Gandhinagar News: ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા (Gujarat Education)ને લઈને એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. નીતિ આયોગ (NITI Aayog) દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડાઓ મુજબ રાજ્યમાં વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેશિયો સતત વધી રહ્યો છે, ખાસ કરીને માધ્યમિક શિક્ષણ બાદ ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ છોડતા હોવાનું સામે આવ્યું છે. અહેવાલ મુજબ ગુજરાત 27.6 ટકા ડ્રોપઆઉટ રેશિયો સાથે દેશના રાજ્યોમાં સૌથી ઉપર હોવાનું જણાવાયું છે. શિક્ષણવિદોનું માનવું છે કે આ સ્થિતિ ભવિષ્યમાં રાજ્યના માનવ સંસાધન અને રોજગારી પર સીધી અસર કરી શકે છે.
રિપોર્ટમાં રાજ્યની શાળાઓમાં શિક્ષકો અને વર્ગખંડોની ભારે અછતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, રાજ્યની 2936થી વધુ શાળાઓમાં હજારો વિદ્યાર્થીઓ સામે માત્ર એક જ શિક્ષક કાર્યરત છે. સાથે સાથે 40 હજારથી વધુ શિક્ષકોની ભરતી હજુ બાકી હોવાનું પણ સામે આવ્યું છે.
આ ઉપરાંત 42 હજારથી વધુ વર્ગખંડોની ઘટ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અનેક સરકારી શાળાઓના વર્ગખંડો જર્જરિત હાલતમાં હોવાનું પણ અહેવાલમાં જણાવાયું છે, જેના કારણે વિદ્યાર્થીઓને પૂરતી અને સુરક્ષિત શૈક્ષણિક સુવિધાઓ મળી રહી નથી તેવી ચર્ચા શરૂ થઈ છે.
Gujarat Education: વિદ્યાર્થીઓ કેમ છોડી રહ્યા છે અભ્યાસ?
શિક્ષણ (Gujarat Education) ક્ષેત્ર માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવતું હોવા છતાં, જમીન સ્તરે સ્થિતિમાં પૂરતો સુધારો જોવા મળતો નથી તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં શાળાઓમાં મૂળભૂત સુવિધાઓની અછત, શિક્ષકોની ખાલી જગ્યાઓ અને માળખાકીય સમસ્યાઓને કારણે વિદ્યાર્થીઓ અભ્યાસ છોડવા મજબૂર બની રહ્યા હોવાનું કહેવામાં આવે છે.
અહેવાલમાં વધુમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે રાજ્યમાં હજારો શાળાઓને મર્જ અથવા બંધ કરવાની પ્રક્રિયા અંગે ચર્ચા ચાલી રહી છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ (Gujarat Education) સુધી પહોંચ વધુ મુશ્કેલ બની શકે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.આ સમગ્ર મુદ્દે હવે શિક્ષણવિદો, વાલીઓ અને સામાજિક સંસ્થાઓ દ્વારા રાજ્ય સરકાર પાસેથી તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે.
આ પણ વાંચો:ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થાની ચિંતાજનક સ્થિતિ
આ પણ વાંચો:દ્વારકામાં શિક્ષકોની મોટાપાયા પર અછતના કારણે શિક્ષણ વ્યવસ્થા તળિયે
આ પણ વાંચો:મહેસાણા ડમી વિદ્યાર્થી કાંડ: શિક્ષણ વ્યવસ્થાની કાળી કરતૂતોનો પર્દાફાશ
