Ahmedabad News/ ઘરના સપના રોળાયા! ‘Godrej Celeste’ પ્રોજેક્ટમાં 1100 પરિવારોના 233 કરોડ ફસાયા

Ahmedabadના મેમનગરમાં Godrej Celeste પ્રોજેક્ટના 1100 થી વધુ રોકાણકારો ફસાયા છે. 233 કરોડ રૂપિયા ઉઘરાવ્યા હોવા છતાં બિલ્ડરે પઝેશન કે રિફંડ ન આપતા મામલો ગરમાયો છે.

Gujarat Top Stories Ahmedabad
Godrej Celeste Ahmedabad Dispute

Godrej Celeste Ahmedabad Dispute: અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં એક મોટો વિવાદ ગરમાયો છે. બહુરાષ્ટ્રીય બ્રાન્ડના ભરોસે પોતાના ઘરનું સપનું જોનારા મધ્યમ વર્ગના પરિવારોની આજીવનની મૂડી અત્યારે જોખમમાં મુકાઈ છે. મેમનગર વિસ્તારમાં ‘Godrej Properties’ દ્વારા શરૂ કરાયેલા “Godrej Celeste” પ્રોજેક્ટમાં રોકાણ કરનારા 1100 થી વધુ પરિવારો અત્યારે આર્થિક અને માનસિક ત્રાસનો સામનો કરી રહ્યા છે.

233 કરોડ ઉઘરાવ્યા છતાં બાંધકામનો પત્તો નથી

વર્ષ 2022માં જ્યારે આ પ્રોજેક્ટ લોન્ચ થયો ત્યારે બ્રાન્ડ નેમ જોઈને મધ્યમ વર્ગના પરિવારોએ પડાપડી કરી હતી. રોકાણકારોના આક્ષેપ મુજબ, કંપનીએ અત્યાર સુધીમાં કુલ મળીને આશરે 233 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. નવાઈની વાત એ છે કે ચાર વર્ષ વીતી ગયા હોવા છતાં સાઈટ પર હજુ સુધી પાયાનું બાંધકામ પણ શરૂ થયું નથી. રોકાણકારોને વાયદો કરવામાં આવ્યો હતો કે 2025 સુધીમાં પઝેશન આપી દેવામાં આવશે, પરંતુ પ્રોજેક્ટની હાલત જોતા આ વાયદો પોકળ સાબિત થયો છે.

EMI અને ભાડાના બેવડા માર હેઠળ દબાતા પરિવારો

આ વિવાદમાં સૌથી વધુ હાલત ખરાબ તે મધ્યમ વર્ગના લોકોની થઈ છે. એક તરફ બેંકના વ્યાજ અને EMI ચાલુ થઈ ગયા છે અને બીજી તરફ ભાડાના મકાનમાં રહેવું પડી રહ્યું છે. લાખો રૂપિયા આપ્યા હોવા છતાં બિલ્ડર તરફથી કોઈ યોગ્ય માહિતી કે સ્પષ્ટતા ન મળતા રોકાણકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Godrej Celeste Ahmedabad Dispute

RERA અને મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચી ફરિયાદ

ન્યાય માટે રોકાણકારોએ છેક મુખ્યમંત્રી કાર્યાલય અને RERA (Real Estate Regulatory Authority) ના દ્વાર ખખડાવ્યા છે. ડિસેમ્બર 2025માં બિલ્ડર અને રોકાણકારો વચ્ચે એક બેઠક યોજાઈ હતી, જેમાં બિલ્ડરે જેમને ઘર નથી જોઈતું તેમને પૈસા પરત (Refund) કરવાની વાત સ્વીકારી હતી. જોકે, આ સમજૂતીના મહિનાઓ વીતી ગયા હોવા છતાં હજુ સુધી એક પણ રોકાણકારને રિફંડ મળ્યું નથી.

શું એક પ્રોજેક્ટના પૈસા બીજામાં વપરાયા?

નારાજ રોકાણકારોએ તાજેતરમાં કંપનીની નવી સાઈટ “Godrej Altus” પર જઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. રોકાણકારોનો ગંભીર આક્ષેપ છે કે “Celeste” પ્રોજેક્ટમાંથી ઉઘરાવવામાં આવેલા કરોડો રૂપિયા અન્ય સાઈટના કામમાં વાપરી નાખવામાં આવ્યા છે. મોટા ગજાના બિલ્ડરો જ્યારે સામાન્ય નાગરિકોના વિશ્વાસ સાથે રમત રમે ત્યારે તેમની સુરક્ષા કોણ કરશે તે એક મોટો પ્રશ્ન ઊભો થયો છે.


આ પણ વાંચો :અમદાવાદમાં ખાદ્ય એકમો સામે કડક કાર્યવાહી, 244 કિલો શંકાસ્પદ પનીર જપ્ત, અનેક ડેરી સીલ

આ પણ વાંચો :નકલી પનીરનો મોટો પર્દાફાશ! અમદાવાદમાં ‘શક્તિ સેન્ડવિચ’ અને ‘હાઉસ ઓફ મોમોસ’ સહિત 17 રેસ્ટોરન્ટને દંડ

આ પણ વાંચો :પનીર અસલી છે કે ‘એનાલોગ’? ગુજરાતની હોટલ-રેસ્ટોરન્ટમાં હવે ફરજિયાત બોર્ડ મારવા પડશે