Lifestyle/ ‘ઝાલમુડી’ શું છે? આ નામનો અર્થ શું થાય?….આ બંગાળ સ્પેશ્યલ વિશેષ રેસિપી વિશે સંક્ષિપ્તમાં..!

બંગાળીમાં ‘ઝાલ’ શબ્દનો અર્થ છે ‘મસાલેદાર’ અને ‘મુડી’નો અર્થ થાય છે મમરા…બંને શબ્દોનું મિલન એટલે ‘મસાલેદાર મમરા’ અર્થાત્ ‘ઝાલમુડી’ (Jhal muri)…

Lifestyle Food Trending
Jhal muri, પીએમ મોદી, બંગાળી ,રેસિપી, વાનગી

Lifestyle: આજકાલ તો ગૂગલ પર બંગાળ ઇલેક્શનથી વધારે કદાચ ‘ઝાલમુડી’ (Jhal muri Recipe) પર વધારે સર્ચ કરવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી મોદી (PM Modi)એ ચૂંટણી પ્રચાર દરમિયાન ઝાલમુડી શું ખાધી અને ભારત તથા અન્ય પડોશી દેશોના અનેક લોકો ઝાલમુડીનો અર્થ અને રેસિપીની શોધમાં લાગી ગયા છે!

આ ખાસ વાનગી વિશે ભલે બંગાળ તથા બિહાર (Bengal & Bihar)ના લોકો જાણતા હોય પરંતુ એવા કેટલાયે લોકો છે જેને આ નામનો અર્થ સુદ્ધાં ખબર નથી! તો ચાલો સંક્ષિપ્તમાં જાણીએ પ્રધાનમંત્રી મોદીના કારણે સુર્ખીઓમાં આવેલી બંગાળની આ ‘ઝાલમુડી’ છે શું?

Jhal muri, પીએમ મોદી, બંગાળી ,રેસિપી, વાનગી

શું છે આ બંગાળ સ્પેશ્યલ ‘ઝાલમુડી’? (What is Jhal muri)

બંગાળની આ પ્રસિદ્ધ ડિશ મમરા, સરસવનું તેલ, મસાલા તથા અન્ય કેટલાક ફરસાણ સાથે તૈયાર કરવામાં આવનારો એક હળવો નાસ્તો (Breakfast) છે. મોટાભાગે સાંજના સમયે લોકો એને હળવા નાસ્તા તરીકે ખાવાનું પસંદ કરતા હોય છે. બસ, ટ્રેન અને ગલી મહોલ્લામાં ઝાલમુડી વેચનારા ફેરિયાઓ તમને ઘણા જોવા મળશે અને કેવળ 10 કે 20 રુપિયામાં મળતી આ ડિશ ગરીબથી માંડીને અમીર સુધીના તમામ લોકો ખાઇ શકે છે. અનેક લોકો આ કાળઝાળ ઉનાળુ ગરમી (Summer Season)માં પેટ ભરવા માટે ‘ઝાલમુડી’ ખાવાનું પસંદ કરે છે.

‘ઝાલમુડી’ શબ્દનો શો અર્થ થાય? (Jhal muri Meaning)

બંગાળીમાં ‘ઝાલ’ શબ્દનો અર્થ છે ‘મસાલેદાર’… અને ‘મુડી’ કે ‘મુરી’નો અર્થ થાય છે મમરા…બંને શબ્દોનું મિલન એટલે ‘મસાલેદાર મમરા’ અર્થાત્ ‘ઝાલમુડી’…આ ડિશ ખાનારા લોકો જ જાણી શકશે કે આ ડિશના ગુણ પ્રમાણે એનું નામ યથાર્થ છે.

Jhal muri, પીએમ મોદી, બંગાળી ,રેસિપી, વાનગી

બંગાળની ઝાલમુડી આટલી પ્રખ્યાત કેમ છે?

કોલકાતા (Kolkata)ની શેરીઓમાં ફરતા-ફરતા તમને આ ‘ઝાલમુડી’ને સ્વાદ ચાખવા અવશ્ય મળી જશે. અહિંના ગલી-મહોલ્લાના લોકો એક વાસણમાં ઝાલમુડી મિક્સ કરતા અને કલાત્મક રીતે ઉછાળતા નજરે ચઢશે! જૂના છાપાના ટુકડામાં પીરસાતી આ ડિશ સૌની માનીતી છે. બંગાળમાં લોકો ચોખા વધુ ખાય છે અને અહિં ચોખાની વિવિધ વાનગીઓ બનાવીને ખાવામાં આવે છે.

આમ તો ભારતમાં ડાંગરનો પાક શતાબ્દીઓથી ઉગતો રહ્યો છે અને એમાંથી બનતા મમરા (Puffed Rice) સદીઓથી ખાવામાં આવે છે પરંતુ, એવું માનવામાં આવે છે કે, બંગાળમાં કોલોનિયલ સમય (Colonial Period) દરમિયાન, એને મસાલામાં મિક્સ કરીને એક નવીન સ્વરુપ આપવામાં આવ્યું હતુ અને કાળાંતરે એનુ નામ ઝાલમુડી પડ્યું.

બંગાળના આ તીખા સ્વાદ વાળો નાસ્તો શેરીએ-શેરીએ વેચાતી એક લોકપ્રિય ડિશ બની ગયો. વિશેષ બાબત એ છે કે, આ એક ઝટપટ બનતો, સોંઘો અને અત્યંત સ્વાદિષ્ટ નાસ્તો છે અને ઉલ્લેખ મળે છે કે, કેવળ ભારતીયો જ નહિં પણ અંગ્રેજો પણ ઝાલમુડીના આશિક હતા! આજે પણ લંડન (London)ની ગલીઓમાં તમને ઝાલમુડી ખાવા મળી જશે અને આ જ એની લોકપ્રિયતાની પરાકાષ્ઠા છે!

Jhal muri, પીએમ મોદી, બંગાળી ,રેસિપી, વાનગી

કેવી રીતે બનાવશો ‘ઝાલમુડી’? (Jhal muri Recipe)

ઝાલમુડી બનાવવા માટે એક મોટો વાડકો ભરીને મમરા લેવા, એમાં કાચા શાકભાજી જેવા કે,1-2 લીલા મરચાં, સૂકી ડુંગળી, ટમેટાં, ખીરા કાકડી, બાફેલા બટાટા…આ બધું ઝીણું સમારીને ઉમેરવું. હવે શેકેલી મગફળી, ખાસ તીખો ઝાલમુડી મસાલો (સંચળ તથા લાલ મરચું) મિક્સ કરીને એમાં ઉપરથી તાજી કોથમીર ભભરાવવી. પસંદ હોય તો લીંબુનો રસ અથવા આમલીનો પલ્પ થોડો પાતળો કરીને ઉમેરવો.

તમને જે પણ મસાલો અને ચવાણું કે ફરસાણ પસંદ હોય એ તમે એમાં ઉમેરી શકો છો. હવે 2-3 ચમચી કાચું સરસિયું ઉમેરી દેવું. પછી એને સરસ રીતે, હળવા હાથે હલાવી લેવું અથવા ફાવે તો ઉછાળીને મિક્સ કરવું.

ફક્ત 5 જ મિનિટમાં તમારી આ બંગાળ સ્પેશ્યલ પૌષ્ટિક વાનગી તૈયાર થઇ જશે! એનો ટેસ્ટ તમને આ ગરમીની સિઝનમાં ઘણો જ પસંદ પડશે.


આ પણ વાંચો: કાચી કેરીનો બાફલો કેવી રીતે બનાવશો? ઉનાળાની ગરમીમાં શરીરમાં ટાઢક વ્યાપી જશે..શીતળ રેસિપી!

આ પણ વાંચો: ગરમીમાં પીઓ ઠંડુ-ઠંડુ પાન શરબત….પાચન માટે સર્વોત્તમ…વિશેષ ઉનાળુ ડ્રિંક રેસિપી…