Statue of Unity Tourist Guide: ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલું એકતા નગર અને સરદાર વલ્લભભાઈ પટેલની ગગનચુંબી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ (Statue of Unity) આજે વૈશ્વિક સ્તરે પ્રવાસીઓનું સૌથી મોટું આકર્ષણ કેન્દ્ર બન્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ વર્ષ 2026ને ‘ગુજરાત પ્રવાસન વર્ષ’ જાહેર કરવામાં આવ્યું છે. આ અંતર્ગત રાજ્ય સરકારે પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા અને સ્થાનિક યુવાનોને પગભર કરવા માટે એક અનોખો પ્રયોગ કર્યો છે, જે અત્યંત સફળ સાબિત થઈ રહ્યો છે.
Statue of Unity: 1000 યુવાનોને મળી મફત ગાઇડ તાલીમ
રાજ્ય સરકાર દ્વારા રાજ્યના આશરે 1000 યુવાનોને પ્રોફેશનલ ટૂરિસ્ટ ગાઇડની વિનામૂલ્યે અને સંશોધન આધારિત સત્તાવાર તાલીમ આપવામાં આવી છે. ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા આશરે 150 જેટલા સ્થાનિક આદિવાસી યુવાનોને પ્રોફેશનલ કોર્સ કરાવીને આત્મનિર્ભર બનાવવામાં આવ્યા છે. હાલમાં 120થી વધુ આદિવાસી ગાઇડ્સ અહીં સક્રિય રીતે ફરજ બજાવી રહ્યા છે. આ રોજગારીને કારણે સ્થાનિક પરિવારોને આર્થિક સ્થિરતા મળી છે અને વર્ષોથી આજીવિકા માટે થતું આદિવાસીઓનું સ્થળાંતર અટકી ગયું છે.
પ્રવાસીઓની જ ભાષામાં મળશે સચોટ માહિતી
અહીં આવતા દેશ-વિદેશના મુલાકાતીઓ સાથે શ્રેષ્ઠ સંવાદ સાધી શકાય તે માટે આ ગાઇડ્સને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું વિશેષ પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે. આ તાલીમના કારણે સ્થાનિક યુવાનોનો આત્મવિશ્વાસ વધ્યો છે અને તેમની ભાષા શુદ્ધ બની છે. પ્રવાસીઓ જ્યારે અહીં મુલાકાતે આવે છે, ત્યારે આ ગાઇડ્સ તેમને:
સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ભવ્ય ઇતિહાસ અને નિર્માણ ગાથા
જંગલ સફારી (Jungle Safari)
મિયાવાકી ફોરેસ્ટ (Miyawaki Forest)
આરોગ્ય વન (Arogya Van)
આ તમામ આકર્ષણોની રસપ્રદ અને સચોટ માહિતી પ્રવાસીઓની જ ભાષામાં ખૂબ જ સહજતાથી આપીને તેમની યાત્રાને વધુ રોમાંચક અને યાદગાર બનાવી રહ્યા છે.
ધોળાવીરા અને લોથલમાં પણ યોજના અમલી
સરકારની આ રોજગારલક્ષી અને પ્રવાસનલક્ષી સફળ પહેલ માત્ર એકતા નગર પૂરતી મર્યાદિત નથી. આ જ પ્રોજેક્ટ હેઠળ હેરિટેજ સાઇટ ધોળાવીરા, ઐતિહાસિક લોથલ અને રાજ્યના અન્ય પ્રખ્યાત પ્રવાસન સ્થળો પર પણ સ્થાનિક યુવાનોને તાલીમ આપીને તૈનાત કરવામાં આવ્યા છે. આ વ્યવસ્થિત આયોજનના કારણે વૈશ્વિક પ્રવાસીઓને ગુજરાતમાં ભ્રમણ કરવાનો એક અદભુત અને આંતરરાષ્ટ્રીય કક્ષાનો અનુભવ મળી રહ્યો છે.
આ પણ વાંચો: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાતે જવું છે તો કેવી રીતે પહોંચશો? જાણો તેની માહિતી
આ પણ વાંચો: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના ડિઝાઇનર રામ સુતારે કરી મંતવ્ય ન્યુઝ સાથે વાતચીત
આ પણ વાંચો: આમિર ખાને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 76મો ગણતંત્ર દિવસ ઉજવ્યો
