H-1B Visa New Rules: અમેરિકામાં સ્થાયી થવા કે ત્યાં અભ્યાસ કરી નોકરી મેળવવાના સપના જોતા ભારતીયો માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. રિપબ્લિકન સાંસદ ટોમી ટ્યુબરવિલે દ્વારા ‘એસિમિલેશન એક્ટ’ (ASSIMILATION Act) રજૂ કરવામાં આવ્યો છે. 82 પાનાના આ કઠોર પ્રસ્તાવનો ઉદ્દેશ્ય અમેરિકાની વર્તમાન ઇમિગ્રેશન સિસ્ટમને સંપૂર્ણપણે બદલી નાખવાનો છે, જેની સૌથી મોટી ગાજ ભારતીય આઈટી પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓ પર પડી શકે છે.
H-1B Visa ધારકો માટે માઠા સમાચાર
આ નવા કાયદાની દરખાસ્ત મુજબ H-1B વિઝા પ્રક્રિયામાં એવા ફેરફાર સૂચવવામાં આવ્યા છે જે કંપનીઓ માટે વિદેશી કર્મચારી રાખવા મુશ્કેલ બનાવી દેશે. આ યોજના હેઠળ H-1B વિઝાની વાર્ષિક મર્યાદા ઘટાડીને માત્ર 50,000 કરવાની દરખાસ્ત છે અને કંપનીઓએ હવે વિદેશી કર્મચારીઓને સરેરાશ વેતન કરતા બમણો એટલે કે 200% પગાર ચૂકવવો પડશે. વધુમાં, આ વિઝા માત્ર ૩ વર્ષ માટે જ મળશે અને તેમાં કોઈ પણ પ્રકારનું એક્સટેન્શન આપવામાં આવશે નહીં. ગ્રીન કાર્ડના નવા નિયમ મુજબ, વિઝા પૂરા થયા પછી ૨ વર્ષ સુધી અમેરિકાની બહાર રહ્યા વગર કોઈ પણ વ્યક્તિ કાયમી રહેઠાણ માટે અરજી કરી શકશે નહીં.
વિદ્યાર્થીઓ હવે ભણ્યા પછી નોકરી નહીં કરી શકે?
અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ માટે સૌથી મોટો ફટકો OPT (Optional Practical Training) પ્રોગ્રામ પર લાગી શકે છે, કારણ કે નવા બિલમાં આ પ્રોગ્રામને સંપૂર્ણપણે નાબૂદ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આનો સીધો અર્થ એ થાય છે કે હવે વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ પૂરો કર્યા પછી અમેરિકામાં કામનો અનુભવ મેળવી શકશે નહીં. તદુપરાંત, પરિવારના સભ્યોને અમેરિકા બોલાવવાના એટલે કે ફેમિલી-બેઝ્ડ ઇમિગ્રેશન (Family-based immigration) ના નિયમો પણ અત્યંત કડક બનાવવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
નાગરિકતા માટે 10 વર્ષની રાહ જોવી પડશે
અમેરિકન સિટિઝનશિપ (નાગરિકતા) મેળવવી હવે લોઢાના ચણા ચાવવા જેવી બનશે, કારણ કે નવા ફેરફારો મુજબ રહેઠાણની મર્યાદા 5 વર્ષથી વધારીને 10 વર્ષ કરવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત, અંગ્રેજી ભાષાની પરીક્ષાના સ્તરને પણ વધુ કઠિન બનાવવામાં આવશે અને ‘ડાયવર્સિટી વિઝા લોટરી’ પ્રોગ્રામને કાયમ માટે બંધ કરવાની વાત કહેવામાં આવી છે.
કેમ લવાયું આ કઠોર બિલ?
સાંસદ ટ્યુબરવિલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, “અમેરિકા આવવું એ એક વિશેષાધિકાર છે, અધિકાર નહીં.” આ કાયદાનો મુખ્ય હેતુ અમેરિકન કામદારોની નોકરીઓ સુરક્ષિત કરવાનો અને અમેરિકન સંસ્કૃતિનું જતન કરવાનો છે. વર્ષ 2026ની ચૂંટણીઓ નજીક છે ત્યારે ટ્રમ્પ પ્રશાસન પણ ડિપોર્ટેશન અને કડક સરહદ અમલીકરણ પર ભાર આપી રહ્યું છે, જેના કારણે આગામી દિવસોમાં ઇમિગ્રેશન મુદ્દો વધુ ગરમાય તેવી શક્યતા છે.
આ પણ વાંચો:ટ્રમ્પ વહીવટીતંત્રે 19 દેશોના ગ્રીન કાર્ડ અને અમેરિકી નાગરિકત્વ અરજીઓ પર પ્રતિબંધ મૂક્યો
આ પણ વાંચો:આઈન્સ્ટાઈન વિઝા’ શું છે, શું કામદારોને ઝડપથી યુએસ ગ્રીન કાર્ડ મેળવવાની મંજૂરી આપાવશે?
આ પણ વાંચો:ગ્રીન કાર્ડ ધારકોને હેરાન કરી રહ્યું છે અમેરિકા, ભારતીયોએ લગાવ્યો આ આરોપ
