Gujarat Local Body Election 2026/ વડોદરામાં હાઈવોલ્ટેજ ડ્રામા! કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા કાર્યકરોએ ગાડીના કાચ ફોડ્યા

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ (Election) ખેંચવાના છેલ્લા દિવસે વડોદરા, અમદાવાદ અને ભાવનગરમાં કોંગ્રેસને મોટા ફટકા પડ્યા છે. વડોદરામાં ઉમેદવાર પર હુમલો અને સુરતમાં કુમાર કાનાણીના નિવેદનથી ગરમાયું રાજકારણ.

Gujarat Top Stories Ahmedabad Vadodara Others
Gujarat Local Body Election 2026

Gujarat Local Body Election 2026: ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે 15 એપ્રિલે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે હાઈવોલ્ટેજ પોલિટિકલ ડ્રામા જોવા મળ્યો છે. વડોદરામાં કોંગ્રેસના ઉમેદવારે છેલ્લી ઘડીએ ફોર્મ પાછું ખેંચતા રોષે ભરાયેલા કાર્યકરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન ઉમેદવારની ગાડીના કાચ પણ તૂટ્યા હતા. બીજી તરફ અમદાવાદ અને ભાવનગરમાં પણ કોંગ્રેસને મોટા ફટકા પડ્યા છે.

વડોદરામાં રણમેદાન જેવી સ્થિતિ

વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નં. 11 માં આજે સૌથી મોટો ઉલટફેર જોવા મળ્યો. કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પ્રજાપતિએ અચાનક પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા કોંગ્રેસના કાર્યકરોનો પિત્તો ગયો હતો. કાર્યકરોનો આક્રોશ એટલો હતો કે પોલીસે માંડ-માંડ ઉમેદવારને કચેરીમાંથી બહાર કાઢ્યા હતા. જેવો ઉમેદવાર પોતાની ગાડીમાં બેસીને ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યો, રોષે ભરાયેલા કાર્યકરોએ પથ્થરમારો કરી ગાડીના કાચ ફોડી નાખ્યા હતા.

અમદાવાદ અને ભાવનગરમાં પણ કોંગ્રેસને ફટકો!

અમદાવાદ મહાનગરપાલિકામાં કોંગ્રેસના ગઢ ગણાતા વિસ્તારોમાં ગાબડાં પડ્યા છે. સરખેજ વોર્ડના ઉમેદવાર વારિસ સૈયદે છેલ્લી ઘડીએ ખેલ પાડી ફોર્મ પરત ખેંચી લીધું છે, જેનાથી કોંગ્રેસની મુશ્કેલી વધી છે. તો થલતેજમાં પણ રમીલા ઠાકોરે ઉમેદવારી પરત ખેંચી છે. ભાવનગરના વોર્ડ નં. 6 માં ઈન્દુબેન પરમારે પણ પંજો છોડીને ફોર્મ ખેંચતા સ્થાનિક સંગઠનમાં ખળભળાટ મચી ગયો છે.

આજે કોણે ફોર્મ પાછું ખેંચ્યું

નામ પક્ષ વોર્ડ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા
વારિસ સૈયદ કોંગ્રેસ સરખેજ અમદાવાદ કોર્પોરેશન
રમીલા ઠાકોર કોંગ્રેસ થલતેજ અમદાવાદ કોર્પોરેશન
કનુભાઈ પ્રજાપતિ કોંગ્રેસ વોર્ડ 11 વડોદરા કોર્પોરેશન
ઈન્દુબેન પરમાર કોંગ્રેસ વોર્ડ 6 ભાવનગર કોર્પોરેશન

સુરતમાં કુમાર કાનાણીની અનોખી ટકોર

સુરતના વરાછામાં એક જનસભા દરમિયાન ભાજપના ધારાસભ્ય કિશોર કાનાણીએ (કુમાર કાનાણી) મતદારોને અનોખી રીતે ટકોર કરી હતી. તેમણે વરાછાના મતદારોના બદલાતા વલણ પર કટાક્ષ કરતા કહ્યું કે, “તમારો પ્રેમ ગજબનો છે પણ મને નો ગમ્યો. કોર્પોરેશનમાં બીજાને પ્રેમ કરો અને વિધાનસભામાં મને પ્રેમ કરો… હવે એક સરખો પ્રેમ કરો ને ભાઈ!” કાનાણીના આ નિવેદનથી સુરતના રાજકારણમાં ફરી ચર્ચા જાગી છે.

26 એપ્રિલે મતદાન (Election) , હવે જામશે ખરો જંગ

આજે 15 એપ્રિલે ફોર્મ ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતા જ હવે ઉમેદવારોનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. આગામી 26 એપ્રિલે 15 મનપા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતો માટે મતદાન થશે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હવે પૂરી તાકાત સાથે પ્રચાર મેદાનમાં ઉતરશે.


આ પણ વાંચો: સુરતમાં આપના ઉમેદવારનું અપહરણ કરી ડરાવવા-ધમકાવવામાં આવ્યાનો આરોપ

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગોંડલના કોંગ્રેસના ઉમેદવારનો ધમકી-હેરાનગતિનો દાવો

આ પણ વાંચો: કોંગ્રેસ બાદ હવે આપના ઉમેદવારો અજ્ઞાત સ્થળે