Sabarkantha News: અરવલ્લીની ગિરિમાળાઓમાં ખનન અને પર્યાવરણ સંરક્ષણને લઈને ચાલી રહેલા વિવાદ (Aravalli Mining Dispute) વચ્ચે હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી કમિટીની (Supreme Court Committee) મુલાકાત મહત્વપૂર્ણ બની છે. કમિટી બે દિવસ માટે સાબરકાંઠા જિલ્લામાં વિવિધ ડુંગરાળ વિસ્તારોની મુલાકાત લેશે અને સ્થળ પરની સ્થિતિનો અભ્યાસ કરશે.કમિટી ઈડર ગઢ, ખેડબ્રહ્મા તેમજ આસપાસના પહાડી વિસ્તારોની મુલાકાત લઈને પર્યાવરણીય સ્થિતિ અને ખનન સંબંધિત બાબતોની માહિતી એકત્રિત કરશે.
Aravalli Mining Dispute: અરવલ્લીના સંરક્ષણને લઈને લાંબા સમયથી રજૂઆતો
અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ માટે પર્યાવરણ સાથે જોડાયેલા લોકો અને સ્થાનિક રહેવાસીઓ લાંબા સમયથી અવાજ ઉઠાવી રહ્યા છે. ‘ગઢ બચાવો સમિતિ’ દ્વારા પણ અરવલ્લીના પ્રાકૃતિક (Aravalli Hills) અને ઐતિહાસિક વારસાને બચાવવા માટે વિવિધ સ્તરે રજૂઆતો અને જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે.
સ્થાનિકોની મુખ્ય રજૂઆત એ છે કે પર્યાવરણની દૃષ્ટિએ સંવેદનશીલ પહાડી વિસ્તારોમાં ખનન પ્રવૃત્તિઓને કારણે કુદરતી સંસાધનોને નુકસાન ન પહોંચે અને આવા વિસ્તારોનું સંરક્ષણ કરવામાં આવે.
ઈડર ગઢ અને ખેડબ્રહ્મામાં સ્થળ નિરીક્ષણ
સુપ્રીમ કોર્ટની કમિટી પોતાના પ્રવાસ દરમિયાન સાબરકાંઠાના મહત્વપૂર્ણ પહાડી વિસ્તારોની સ્થિતિનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરશે. તેમાં ઐતિહાસિક ઈડર ગઢ (Idar Fort) ઉપરાંત ખેડબ્રહ્મા (Khedbrahma) અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે.સ્થળ મુલાકાત દરમિયાન ખનન પ્રવૃત્તિઓ, પહાડી વિસ્તારોની સ્થિતિ અને સ્થાનિક પર્યાવરણને લગતી બાબતો અંગે માહિતી મેળવવામાં આવશે.
સ્થાનિકો અને સંબંધિત પક્ષો સાથે બેઠક
માત્ર સ્થળ નિરીક્ષણ જ નહીં, કમિટી વિવિધ પક્ષોની રજૂઆતો પણ સાંભળશે. સ્થાનિક રહેવાસીઓ, ‘ગઢ બચાવો સમિતિ’ના પ્રતિનિધિઓ, લીઝ ધારકો તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠકો યોજાવાની છે.આ બેઠકોનો હેતુ સમગ્ર મામલે જુદા-જુદા પક્ષોની રજૂઆતો અને ઉપલબ્ધ માહિતી મેળવવાનો હોવાનું જાણવા મળ્યું છે.
બનાસકાંઠા અને અરવલ્લી તરફ પણ જશે કમિટી
સાબરકાંઠાનો બે દિવસનો પ્રવાસ પૂર્ણ થયા બાદ કમિટી અન્ય અરવલ્લી વિસ્તારના પહાડી વિસ્તારો તરફ પણ આગળ વધશે. તેમાં બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લાના સરહદી વિસ્તારોનો સમાવેશ થવાની માહિતી છે.આ સમગ્ર સ્થળ નિરીક્ષણ અને વિવિધ પક્ષો પાસેથી મળેલી માહિતીના આધારે કમિટી પોતાનો અહેવાલ સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરશે.
અરવલ્લીના સંરક્ષણ અંગે આગળની કાર્યવાહી પર નજર
હાલ અરવલ્લી ગિરિમાળાના સંરક્ષણ અને ખનનને લઈને સ્થાનિક સ્તરે ચર્ચા ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટની કમિટીના સ્થળ નિરીક્ષણ બાદ તેના અહેવાલમાં કઈ બાબતો સામે આવે છે અને ત્યારબાદ કોર્ટ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર હવે સૌની નજર રહેશે.
@દિપકસિંહ રાઠોડ
આ પણ વાંચો: સાબરકાંઠામાં 2.30 લાખ વૃક્ષોનું વાવેતર, વન વિભાગ આપશે 10 ફૂટ ઊંચા તૈયાર રોપા
આ પણ વાંચો: ‘અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ’ : પર્યાવરણ દિન નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગુજરાતને મોટી ભેટ
આ પણ વાંચો: સુરતમાં 30 લાખની ખંડણી માટે વેપારીના પુત્રનું અપહરણ! 150થી વધુ CCTVથી ભેદ ઉકેલાયો
