Ahmedabad News : અમદાવાદ ગુજસેલ ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદહસ્તે આજે “માહિતીનો અધિકાર- બે દાયકાની સફર” પુસ્તક(Book)નું વિમોચન કરવામાં આવ્યું હતું. માહિતી અધિકાર અધિનિયમ (RTI Act), 2005ને 20 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાત માહિતી આયોગ દ્વારા આ ગૌરવશાળી સફરને પ્રકાશન સ્વરૂપે આકાર આપવામાં આવ્યો છે.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વહીવટમાં પારદર્શિતા અને જવાબદારી લાવવા માટે માહિતીનો અધિકાર એક સશક્ત માધ્યમ સાબિત થયો છે. ગુજરાત માહિતી આયોગ દ્વારા તૈયાર કરાયેલું આ ઇન-હાઉસ પ્રકાશન RTI (Right To Information)ક્ષેત્રે કામ કરતા કર્મયોગીઓ, સંશોધકો અને જનસામાન્ય માટે માર્ગદર્શિકા બની રહેશે.

ગુજરાત માહિતી આયોગ દ્વારા તૈયાર કરાયેલા આ પુસ્તક(Book)માં RTI પ્રક્રિયા અને તેના અમલીકરણ અંગેની તલસ્પર્શી વિગતો આવરી લેવામાં આવી છે, જેમાં મુખ્યત્વે માહિતી અધિકાર અધિનિયમ, 2005ની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, અધિનિયમના નિયમો અને કેન્દ્ર તથા રાજ્ય સરકારના મહત્વના હુકમોની જોગવાઈઓ, ગુજરાત માહિતી આયોગની રચના, કાર્યપદ્ધતિ અને આંકડાકીય માહિતી, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને વિવિધ માહિતી આયોગો દ્વારા આપવામાં આવેલા 201 ઐતિહાસિક અને મહત્વપૂર્ણ ચુકાદાઓના સંગ્રહનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ વિમોચન કાર્યક્રમમાં માહિતી આયોગના ઉચ્ચ અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
