Abhishek Banerjee Attack Case 2026: પશ્ચિમ બંગાળના સોનારપુર દક્ષિણમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના જનરલ સેક્રેટરી અને સાંસદ અભિષેક બેનર્જી પર શનિવારે સાંજે થયેલા હિંસક હુમલાના મામલામાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પશ્ચિમ બંગાળ પોલીસે સાંસદ સાથે મારપીટ કરવા, પથ્થરમારો કરવા અને કપડાં ફાડી નાખવાના આક્ષેપ હેઠળ તાત્કાલિક ધોરણે 5 લોકોની ધરપકડ કરી લીધી છે. આ હાઈ-પ્રોફાઇલ ઘટના બાદ રાજ્યમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે.
ગઢ ગણાતા વિસ્તારમાં જ થયો હુમલો Abhishek Banerjee
ચૂંટણી બાદ હિંસાના પીડિતોને મળવા પહોંચેલા અભિષેક બેનર્જી (Abhishek Banerjee) પર તેમના જ ગઢ ગણાતા વિસ્તારમાં ઉગ્ર ભીડ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. કેટલાક અસામાજિક તત્વોએ તેમના પર થપ્પડો મારી, ઈંડા અને ઈંટો ફેંકીને નિશાન બનાવ્યા હતા અને તેમના કપડાં પણ ફાડી નાખ્યા હતા. આ ભયાનક હુમલામાંથી જીવ બચાવવા માટે અભિષેક બેનર્જીએ સ્થાનિક યુવકોની મદદથી તાત્કાલિક હેલ્મેટ પહેરવું પડ્યું હતું અને સુરક્ષા કવચ વચ્ચે ત્યાંથી બહાર નીકળવું પડ્યું હતું.
ભત્રીજા પર થયેલા હુમલાથી ભડક્યા મમતા બેનર્જી
આ હુમલા બાદ પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ (Abhishek Banerjee)ભારતીય જનતા પાર્ટી (BJP) પર આકરા પ્રહારો કર્યા છે અને તેને ભાજપનું પૂર્વઆયોજિત કાવતરું ગણાવ્યું છે. મમતા બેનર્જીએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, “જે પ્રકારે પથ્થરમારાનો વીડિયો સામે આવ્યો છે તે જોતાં જો પથ્થર વાગી ગયો હોત કે સ્થાનિક છોકરાઓએ માથા પર પહેરવા માટે હેલ્મેટ ન આપ્યું હોત, તો ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હોત.”
તેમણે પોલીસ અને વહીવટી તંત્ર પર ગંભીર બેદરકારી અને પક્ષપાતનો આરોપ લગાવતા કહ્યું કે, અગાઉથી જાણ કરવા છતાં પોલીસે સુરક્ષાની કોઈ યોગ્ય વ્યવસ્થા કરી ન હતી. આ ઉપરાંત, હવે હોસ્પિટલ, ડૉક્ટરો અને સામાન્ય લોકોને પણ ધમકાવવામાં આવી રહ્યા છે. મમતા બેનર્જીએ ચેતવણી આપતા ઉમેર્યું કે, “કોઈ પણ પક્ષ હંમેશા માટે સત્તામાં નથી રહેવાનો, ભાજપે આવી હલકી હરકતો કરતાં શરમ આવવી જોઈએ.”
