Khedbrahma Triple Murder: સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના સંગ્રામપુરા ગામે મોડી રાત્રે એક કાળજું ધ્રુજાવી દેતી ઘટના બની છે. એક શખ્સે અગમ્ય કારણોસર ઉશ્કેરાઈ જઈ પોતાના જ પરિવાર પર કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ લોહિયાળ ખેલમાં અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે એક મહિલા જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.
Khedbrahma : અધરાતે ખેલાયો ખૂની ખેલ
પ્રાપ્ત વિગતો અનુસાર, સંગ્રામપુરા ગામે રહેતા શ્રવણ ગમાર નામના શખ્સે મોડી રાત્રે અચાનક હિંસક બની પોતાની માતા, પત્ની અને માસૂમ પુત્ર પર કુહાડી વડે આડેધડ હુમલો કર્યો હતો. શ્રવણે પરિવારના સભ્યોના માથાના ભાગે કુહાડીના ઘા ઝીંક્યા હતા, જેમાં શ્રવણ પોતે અને તેના માત્ર 2 વર્ષના પુત્ર કમલેશનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા માતા જમનાબેન અને પત્ની કાંતાબેનને વધુ સારવાર માટે તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
સારવાર દરમિયાન માતાનું પણ મોત
અમદાવાદ સિવિલમાં સારવાર હેઠળ રહેલા માતા જમનાબેનનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે, જેના કારણે આ હત્યાકાંડમાં કુલ મૃત્યુઆંક ૩ પર પહોંચ્યો છે. શ્રવણની પત્ની કાંતાબેનની હાલત હજુ પણ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેઓ હાલ ડોક્ટરોની દેખરેખ હેઠળ છે.
ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો દોડી આવ્યો
ઘટનાની ગંભીરતાને જોતા સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા પાર્થરાજસિંહ ગોહિલ, ખેડબ્રહ્મા ડીવાયએસપી કુલદીપ નાઈ સહિતની ટીમ તાત્કાલિક સંગ્રામપુરા દોડી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળની બારીકાઈથી તપાસ હાથ ધરી છે અને પુરાવા એકત્ર કર્યા છે.
હત્યાનું કારણ હજુ અકબંધ
પોતાના જ વ્હાલસોયા પુત્ર અને માતા-પત્ની પર હુમલો કરવા પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસ હવે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી પત્ની કાંતાબેનનું નિવેદન લેવાની રાહ જોઈ રહી છે. તેમના નિવેદન બાદ જ આ ભયાનક હત્યાકાંડ પાછળનું રહસ્ય ખુલવાની શક્યતા છે.
આ પણ વાંચો:રાજ્યમાં મેઘરાજાનો કહેર, વરસાદથી નહીં મળે રાહત!
આ પણ વાંચો:સુરતમાં ઓલણ નદીમાં પૂર આવ્યું, દક્ષિણ ગુજરાત થઈ જાઓ સતર્ક
આ પણ વાંચો: સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 12 કલાકમાં 10 ઇંચ વરસાદ
