Ahmedabad News : વધતા ફ્યુઅલ સેવિંગ અને જાહેર પરિવહનના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત મેટ્રો (Metro)રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીની અપીલ અને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠક બાદ અમદાવાદ-ગાંધીનગર મેટ્રો સેવાઓનો સમય લંબાવવામાં આવ્યો છે.
આ નવી વ્યવસ્થા સોમવાર તા. 18 મે 2026થી અમલમાં આવશે. હવે પૂર્વ-પશ્ચિમ તેમજ ઉત્તર-દક્ષિણ બંને કોરિડોર પર મેટ્રોની છેલ્લી ટ્રેન રાત્રે 11 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે, જેથી મુસાફરોને વધુ સુવિધા મળશે.
પૂર્વ-પશ્ચિમ કોરિડોરમાં વધારાની સેવા
વસ્ત્રાલગામથી હાલ છેલ્લી ટ્રેન રાત્રે 10 વાગ્યે નીકળતી હતી, જેને હવે વધારીને રાત્રે 11 વાગ્યા સુધી કરવામાં આવી છે. આ રૂટ પર રાત્રે 10:20, 10:40 અને 11:00 વાગ્યે વધારાની ત્રણ સર્વિસ શરૂ કરવામાં આવશે, જે થલતેજ ગામ સુધી જશે.
તે જ રીતે થલતેજ ગામથી વસ્ત્રાલગામ જતી છેલ્લી ટ્રેનનો સમય પણ હવે રાત્રે 11 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યો છે. મુસાફરો માટે 10:20, 10:40 અને 11:00 વાગ્યે વધારાની ટ્રેનો ઉપલબ્ધ રહેશે.
ઉત્તર-દક્ષિણ કોરિડોરમાં પણ સમય વધારો
એપીએમસીથી કોટેસર જતી છેલ્લી ટ્રેનનો સમય હવે 10:10 વાગ્યાથી વધારીને 11:10 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. આ રૂટ પર 10:30, 10:50 અને 11:10 વાગ્યે વધારાની ત્રણ સર્વિસ મળશે.
કોટેસરથી એપીએમસી જતી છેલ્લી ટ્રેન પણ હવે રાત્રે 11 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. આ માટે 10:20, 10:40 અને 11:00 વાગ્યે વધારાની ટ્રેનો દોડશે.
ગાંધીનગર રૂટ પર પણ રાહત
કોટેસરથી મહાત્મા મંદિર, ગાંધીનગર જતી છેલ્લી ટ્રેનનો સમય 7:43 વાગ્યાથી વધારીને 9:20 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. આ રૂટ પર 8:17 અને 9:20 વાગ્યે વધારાની બે સર્વિસ શરૂ થશે.
મહાત્મા મંદિરથી કોટેસર અને આગળ એપીએમસી સુધી જતી છેલ્લી ટ્રેન હવે રાત્રે 9 વાગ્યે ઉપલબ્ધ રહેશે.
GMRCએ મુસાફરોને મેટ્રો (Metro)જેવી સલામત, આરામદાયક, વિશ્વસનીય અને ગ્રીન ટ્રાન્સપોર્ટ સેવાઓનો વધુમાં વધુ ઉપયોગ કરવાની અપીલ કરી છે. મેટ્રો સેવાઓનું વિગતવાર ટાઈમ ટેબલ GMRCની સત્તાવાર વેબસાઇટ ગુજરાત મેટ્રો રેલ પર ઉપલબ્ધ છે.
