Gujarat News: ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) જામનગર મરીન સેન્ચ્યુરી વિસ્તારમાં પ્રદૂષણ (Marine Sanctuary Pollution) ફેલાવવાના મામલે ટાટા કેમિકલ્સ લિમિટેડ (Tata Chemicals Limited) સામે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે નોંધ્યું છે કે કંપની દ્વારા ગેરકાયદેસર રીતે કેમિકલ કચરો અને પ્રદૂષિત પાણી દરિયામાં છોડવામાં આવતા સંવેદનશીલ દરિયાઈ વિસ્તારને ભારે નુકસાન થયું છે.
કોર્ટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB), જામનગર કલેક્ટર અને સંબંધિત તંત્રોને 3 મહિનામાં પર્યાવરણને થયેલા નુકસાનનું આકલન કરી કંપની પાસેથી વળતર વસૂલવા આદેશ આપ્યો છે. સાથે જ જરૂરી જણાય તો ઉદ્યોગને બંધ કરવા સહિતના કડક પગલાં લેવા પણ નિર્દેશ આપવામાં આવ્યા છે.

શું છે સમગ્ર મામલો?
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર વિસ્તારમાં આવેલી ટાટા કેમિકલ્સ લિમિટેડ (Tata Chemicals Limited) વર્ષ 1939થી સોડા એશ અને અન્ય રસાયણોનું ઉત્પાદન કરે છે. કંપની દ્વારા ખુલ્લી નહેરો મારફતે ઔદ્યોગિક કચરો અને પ્રદૂષિત પાણી દરિયાના ઇન્ટર-ટાઈડલ ઝોનમાં છોડવામાં આવતું હતું.1982માં આ સમગ્ર વિસ્તારને મરીન સેન્ચ્યુરી (Marine Sanctuary Pollution) જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જામનગર કલેક્ટરે કંપનીના પ્રદૂષિત પાણી છોડવાના અધિકારને ગેરકાયદેસર ગણાવી ઓર્ડર પસાર કર્યો હતો. તેના વિરોધમાં કંપનીએ વર્ષ 2006માં ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.

કંપનીનો શું દાવો હતો?
કંપનીએ કોર્ટમાં દલીલ કરી હતી કે તેઓ 1962-63થી આ સિસ્ટમનો ઉપયોગ કરે છે અને 1982 પહેલાથી આ અધિકાર ધરાવે છે. સાથે જ કંપનીએ જણાવ્યું હતું કે પ્રદૂષિત પાણી GPCBના માપદંડો મુજબ જ છોડવામાં આવતું હતું.કંપનીએ વધુમાં જણાવ્યું કે ઊંડા દરિયામાં નિકાલ માટે નવી બંધ પાઈપલાઈન અને ડિફ્યુઝર સિસ્ટમ નાખવાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેને તમામ જરૂરી મંજૂરી મળી ચૂકી છે અને મે 2026 સુધીમાં તે કાર્યરત થઈ જશે.
100 હેક્ટર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણનો આક્ષેપ
વન વિભાગ અને કલેક્ટરના અહેવાલ મુજબ ટાટા કેમિકલ્સે પોતાની માલિકીની જમીન બહાર આશરે 100 હેક્ટર જેટલી સરકારી અને અભ્યારણ્ય જમીન પર કેમિકલ કચરો અને પ્રદૂષિત પાણી છોડીને ગેરકાયદેસર દબાણ કર્યું હતું.અહેવાલમાં જણાવાયું છે કે વર્ષો સુધી પ્રદૂષિત પાણી છોડાતા આ સંવેદનશીલ દરિયાઈ વિસ્તારની પર્યાવરણીય વ્યવસ્થા ગંભીર રીતે પ્રભાવિત થઈ છે.

‘મરીન સેન્ચ્યુરી (Marine Sanctuary Pollution)ને કાળા રણમાં ફેરવી નાખી’
હાઈકોર્ટે પોતાના અવલોકનમાં નોંધ્યું કે કંપની વર્ષો સુધી કોર્ટના વચગાળાના આદેશોની આડમાં દરિયામાં ગેરકાયદેસર ડિસ્ચાર્જ કરતી રહી હતી.કોર્ટે કડક શબ્દોમાં કહ્યું કે મંજૂરી વગર કેમિકલ કચરો દરિયામાં નાખીને મરીન સેન્ચ્યુરીને (Marine Sanctuary Pollution) “કાળા રણ”માં ફેરવી નાખવામાં આવી છે. કંપની પર્યાવરણને નુકસાન પહોંચાડવા માટે જવાબદાર છે અને તેને નુકસાન બદલ વળતર ચૂકવવું પડશે.
GPCBને કડક કાર્યવાહીનો આદેશ
કોર્ટે GPCBને નિષ્ણાતોની ટીમ દ્વારા ત્રણ મહિનામાં પર્યાવરણને થયેલા નુકસાનનું આકલન કરવા આદેશ આપ્યો છે. સાથે જ જ્યાં સુધી નવી પાઈપલાઈન સંપૂર્ણ કાર્યરત ન થાય ત્યાં સુધી વધુ પ્રદૂષણ અટકાવવા ઉદ્યોગને બંધ કરવા સહિતના કડક પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.કલેક્ટર અને GPCBને ત્રણ અઠવાડિયામાં કાર્યવાહીનો રિપોર્ટ હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.આ દરમિયાન ટાટા કેમિકલ્સે કોર્ટના આદેશ સામે સ્ટે માગ્યો હતો, પરંતુ કોર્ટે તેને નકારી કાઢ્યો છે. હવે આ મામલે વધુ સુનાવણી 17 જૂને હાથ ધરાશે.
આ પણ વાંચો:દ્વારકામાં ટાટા કેમિકલ્સને કારણે ખેતરોમાં ભારે નુકશાન, દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાનના આક્ષેપ
આ પણ વાંચો:જામનગરમાં સમુદ્ર પ્રદૂષણ મામલે હાઈકોર્ટ કડક: ટાટા કેમિકલ્સને ટકોર, માંગણીઓ ફગાવાઈ
