Junagdh/ ગીરમાં ‘ખૌફનાક’ દ્રશ્યો! સિંહે શિકાર છોડી માસૂમ બાળકી પાછળ દોટ મૂકી, ગામમાં ચીસાચીસ

Gir Lion Attacks: વિસાવદરના રતાંગ ગામે પશુનું મારણ કરી રહેલા સિંહે નજીક ઉભેલી બાળકી પાછળ દોટ મૂકી. લોકોના ટોળા અને મોબાઈલ ફ્લેશથી સિંહ ભડક્યો હતો. જુઓ ગીરનો વાયરલ વીડિયો.

Gujarat Others Trending
Gir Lion Attacks Girl Video

Gir Lion Attacks Girl Video: ગીર સોમનાથ અને જૂનાગઢના સરહદી વિસ્તારોમાં સિંહોનું માનવ વસ્તીમાં આવવું નવી વાત નથી, પરંતુ વિસાવદરના રતાંગ ગામે જે બન્યું તે જોઈને કોઈના પણ કાળજા કંપી જાય. ગામની શેરીમાં પશુનું મારણ કરી રહેલા સિંહને જોવા ઉમટેલા ટોળાની બેદરકારીને કારણે એક માસૂમ બાળકીનો જીવ જોખમમાં મુકાયો હતો. મોબાઈલના ફ્લેશ લાઈટ અને લોકોના દેકારાથી અકળાયેલા સિંહે શિકાર પડતો મૂકીને બાળકી પાછળ તરાપ મારવા દોટ મૂકતા અફરાતફરી મચી ગઈ હતી.

Gir : સેલ્ફી અને વીડિયોના મોહમાં જીવનું જોખમ

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા રતાંગ ગામના આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, એક ડાલામથ્થો સિંહ શાંતિથી પોતાનો ખોરાક આરોગી રહ્યો હતો. આ સમયે લોકો સિંહની એકદમ નજીક જઈને વીડિયો ઉતારવામાં અને સેલ્ફી લેવામાં મશગૂલ હતા. અંધારામાં સતત મોબાઈલની ફ્લેશ લાઈટ આંખમાં વાગતા સિંહ વિચલિત થયો અને હિંસક બન્યો હતો. તેણે ગર્જના કરીને નજીક ઉભેલી બાળકી તરફ દોટ મૂકી હતી.

Gir Lion Attacks Girl Video

લોકોએ દેકારો કરતા બાળકીનો બચાવ

સિંહને પોતાની તરફ આવતો જોઈ લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી અને ચીસાચીસથી આખું ગામ ગુંજી ઉઠ્યું હતું. સદનસીબે, લોકોએ સામૂહિક રીતે હોબાળો અને દેકારો કરતા સિંહ બાળકી સુધી પહોંચે તે પહેલા જ પાછો વળી ગયો હતો. જો લોકોએ તરત જ અવાજ ન કર્યો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. આ ઘટનાએ વન્યજીવ પ્રેમીઓમાં ભારે રોષ જગાડ્યો છે.

વહીવટદાર ઘટનાથી અજાણ

આશ્ચર્યની વાત એ છે કે રતાંગ ગામમાં છેલ્લા ત્રણ વર્ષથી ચૂંટણી ન થઈ હોવાથી વહીવટદારનું શાસન છે. આટલી ગંભીર ઘટનાનો વીડિયો આખા સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોવા છતાં, ગામના વહીવટદાર ચિરાગ ઠુમ્મરે આ અંગે અજાણ હોવાનું જણાવી તંત્રની બેદરકારી છતી કરી છે. વન વિભાગ અને સ્થાનિક તંત્ર વચ્ચેના સંકલનના અભાવે સિંહો હવે શેરીઓમાં ભટકી રહ્યા છે અને લોકો કુતૂહલવશ જોખમ ખેડી રહ્યા છે.


આ પણ વાંચો: ઘરમાં ઘૂસી છેલ્લા 3 દિવસમાં 6 પશુઓનો સિંહે કર્યો શિકાર, લોકોમાં ફફડાટ

આ પણ વાંચો: સાબરકાંઠામાં લોકો બન્યા વધુ એક પોન્ઝી સ્કીમનો શિકાર

આ પણ વાંચો: ગીરમાં સિંહોને શિકાર કરવા માટે ઉપલબ્ધ પ્રાણીઓની સંખ્યામાં 37%નો થયો વધારો