Ahmedabad News : અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે લક્ઝરી મર્સિડીઝ-બેન્ઝ GLS 350D SUV (Mercedes SUV) મામલે મહત્વપૂર્ણ નિર્ણય આપતા વાહનનો કબજો તેના રજિસ્ટર્ડ માલિકને સોંપવાનો આદેશ કર્યો છે . સાથે જ કોર્ટે પ્રહલાદનગરના એક પ્રોપર્ટી બ્રોકરના દાવા પર ગંભીર શંકા વ્યક્ત કરી છે.
કોર્ટમાં ચાલેલી સુનાવણી દરમિયાન બ્રોકરે દાવો કર્યો હતો કે તેણે વર્ષ 2019માં આ Mercedes SUV ખરીદી હતી, પરંતુ મિત્ર દસ્તાવેજી સમસ્યાઓનો સામનો કરી રહ્યો હોવાથી ગાડી મિત્રની પત્નીના નામે રજિસ્ટર કરાવી હતી. બ્રોકરના કહેવા મુજબ, લોનના તમામ હપ્તા તેણે ચૂકવ્યા હતા અને છેલ્લા સાત વર્ષથી ગાડીનો ઉપયોગ પણ તે જ કરતો હતો.

પરંતુ કોર્ટે આ દલીલ પર સવાલ ઉઠાવતા નોંધ્યું કે કોઈ વ્યક્તિ લક્ઝરી બ્રાન્ડની કાર અન્યની પત્નીના નામે શા માટે ખરીદે તે બાબત શંકાસ્પદ લાગે છે.
ચોરીની ફરિયાદ બાદ મામલો બહાર આવ્યો
ડિસેમ્બર 2024માં આનંદનગર પોલીસ સ્ટેશનમાં Mercedes SUV ચોરીની ફરિયાદ નોંધાતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. પોલીસ તપાસમાં ખુલ્યું કે બ્રોકરના મિત્રએ ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ કરીને વાહન લઈ લીધું હતું. ત્યારબાદ પોલીસે કાર જપ્ત કરી હતી.
બાદમાં એક સર્વિસ સ્ટેશન મેનેજરે Mercedes SUV બ્રોકરના ઘરે પહોંચાડી હોવાનો મુદ્દો પણ તપાસમાં સામે આવ્યો હતો.
બંને પક્ષે કોર્ટનો દરવાજો ખખડાવ્યો
વાહનના વચગાળાના કબજા માટે બ્રોકર અને મિત્રની પત્ની બંનેએ મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી કરી હતી. શરૂઆતમાં મેજિસ્ટ્રેટે બ્રોકરના પક્ષમાં નિર્ણય આપ્યો હતો અને જણાવ્યું હતું કે ગાડીનો કબજો તથા હપ્તાની ચુકવણી બ્રોકર દ્વારા કરવામાં આવી હતી.
પરંતુ મહિલાએ સેશન્સ કોર્ટમાં પડકાર આપતા કેસ ફરી મેજિસ્ટ્રેટ કોર્ટમાં મોકલાયો હતો. પુનઃસુનાવણી બાદ ફરી બ્રોકરના પક્ષમાં ચુકાદો આવ્યો હતો.
સેશન્સ કોર્ટે નોંધ્યા મહત્વના મુદ્દા
એડિશનલ સેશન્સ કોર્ટે નોંધ્યું કે વાહનની લોન મહિલાના નામે મંજૂર થઈ હતી અને લોન ક્લોઝર સર્ટિફિકેટ પણ તેના નામે જ હતું. સાથે જ કોર્ટે આ પણ નોંધ્યું કે બ્રોકરે 2019થી વાહન પોતાના નામે ટ્રાન્સફર કરાવવા માટે કોઈ કાનૂની પ્રયાસ કર્યો નહોતો.
કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કહ્યું કે માત્ર ફિઝિકલ કબજો હોવો એ કાયદેસરની માલિકી કરતાં ચડિયાતો ન હોઈ શકે. રજિસ્ટ્રેશન અને દસ્તાવેજોના આધારે પ્રથમ દ્રષ્ટિએ મહિલાની માલિકી સાબિત થતી હોવાનું કોર્ટે માન્યું હતું.
હાઈકોર્ટમાં પહોંચ્યો મામલો
સેશન્સ કોર્ટના આદેશ બાદ મામલો હવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. હાઈકોર્ટે હાલ 31 ઓગસ્ટ સુધી વાહનના કબજાની ફેરબદલ પર સ્ટે મૂક્યો છે અને આગામી સુનાવણી તે દિવસે હાથ ધરાશે.
