Ahmedabad Bhuva News: સ્માર્ટ સિટી અમદાવાદમાં ચોમાસું તો હજુ ઘણું દૂર છે, પરંતુ ભરઉનાળે જ રસ્તાઓની પોલ ખુલવાની શરૂઆત થઈ ગઈ છે. શહેરમાં કાળઝાળ ગરમી વચ્ચે છેલ્લા માત્ર 10 જ દિવસમાં અલગ-અલગ 8 સ્થળોએ ભૂવા (રોડ બેસી જવા) પડવાની ઘટનાઓ સામે આવી છે. વરસાદ પહેલા જ રસ્તાઓનું આ રીતે બેસી જવું એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની કામગીરી અને કરોડો રૂપિયાના ખર્ચ પર ગંભીર સવાલો ઊભા કરે છે.
Ahmedabad : 258 કરોડનો ડ્રેનેજ ટેક્સ ઉઘરાવ્યો, પણ સુવિધા ક્યાં?
સામાન્ય જનતા પાસેથી વેરો વસૂલવામાં તંત્ર ક્યારેય પાછું પડતું નથી. આંકડાઓ પર નજર કરીએ તો નવાઈ લાગશે કે, મ્યુનિસિપલ કોર્પોરેશને છેલ્લા એક જ વર્ષમાં અમદાવાદીઓ પાસેથી માત્ર ડ્રેનેજ ટેક્સ (ગટર વેરા) પેટે જંગી ₹258 કરોડ રૂપિયા વસૂલ્યા છે. આ રકમ કોર્પોરેશનની કુલ ટેક્સ આવકનો 17 ટકા જેટલો મોટો હિસ્સો છે. આટલો તોતિંગ ટેક્સ ચૂકવ્યા પછી પણ નાગરિકોના નસીબમાં સારા રસ્તાઓને બદલે માત્ર ખાડા અને ભૂવા જ કેમ છે?
120 કરોડના રિહેબિલિટેશન છતાં સ્થિતિ ‘જૈસે થે’
તંત્ર એવો દાવો કરે છે કે તેઓ ડ્રેનેજ સિસ્ટમ સુધારવા સતત પ્રયત્નશીલ છે. જે વિસ્તારોમાં અવારનવાર ભૂવા પડે છે ત્યાં જૂની ગટર લાઈનોના રિહેબિલિટેશન (પુન:સ્થાપન) પાછળ કોર્પોરેશને 120 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કર્યો છે. આ ઉપરાંત, ગટરમાં ગેસના દબાણને કારણે પાઇપલાઇનોને નુકસાન ન પહોંચે અને રોડ ન બેસે તે માટે શહેરભરમાં 691 સ્થળોએ વેન્ટિલેશન કોલમ (ગેસ પાઇપ) પણ ઉભી કરવામાં આવી છે.
ચોમાસામાં અમદાવાદીઓની શું દશા થશે?
આટ-આટલા આયોજનો અને પ્રજાના કરોડો રૂપિયાના ધુમાડા પછી પણ ભૂવા પડવાનો સિલસિલો અટકવાનું નામ નથી લેતો. જો ઉનાળાની ઋતુમાં જ 10 દિવસમાં 8 સ્થળોએ જમીન ગરકાવ થઈ જતી હોય, તો આગામી ચોમાસામાં જ્યારે ધોધમાર વરસાદ પડશે ત્યારે આખા શહેરની અને અમદાવાદીઓની સુરક્ષાની શું દશા થશે, તે વિચારવું જ ડરામણું છે.
