Morbi News: મોરબી શહેરમાં હનીટ્રેપ (Morbi Honey Trap Case)નો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં કરિયાણાના વેપારીને પ્રેમ અને લગ્નની લાલચ આપીને લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. હરિયાણાની એક યુવતીએ સ્પામાં ઓળખાણ બાદ વેપારી સાથે પ્રેમસંબંધ બાંધી, પછી ધીમે ધીમે તેને આર્થિક રીતે ખાલી કરી દીધો હોવાનો આરોપ છે.
Morbi Honey Trap Case:બળાત્કાર કેસની ધમકી આપી લાખોની ઉઘરાણી
મળતી માહિતી મુજબ, મૂળ ટંકારા પંથકના અને હાલ મોરબી (Morbi Honey Trap Case)માં રહેતા એક વેપારી યુવકની ઓળખાણ શનાળા રોડ પાસે આવેલી એક સ્પામાં કામ કરતી હરિયાણાની યુવતી સાથે થઈ હતી. શરૂઆતમાં મિત્રતા અને બાદમાં પ્રેમસંબંધમાં બદલાયેલા આ સંબંધ દરમિયાન યુવતીએ પોતે પરિણીત હોવા છતાં છૂટાછેડા બાદ લગ્ન કરવાની ખાતરી આપી હતી.
વેપારી યુવક પ્રેમમાં એટલો આગળ વધી ગયો કે યુવતીની દરેક માંગણી પૂરી કરતો રહ્યો. યુવતીએ ઘર બનાવવા, વ્યક્તિગત જરૂરિયાતો અને અન્ય બહાનાઓ આપી વેપારી પાસેથી અનેક વખત રૂપિયા માગ્યા હતા. ફરિયાદ મુજબ, અત્યાર સુધીમાં વેપારીએ આશરે 19 લાખ રૂપિયા રોકડા અને બેંક ટ્રાન્સફર દ્વારા આપ્યા હતા.
માત્ર એટલું જ નહીં, વેપારીએ યુવતીને આઈફોન, સેમસંગ મોબાઈલ તેમજ સોનાની ચેઈન, વીંટી અને અન્ય દાગીના પણ ખરીદી આપ્યા હતા. બાદમાં યુવતીએ લગ્નની વાત આગળ ધપાવતાં વેપારીને દિલ્હી બોલાવ્યો હતો. પરંતુ પરિવારને જાણ ન હોવાનું કહી વેપારીને પરત મોકલી દીધો હતો.
થોડા સમય બાદ યુવતીએ મોરબી (Morbi Honey Trap Case)ની સ્પાની નોકરી પણ છોડી દીધી હતી અને વેપારી સાથે ઝઘડા શરૂ કર્યા હતા. વેપારીએ પોતાનું આપેલું નાણું અને સામાન પરત માંગતાં યુવતીએ તેને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદ અનુસાર, યુવતી પાસે વેપારીના કેટલાક વાંધાજનક ફોટા પણ હતા અને તે આધારે બ્લેકમેઈલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, દિલ્હી પોલીસ, સાયબર ક્રાઈમ અને નાર્કોટિક્સ બ્રાન્ચના નામે અજાણ્યા લોકો દ્વારા વેપારી અને તેના પરિવારને ફોન કરીને ડિજિટલ એરેસ્ટની ધમકીઓ પણ આપવામાં આવી હતી.
આ સમગ્ર મામલે વેપારીએ અંતે મોરબી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શહેરમાં આ ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે અને ઓનલાઈન તથા વ્યક્તિગત સંબંધોમાં સાવચેતી રાખવાની જરૂરિયાત ફરી એકવાર સામે આવી છે.
આ પણ વાંચો:અમરેલીમાં ગે ડેટિંગ એપથી હનીટ્રેપ: યુવકને નિર્વસ્ત્ર કરી વીડિયો બનાવી છરીની અણીએ લૂંટ્યો
આ પણ વાંચો:બનાસકાંઠામાં હનીટ્રેપ કાંડનો પર્દાફાશ, પોલીસકર્મી સહિત ત્રણ આરોપીઓ ઝડપાયા
આ પણ વાંચો:હનીટ્રેપનો જાળ: અમદાવાદમાં વેપારી પાસેથી 8 લાખની ખંડણી, નકલી PIએ વધુ 15 લાખ માગ્યા
