Mahesana News: ગુજરાતના મહેસાણા જિલ્લામાં શિક્ષણ વ્યવસ્થાની મૂળમાં ઘૂસી આવેલી ભ્રષ્ટાચારની ગંધથી આખું વાતાવરણ ગંધાઈ રહ્યું છે. આકાશ-એલન ટ્યુશન ક્લાસ અને સ્થાનિક સ્કૂલો વચ્ચેના ડમી વિદ્યાર્થીઓના કાંડે સમગ્ર શિક્ષણ વિભાગને ઊંઘતો પકડ્યો છે.
મંતવ્ય ન્યૂઝની તપાસી ટીમ દ્વારા કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશનથી આ મામલાની પડદાની પાછળ છુપાયેલી સામૂહિક સાંઠગાંઠનો ખુલાસો થયો છે, જેમાં સ્કૂલો અને શિક્ષણ વિભાગના અધિકારીઓની મળીને કરવામાં આવતી કરતૂતોનો સમાવેશ થાય છે.
મંતવ્ય ન્યૂઝની ટીમે ગુપ્ત રીતે આકાશ-એલાન ક્લાસ અને સ્થાનિક સ્કૂલોમાં તપાસ કરી. સ્ટિંગ વીડિયોમાં ખુલ્લેઆમ જોવા મળ્યું કે કેવી રીતે ટ્યુશન ક્લાસના માલિકો અને સ્કૂલ પ્રિન્સિપાલો વચ્ચે ‘ડમી વિદ્યાર્થીઓ’ની ડીલ થાય છે. આ ડમી વિદ્યાર્થીઓ વાસ્તવિક નથી – તેમને માત્ર કાગળ પર નોંધાવીને સરકારી ગ્રાન્ટ અને સર્ટિફિકેટ મેળવવામાં આવે છે. વળી, વાસ્તવિક વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી દૂર રાખીને ટ્યુશન ક્લાસ તરફ ધકેલવામાં આવે છે, જેથી ખાનગી ક્લાસોને ફાયદો થાય.
સ્ટિંગમાં એક સ્કૂલ પ્રિન્સિપાલ કહે છે, “ડમી વિદ્યાર્થીઓથી સરકારી ફંડ મળે છે, અને તમારા ક્લાસને વિદ્યાર્થીઓ મળે છે. બધું બરાબર!” આ કલાકારીમાં શિક્ષણ વિભાગના અધિકારીઓની પણ સામેલ હોવાનું સ્પષ્ટ થઈ ચૂક્યું છે, જેમને ભ્રષ્ટાચારના ટકાવારી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.
આ મુદ્દે વધુ તપાસ કરવા માટે મંતવ્ય ટીમ જિલ્લા શિક્ષણાધિકારીની ઓફિસ પહોંચી. પણ આશ્ચર્યની વાત! શિક્ષણાધિકારી ‘ગાયબ’ હતા. ઓફિસમાં તપાસ કરતાં કોઈ જવાબ નહોતો, અને ટેલિફોન પર સંપર્ક કરવાના પ્રયાસમાં ફોન પણ નથી ઉઠાવ્યો. આખરે, મંતવ્યની મુહિમના રેલાનો અણસાર આવતાં જ તેઓ ‘ગાયબ’ થઈ ગયા. આથી પ્રશ્ન ઊભો થાય છે – શું આ રીતે ગાયબ થવું માત્ર સંજોગ છે, કે સામૂહિક સાંઠગાંઠનો હિસ્સો છે? શું તે પણ આકાશ ઇન્સ્ટિટ્યુટના સંચાલકોની જેમ પાતાળમાં ઉતરી ગયા, પણ તે તો સરકારી અધિકારી છે. તેમણે હોદ્દા પર હાજર થવા તો ગમે ત્યારે આવું જ પડશેને. તે કેટલા દિવસ આ રીતે પડદા પાછળ ઓઝલમાં રહેશે, બહાર તો આવવું જ પડશેને.
