Heart Attack at Polling Booth Patan: લોકશાહીના પર્વમાં મતાધિકારનો ઉપયોગ કરવો એ દરેક નાગરિકનું કર્તવ્ય છે, પરંતુ પાટણમાં આ પર્વ એક પરિવાર માટે માતમમાં ફેરવાઈ ગયો છે. પાટણના માયાનગર વિસ્તારમાં રહેતા એક વૃદ્ધાએ ઉત્સાહભેર મતદાન કર્યું, પરંતુ કમનસીબે EVMનું બટન દબાવ્યાના ગણતરીના સમયમાં જ તેમને હાર્ટ એટેક આવતા તેમનું કરુણ મોત નીપજ્યું છે.
Patan: મતદાન કરીને બહાર નીકળતા જ તબિયત લથડી
પ્રાપ્ત વિગતો અનુસાર, પાટણના માયાનગર વિસ્તારમાં રહેતા 60 વર્ષીય કમળાબેન અનિલભાઈ આજે વહેલી સવારથી જ મતદાન કરવા માટે ઉત્સાહિત હતા. તેઓ શહેરની બી.એમ. હાઈસ્કૂલ ખાતે આવેલા મતદાન મથકે વોટ આપવા પહોંચ્યા હતા. તેમણે લાઈનમાં ઉભા રહીને શાંતિપૂર્ણ રીતે પોતાનો વોટ આપ્યો અને EVMનું બટન દબાવ્યું હતું. જોકે, જેવા તેઓ બૂથની બહાર નીકળ્યા કે તરત જ તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તેઓ ઢળી પડ્યા હતા.
108 મારફતે હોસ્પિટલ ખસેડાયા, પણ જીવ ન બચ્યો
કમળાબેન અચાનક નીચે પડી જતાં મતદાન મથક પર હાજર કર્મચારીઓ અને અન્ય મતદારોમાં દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. પેરામેડિકલ સ્ટાફે તેમને પ્રાથમિક સારવાર આપી શહેરની જનતા હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. હોસ્પિટલના તબીબોએ તેમને બચાવવા માટે પૂરા પ્રયાસો કર્યા, પરંતુ સારવાર દરમિયાન જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
પરિવારમાં શોકનું મોજું
કમળાબેનના મોતના સમાચાર મળતા જ માયાનગર વિસ્તાર અને તેમના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. તબીબોના જણાવ્યા અનુસાર, પ્રાથમિક દ્રષ્ટિએ હાર્ટ એટેક આવવાને કારણે વૃદ્ધાનું મોત થયું હોવાનું જણાય છે.
આ પણ વાંચો:રાજકોટમાં મતદાન વચ્ચે હંગામો! વોર્ડ નંબર 15ના કોંગ્રેસ ઉમેદવાર સહિત 20ની અટકાયત
આ પણ વાંચો:રાજકોટમાં ચૂંટણી સાથે ગરમીનો ડબલ ચેલેન્જ, બપોરે તાપમાન 43 ડિગ્રી પહોંચવાની શક્યતા
આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ મતદાન કર્યું
