ક્લેમ ફગાવી દેવામાં આવ્યો હતો. ક્લેમ રિજેક્ટ થતા ઇન્દ્રદત્ત પંડ્યાએ ગ્રાહક કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.
વીમા કંપનીએ ક્લેમ નકારવા શું દલીલ કરી?
કોર્ટમાં વીમા કંપનીએ દલીલ કરી હતી કે, જે હોસ્પિટલમાં દર્દીએ સારવાર લીધી હતી તે હોસ્પિટલ વડોદરા મહાનગરપાલિકા (VMC) હેઠળના રજીસ્ટ્રેશનના નિયમો પૂરા કરવામાં નિષ્ફળ રહી હતી. વધુમાં, કંપનીએ એવો પણ દાવો કર્યો હતો કે 2016-17 થી 2020-21 વચ્ચે બહાર પડેલા સર્ક્યુલર મુજબ, આ હોસ્પિટલ 10 બેડની સુવિધા ધરાવતી ન હોવાથી લાયક નથી. કંપનીએ ક્લેમ સાથે કેટલાક જરૂરી દસ્તાવેજો ખૂટતા હોવાનું પણ બહાનું આગળ ધર્યું હતું.
Vadodara ગ્રાહક કોર્ટે કંપનીની દલીલ ફગાવી
ગ્રાહક ફોરમે વીમા કંપનીની આ તમામ દલીલોને ફગાવી દીધી હતી. દર્દી તરફથી કેસ લડી રહેલા વકીલ ગૌરાંગ ભુમિયાએ દલીલ કરી હતી કે, “હોસ્પિટલનું રજીસ્ટ્રેશન કે નિયમોનું પાલન એ હોસ્પિટલ અને મહાનગરપાલિકા (VMC) વચ્ચેનો મામલો છે. તેના કારણે મારા અસીલે લીધેલી સારવાર ગેરકાયદેસર કે ખોટી સાબિત થતી નથી.” કોર્ટે આ દલીલ માન્ય રાખી હતી.
“હોસ્પિટલની ભૂલની સજા દર્દીને ન મળે”
ચુકાદામાં આયોગે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વીમાનો કરાર (Contract) એ કંપની અને પોલિસીધારક (દર્દી) વચ્ચેનો છે, નહીં કે દર્દી અને પાલિકાના અધિકારીઓ વચ્ચેનો. સારવાર કરનાર ડોક્ટર પાસે જરૂરી સર્ટિફિકેટ્સ હતા, તેથી માત્ર ડોક્યુમેન્ટ્સમાં કમી જેવી ટેકનિકલ બાબતો અને હોસ્પિટલની ભૂલ આગળ ધરીને પોલિસીધારકનો ક્લેમ નામંજૂર કરવો બિલકુલ ખોટું અને અન્યાયી છે. મેડિક્લેમનો મુખ્ય હેતુ મેડિકલ ઇમર્જન્સીમાં આર્થિક સુરક્ષા પૂરી પાડવાનો છે.
કોર્ટે કર્યો વળતર ચૂકવવાનો આદેશ
સમગ્ર કેસ સાંભળ્યા બાદ, વડોદરા ગ્રાહક કોર્ટે ‘ધ ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની’ ને આદેશ આપ્યો છે કે તે અરજદાર ઇન્દ્રદત્ત પંડ્યાને તેમના મેડિક્લેમના રૂ. 44,700 પૂરેપૂરા ચૂકવે. આ ઉપરાંત, દર્દીને પડેલી માનસિક હાલાકી અને ઉત્પીડન માટે રૂ. 2,000 અને કાનૂની ખર્ચ પેટે વધુ રૂ. 1,000 ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: હિટ એન્ડ રન! અમદાવાદ-વડોદરા હાઈવે પર થારે ઈકોને ટક્કર મારી, 10 ઇજાગ્રસ્ત
આ પણ વાંચો: વડોદરા ભાજપમાં ગરમાવો: ‘પત્રિકાકાંડ’ના આરોપીની વાપસીથી વિવાદ ઉગ્ર
આ પણ વાંચો: વડોદરામાં સરનેમ બદલવાનો વિવાદ, પિતાની ફરિયાદ, પત્ની સામે છેતરપિંડીનો આરોપ
