Kajal Vaja Sprinter Chorwad Junagadh: ગુજરાતની યુવા સ્પ્રિન્ટર કાજલ વાજાએ આંતરરાષ્ટ્રીય મંચ પર ફરી એકવાર દેશ અને રાજ્યનું નામ ગૌરવથી ઊંચું કર્યું છે. જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામની 19 વર્ષીય કાજલે હોંગકોંગમાં યોજાયેલી 22મી એશિયન અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 4×100 મીટર રિલે સ્પર્ધામાં ભારતને રજત ચંદ્રક અપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
ભારતીય ટીમે આ સ્પર્ધામાં 45.05 સેકન્ડનો સમય નોંધાવીને અંડર-20 વર્ગમાં નવો રાષ્ટ્રીય રેકોર્ડ પણ બનાવ્યો હતો. અગાઉનો 45.08 સેકન્ડનો રેકોર્ડ તોડી ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
Chorwad : ટીમ ઇન્ડિયાને અપાવ્યો રજત ચંદ્રક
કાજલ વાજાએ તમિલનાડુની ભાવના, હરિયાણાની આરતી અને ઉત્તર પ્રદેશની નિપમ સાથે ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ટીમના ઝડપી અને સંકલિત પ્રદર્શનના કારણે ભારતને રજત ચંદ્રક મળ્યો હતો. આ સિદ્ધિ માત્ર કાજલ માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ બની છે.
સામાન્ય પરિવારમાંથી આંતરરાષ્ટ્રીય મંચ સુધીની સફર
કાજલના પિતા હીરાભાઈ વાજા ચોરવાડ ગામે ખેતી અને મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. સામાન્ય આર્થિક પરિસ્થિતિ વચ્ચે પણ કાજલે રમતગમત પ્રત્યેનો જુસ્સો જાળવી રાખ્યો હતો.ટ્રેક પર શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે કાજલે ધોરણ-12ની પરીક્ષા એક વર્ષ માટે મુલતવી રાખીને સંપૂર્ણ ધ્યાન તાલીમ અને સ્પર્ધાની તૈયારી પર કેન્દ્રિત કર્યું હતું. તેની આ મહેનત હવે આંતરરાષ્ટ્રીય મંચ પર રંગ લાવી રહી છે.
કોચે કાજલની મહેનતને બિરદાવી
કાજલના કોચ શિવમ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે કાજલ દેશની સૌથી પ્રતિભાશાળી યુવા સ્પ્રિન્ટર્સમાંની એક છે. તેની શિસ્ત, આત્મવિશ્વાસ અને સતત સુધારાની ભાવના તેને અન્ય ખેલાડીઓથી અલગ બનાવે છે. તેમણે કહ્યું કે કાજલ દરેક તાલીમ સત્રમાં સંપૂર્ણ સમર્પણ સાથે ભાગ લે છે અને પોતાના પ્રદર્શનને વધુ સારું બનાવવા સતત મહેનત કરે છે.
અગાઉ પણ અનેક ચંદ્રકો જીત્યા
આ પહેલાં કાજલે 2025માં રાંચીમાં યોજાયેલી દક્ષિણ એશિયન સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 4×100 મીટર રિલેમાં રજત ચંદ્રક જીત્યો હતો.આ ઉપરાંત ભુવનેશ્વરમાં યોજાયેલી ઇન્ડોર ઓપન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 60 મીટર દોડમાં 7.50 સેકન્ડનો સમય નોંધાવીને સુવર્ણ ચંદ્રક અને નવો રાષ્ટ્રીય રેકોર્ડ પણ બનાવ્યો હતો.

સ્પોર્ટ્સ ઓથોરિટીથી શરૂ થઈ સફર
કાજલની રમતગમતની શરૂઆત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG)ના સ્કૂલ પ્રોગ્રામથી થઈ હતી. ત્યારબાદ 2019માં તે કોડીનાર સ્થિત જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ સ્કૂલમાં જોડાઈ હતી.તેની પ્રતિભાને ધ્યાનમાં રાખીને 2023માં તેની પસંદગી નડિયાદ સ્થિત હાઈ-પરફોર્મન્સ સેન્ટર માટે કરવામાં આવી હતી, જ્યાં હાલમાં તે અદ્યતન તાલીમ લઈ રહી છે.
નાયબ મુખ્યમંત્રીએ પાઠવ્યા અભિનંદન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કાજલ વાજા અને ભારતીય રિલે ટીમને તેમની આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધવા માટે જરૂરી તમામ સુવિધાઓ પૂરી પાડવા પ્રતિબદ્ધ છે અને કાજલની સિદ્ધિ સમગ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે. ઉલ્લેખનીય છે કે આ જ ચેમ્પિયનશિપમાં ગુજરાતના અન્ય ખેલાડી રાહુલ જાખરે પણ ડેકાથ્લોનમાં નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવી સુવર્ણ ચંદ્રક જીત્યો છે.
આ પણ વાંચો: કિંગ કોહલી IPL ફાઇનલમાં ફ્લોપ કે હિટ? RCB ફેન્સ માટે ચિંતાજનક આંકડા સામે આવ્યા
આ પણ વાંચો: RCB vs GT વચ્ચે ટાઇટલ જંગ, અમદાવાદમાં બીજી ટ્રોફી માટે મહામુકાબલો
આ પણ વાંચો: RCB vs GT મહામુકાબલામાં મેઘરાજા બનશે વિલન? ક્રિકેટ રસિકો ચિંતામાં
