Merchant Nursing College Mehsana Suicide: મહેસાણા-વિસનગર રોડ પર આવેલી જાણીતી મર્ચન્ટ નર્સિંગ કોલેજમાં એક અત્યંત કરુણ ઘટના બની છે. કોલેજની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી અને મૂળ નવસારીની વતની એવી વિદ્યાર્થિનીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે. પરીક્ષા પૂરી થયાના ગણતરીના કલાકોમાં જ આ પગલું ભરતા અનેક સવાલો ઊભા થયા છે.
Mehsana : ગઈકાલે પરીક્ષા પૂરી થઈ અને આજે આત્મહત્યા
મળતી માહિતી મુજબ, મૃતક વિદ્યાર્થિની અસ્મિતા પટેલ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રૂપાલા ગામની વતની હતી. તે મર્ચન્ટ કોલેજમાં BSC નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. યોગાનુયોગ, નર્સિંગ કોલેજની પરીક્ષાઓ ગઈકાલે જ પૂર્ણ થઈ હતી. પરીક્ષાના ટેન્શન બાદ વિદ્યાર્થીઓ જ્યારે હળવાશ અનુભવતા હોય છે, ત્યારે અસ્મિતાએ હોસ્ટેલના રૂમ નંબર A-208માં અંતિમ પગલું ભરી લીધું હતું.
સફાઈ કર્મીએ દરવાજો તોડ્યો ત્યારે ભાંડો ફૂટ્યો
ઘટના સમયે રૂમમાં અન્ય કોઈ હાજર નહોતું. હોસ્ટેલનો સફાઈ કર્મચારી જ્યારે રૂમ સાફ કરવા પહોંચ્યો અને વારંવાર દરવાજો ખખડાવવા છતાં અંદરથી કોઈ પ્રતિસાદ ન મળ્યો, ત્યારે શંકા ગઈ હતી. દરવાજો તોડીને અંદર જોતા જ સફાઈ કર્મી અને સ્ટાફ સ્તબ્ધ થઈ ગયા હતા; અસ્મિતા પંખા સાથે લટકતી હાલતમાં જોવા મળી હતી.
પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા
ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આપઘાતનું કારણ સ્પષ્ટ થયું નથી, પરંતુ પોલીસ વિદ્યાર્થિનીના મિત્રોની પૂછપરછ કરી રહી છે.
બીજી તરફ, દીકરીના મોતના સમાચાર મળતા જ નવસારીમાં રહેતા તેના પરિવારજનો પર આભ ફાટ્યું છે અને તેઓ મહેસાણા આવવા રવાના થયા છે. આશાસ્પદ વિદ્યાર્થિનીના આપઘાતથી સમગ્ર કોલેજ કેમ્પસમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
