Sanand Moraiya Fire News: અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં આવેલા મોરૈયા ઔદ્યોગિક વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં ટુ-વ્હીલરના પાર્ટ્સ બનાવતી એક ખાનગી કંપનીમાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. આગ એટલી ભયાનક હતી કે દૂર-દૂર સુધી આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
Sanand : મડગાર્ડના ગોડાઉનમાં ભભૂકી આગ
પ્રાપ્ત વિગતો અનુસાર, આજે મોરૈયા નજીક આવેલી આ કંપનીના ગોડાઉનમાં અચાનક આગનો બનાવ બન્યો હતો. આ ગોડાઉનમાં ટુ-વ્હીલરના મડગાર્ડ બનાવવાનું અને સ્ટોરેજનું કામ ચાલતું હતું. જ્વલનશીલ પદાર્થો હોવાને કારણે જોતજોતામાં આગે અત્યંત રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખી ફેક્ટરીને પોતાની ચપેટમાં લઈ લીધી હતી.
અન્ય ફેક્ટરીઓ પર પણ મંડરાયો ખતરો
આ આગની તીવ્રતા એટલી હદે વિકરાળ હતી કે તેની જ્વાળાઓ બાજુમાં આવેલી અન્ય ફેક્ટરીઓ સુધી પણ પહોંચી ગઈ હતી. આસપાસની કંપનીઓ પણ આગની લપેટમાં આવવા લાગતાં અન્ય ફેક્ટરીના કામદારો અને સંચાલકોમાં ભારે ગભરાહટ અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. લોકો તાત્કાલિક પોતાની ફેક્ટરીઓમાંથી સુરક્ષિત સ્થળે બહાર દોડી આવ્યા હતા.
ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળે
આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક હરકતમાં આવી હતી. આગનું વિકરાળ સ્વરૂપ જોતા અમદાવાદ, સાણંદ, બાવળા અને ધોળકા એમ ચારેય બાજુથી ફાયર બ્રિગેડની 5 જેટલી ગાડીઓ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના યુદ્ધના ધોરણે પ્રયાસો હાથ ધર્યા હતા. કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા બચાવ કામગીરીમાં મદદ માટે સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
આ પણ વાંચો: અમદાવાદના સાણંદ GIDCની કંપનીમાં ભીષણ આગ, દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા
આ પણ વાંચો: સાણંદને વૈશ્વિક હબ બનાવશે સેમી કંડક્ટર પ્લાન્ટઃ પીએમ મોદી
આ પણ વાંચો: સાણંદ-વિરમગામ હાઇવે પર ત્રિપલ અકસ્માતમાં બેનાં મોત
