Bashir Badr Passes Away Bhopal: ઉર્દૂ ગઝલ અને શાયરી જગતને એક નવો, સાદો અને સીધો દિલમાં ઉતરી જાય તેવો અનોખો મિજાજ આપનારા મશહૂર શાયર ડૉ. બશીર બદ્રનું 91 વર્ષની વયે ભોપાલમાં નિધન થયું છે. તેમના અવસાનથી માત્ર દેશ જ નહીં પરંતુ વૈશ્વિક સાહિત્ય જગતમાં ક્યારેય ન પુરાય તેવી મોટી ખોટ પડી છે. પરંતુ, બદ્ર સાહેબની આ ચિરવિદાય વચ્ચે સોશિયલ મીડિયાથી લઈને દિલ્હીના રાજકીય ગલિયારાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોડાયેલો સંસદનો એક અત્યંત રસપ્રદ કિસ્સો ફરી વાયરલ થઈ રહ્યો છે, જેણે વર્ષ 2018માં સંસદથી લઈને સમગ્ર દેશમાં ભારે સનસનાટી મચાવી દીધી હતી.
જ્યારે મલ્લિકાર્જુન ખડગેએ Bashir Badrનો શેર લલકાર્યો
વાત ફેબ્રુઆરી 2018ની છે, જ્યારે લોકસભામાં રાષ્ટ્રપતિના આભાર પ્રસ્તાવ પર તીખી ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન તત્કાલીન કોંગ્રેસ નેતા (અને વર્તમાન કોંગ્રેસ અધ્યક્ષ) મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ અને વિપક્ષ વચ્ચેના ભવિષ્યના રાજકીય સંબંધોની શાલીનતાનો હવાલો આપતા બશીર બદ્રનો એક ખૂબ જ પ્રખ્યાત શેર લલકાર્યો હતો:
“દુશ્મની જમ કર કરો, લેકિન યહ ગુંજાઈશ રહે, જબ કભી હમ દોસ્ત હો જાએં, તો શર્મિંદા ન હોં.”
ખડગેના આ પ્રહાર બાદ આખી સંસદમાં કોંગ્રેસના સાંસદો ટેબલ થપથપાવવા લાગ્યા હતા અને માહોલ ગરમાયો હતો.
બીજા દિવસે પીએમ મોદીનો એ વળતો પ્રહાર અને માસ્ટરસ્ટ્રોક
ખડગેજીના આ કટાક્ષનો જવાબ આપવા માટે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા દિવસે ગૃહમાં વક્તવ્ય આપવા ઊભા થયા, ત્યારે તેમણે જે માસ્ટરસ્ટ્રોક માર્યો તે વિપક્ષે સપનામાં પણ વિચાર્યો નહોતો. પીએમ મોદીએ પોતાની આગવી ધારદાર શૈલીમાં વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, “ખડગેજીએ બશીર બદ્ર સાહેબનો શેર તો વાંચ્યો, પરંતુ પોતાની રાજકીય સગવડ મુજબ તેની પછીની સૌથી મહત્વની કડીઓ દેશ સામે છુપાવી દીધી.”
ત્યારબાદ વડાપ્રધાને વિપક્ષની રાજકીય દાનત ઉઘાડી પાડતો બશીર બદ્ર સાહેબનો જ બીજો એક શેર સંભળાવ્યો, જે સાંભળીને આખી સંસદમાં ક્ષણભર માટે સન્નાટો છવાઈ ગયા બાદ હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. પીએમ મોદીએ લલકાર્યું હતું:
“જી બહુત ચાહતા હે સચ બોલેં, ક્યા કરેં હૌસલા નહીં હોતા.”
રાતોરાત દેશભરમાં ટ્રેન્ડ થયો હતો આ કિસ્સો
વડાપ્રધાનનો આ અદભુત હાજરજવાબી અંદાજ જોઈને ગૃહમાં સત્તાધારી પક્ષના સાંસદોએ હર્ષનાદ સાથે ટેબલો થપથપાવી દીધા હતા. બદ્ર સાહેબનો આ શેર રાતોરાત આખા દેશમાં અખબારો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ટોપ ટ્રેન્ડિંગ ટોપિક બની ગયો હતો.
આજે જ્યારે મશહૂર શાયર ડૉ. બશીર બદ્ર આપણી વચ્ચે ભૌતિક રીતે નથી રહ્યા, ત્યારે વડાપ્રધાન મોદી દ્વારા સંસદના પટલ પર જીવંત કરાયેલો શાયરીનો આ ક્લાસિક રાજકીય જંગ દેશના સંસદીય ઇતિહાસના સૌથી રસપ્રદ અને યાદગાર પ્રકરણ તરીકે લોકોની જીભે ફરી ચડ્યો છે.
આ પણ વાંચો: બકરીઇદ પર પીએમ મોદીએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા, ભાઈચારો વધારવાનો આપ્યો સંદેશ
આ પણ વાંચો: પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક શરૂ, શું છે બેઠકનો એજન્ડા?
આ પણ વાંચો: પીએમ મોદીની ટકોર પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્ટાફે અપનાવ્યું કાર પૂલિંગ
