Surat News: સુરત શહેરના અડાજણ વિસ્તારમાં વેપારીના પુત્રના અપહરણનો (Surat Adajan Kidnapping) બનાવ સામે આવ્યા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં સમગ્ર મામલાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, 27 વર્ષીય યુવકને રસ્તા પરથી કારમાં બેસાડી અપહરણ કરવામાં આવ્યું હતું અને તેના પરિવાર પાસે 30 લાખ રૂપિયાની ખંડણી માગવામાં આવી હતી.
અડાજણ પોલીસે CCTV ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી યુવકનું લોકેશન શોધી કાઢ્યું હતું. ત્યારબાદ મહારાષ્ટ્રના પુણે-અહલ્યાનગર હાઈવે પરથી ત્રણ શખસોને ઝડપી યુવકને સુરક્ષિત રીતે છોડાવ્યો હતો.
Surat Adajan Kidnapping: મધુવન સર્કલ નજીકથી યુવકને કારમાં બેસાડ્યો
પોલીસના જણાવ્યા પ્રમાણે, 6 ઓક્ટોબરની સાંજે આશરે 7 વાગ્યે આગમ પટવા નામના યુવકનું અડાજણના મધુવન સર્કલ નજીકથી અપહરણ થયું હતું. આરોપીઓએ કથિત રીતે તેને બ્લેક કલરની હુન્ડાઈ વેન્યુ કારમાં બેસાડી દીધો હતો.યુવકને લઈ ગયા બાદ તેના પિતાને ફોન કરીને 30 લાખ રૂપિયાની ખંડણી માગવામાં આવી હતી. રકમ નહીં આપવામાં આવે તો યુવકને નુકસાન પહોંચાડવાની ધમકી અપાઈ હોવાનો પણ પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ છે.
15 લાખના શેરબજારના નુકસાનને લઈને વિવાદ
પોલીસની પ્રાથમિક તપાસમાં અપહરણ પાછળ નાણાકીય વિવાદ હોવાનું સામે આવ્યું છે. મુખ્ય આરોપી રવિરાજ પાંડુરંગ પાટીલે અગાઉ યુવકના પિતાને શેરબજારમાં રોકાણ માટે 15 લાખ રૂપિયા આપ્યા હોવાનો પોલીસનો દાવો છેપોલીસ મુજબ, શેરબજારમાં થયેલા નુકસાન બાદ આ રકમ પરત મેળવવા માટે આરોપીએ યુવકના અપહરણનું કાવતરું ઘડ્યું હતું. 15 લાખની મૂળ રકમ ઉપરાંત વધુ 15 લાખ મેળવી કુલ 30 લાખ વસૂલવાનો પ્લાન બનાવાયો હોવાની માહિતી તપાસમાં સામે આવી છે.
150થી વધુ CCTV ફૂટેજ તપાસવામાં આવ્યા
યુવકના અપહરણની જાણ થતાં જ અડાજણ પોલીસની ટીમો સક્રિય થઈ ગઈ હતી. યુવકને ઝડપથી શોધી સુરક્ષિત પરત લાવવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી.પોલીસે સુરત શહેરના 100થી વધુ CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. આ ઉપરાંત સુરતથી મહારાષ્ટ્ર તરફ જતા માર્ગ પરના આશરે 50 CCTV ફૂટેજ પણ તપાસવામાં આવ્યા હતા.ટેકનિકલ સર્વેલન્સ દરમિયાન યુવકને લઈ જતી હોવાની શંકા ધરાવતી કાર મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહી હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.
પુણે-અહલ્યાનગર હાઈવે પર પોલીસની કાર્યવાહી
મળેલી કડીના આધારે અડાજણ પોલીસની ટીમ મહારાષ્ટ્ર તરફ રવાના થઈ હતી. 7 ઓક્ટોબરે બપોરે આશરે 12 વાગ્યે પોલીસે પુણે-અહલ્યાનગર હાઈવે પર સુપા ગામ નજીક શંકાસ્પદ કારને અટકાવી હતી.કારમાં સવાર ત્રણ શખસોને પોલીસે ઝડપી લીધા હતા. સાથે જ અપહરણ કરાયેલા યુવકને પણ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો.
ત્રણ આરોપી ઝડપાયા
આ કેસમાં પોલીસે પુણેના રહેવાસી રવિરાજ પાંડુરંગ પાટીલ, અમોલ અવિનાશ ખરમાળે અને મયુર રાજેન્દ્ર શિંદેની ધરપકડ કરી છે.પોલીસે આરોપીઓ પાસેથી કથિત ગુનામાં ઉપયોગમાં લેવાયેલી બ્લેક કલરની હુન્ડાઈ વેન્યુ કાર અને ચાર મોબાઇલ ફોન કબજે કર્યા છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે, પ્રાથમિક તપાસમાં ત્રણેય આરોપીઓ સામે અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ મળ્યો નથી. હાલ પોલીસે તેમની પૂછપરછ શરૂ કરી છે.અપહરણ પાછળના સમગ્ર કાવતરામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં, ખંડણીની રકમ અંગેની યોજના કેવી રીતે બનાવાઈ અને શેરબજારના નાણાકીય વ્યવહારની સમગ્ર હકીકત શું છે તે અંગે વધુ તપાસ ચાલી રહી છે.
