Gujarat Local Body Election 2026/ ગુજરાતમાં લોકશાહીના અનોખા રંગ, ક્યાંક દુલ્હન તો ક્યાંક વરરાજા લગ્નમંડપ છોડી પહોંચ્યા બૂથ પર

ગુજરાતમાં ચૂંટણી અને લગ્નગાળાનો અનોખો સંગમ. છોટાઉદેપુરની રવિના રાઠવા અને ડીસાના દીપક ચૌહાણે લગ્ન પૂર્વે મતદાન કરી નવો રાહ ચીંધ્યો. Gen Z માં સેલ્ફીનો ક્રેઝ.

Gujarat Top Stories Others
First Time Voters Gen Z

First Time Voters Gen Z: લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ એટલે ચૂંટણી, અને જ્યારે આ પર્વ લગ્નના રૂડા અવસર સાથે ભળે ત્યારે દ્રશ્યો કંઈક વિશેષ જ બની જાય છે. આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન દરમિયાન કાળઝાળ ગરમીને મ્હાત આપીને મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. તેમાં પણ નવદંપતીઓએ ‘પહેલા મતદાન અને પછી કન્યાદાન’ના સૂત્રને સાર્થક કરીને સમાજને નવી રાહ ચીંધી છે.

પીઠી ચોળાયેલી દુલ્હન રવિનાએ નિભાવી ફરજ

છોટાઉદેપુરના ધંધોડા ગામની દીકરી રવિના રાઠવાએ આજે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. લગ્નની ચોરીમાં બેસવાની ઘડીઓ ગણાઈ રહી હતી, શરણાઈઓના સૂર રેલાઈ રહ્યા હતા, તેવા સમયે રવિનાએ સોળ શણગાર સજીને સૌપ્રથમ મતદાન મથકે પહોંચવાનું નક્કી કર્યું. જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં પોતાનો કિંમતી મત આપીને રવિનાએ સંદેશ આપ્યો કે, “અંગત પ્રસંગ કરતા દેશનો વિકાસ એ આપણી પ્રથમ પ્રાથમિકતા છે.”

જાન પ્રસ્થાન પહેલા વરરાજાએ કર્યું મતદાન

આવો જ પ્રેરણાદાયી નજારો બનાસકાંઠાના ડીસામાં પણ જોવા મળ્યો હતો. થેરવાડા ગામના વરરાજા ચૌહાણ દીપકે લગ્નની શેરવાની અને સાફો પહેરીને જાન લઈને નીકળતા પહેલા લોકશાહીના માંડવે જવાનું પસંદ કર્યું. પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરી રહેલા દીપકે જણાવ્યું કે, જીવનના નવા સફરની શરૂઆત કરતા પહેલા લોકશાહી પ્રત્યેની ફરજ નિભાવવી એ મારા માટે ગર્વની વાત છે.

Gen Z નો ક્રેઝ અને દિવ્યાંગોનું જોશ

કાળઝાળ ગરમી અને 44 ડિગ્રી પારાની આગાહી વચ્ચે પણ ગુજરાતમાં વહેલી સવારથી જ મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી હતી. આ લોકશાહીના પર્વમાં માત્ર યુવાનો જ નહીં, પરંતુ શારીરિક મર્યાદાઓને બાજુ પર મૂકીને દિવ્યાંગ મતદારો અને વયોવૃદ્ધો પણ ભારે જોશ સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરનારા Gen Z મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યાં વોટ આપીને આંગળી પરનું શાહીનું નિશાન બતાવી સેલ્ફી લેવાનો ટ્રેન્ડ ઠેર-ઠેર જોવા મળ્યો હતો. તેની સાથે જ અનેક મથકો પર 80 થી 90 વર્ષના વૃદ્ધો પણ પરિવારના ટેકે પહોંચીને અન્ય લોકોને મતદાન કરવા માટે પ્રેરણા પૂરી પાડી રહ્યા હતા.

લોકશાહીના આ પર્વમાં ગુજરાતની જનતાએ સાબિત કરી દીધું છે કે ભલે ગમે તેટલી ગરમી હોય કે ગમે તેવા અંગત પ્રસંગો, મતાધિકાર એ જ સૌથી મોટો અધિકાર છે.


આ પણ વાંચો:ભાવનગરમાં AAP સમર્થનના પોસ્ટર વાયરલ! ચૂંટણી પહેલાં રાજકારણ ગરમાયું

આ પણ વાંચો: ગુજરાત ચૂંટણીમાં મતદાન વચ્ચે બહિષ્કાર! ‘કટ નહીં તો મત નહીં’ના નારા

આ પણ વાંચો: ગાંધીનગરની દહેગામ નગરપાલિકા ચૂંટણી દરમ્યાન EVM ખોટવાયું