Maruti Nandan Ahmedabad Controversy : ખાવાના શોખીન અમદાવાદીઓ માટે એક અત્યંત ચોંકાવનારા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં મોંઘીદાટ અને નામાંકિત હોટલ-રેસ્ટોરન્ટ્સમાં પીરસાતા ભોજનની ગુણવત્તા હવે જાણે ‘ભગવાન ભરોસે’ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. માત્ર એક જ અઠવાડિયામાં શહેરની ચાર મોટી અને જાણીતી ફૂડ બ્રાન્ડ્સના ભોજનમાંથી ક્યાંક વંદો, ક્યાંક જીવાત તો ક્યાંક ગંદકી નીકળવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. આ જ કડીમાં આજે શહેરના અતિ પોશ ગણાતા સિંધુભવન રોડ પર આવેલી પ્રખ્યાત ‘મારુતિનંદન’ રેસ્ટોરન્ટમાં ગ્રાહકની થાળીમાંથી વાળ નીકળતાં ભારે હોબાળો મચી ગયો છે.

Ahmedabad : ગ્રાહકોએ લગાવ્યા વાસી અને હલકી ગુણવત્તાના આક્ષેપ
તાજેતરમાં જ નિકોલ વિસ્તારના રસપાન ચાર રસ્તા પાસે આવેલા ‘લા મિલાનો પિઝેરિયા’ માંથી ઓનલાઇન મંગાવેલા પિઝામાંથી જીવાત નીકળવાની ઘટના હજુ શાંત નથી થઈ, ત્યાં સિંધુભવન રોડની ‘મારુતિનંદન રેસ્ટોરન્ટ’ માં ગ્રાહકોને ભોજનમાં અત્યંત કડવો અનુભવ થયો હતો. અહીં જમવા આવેલા એક ગ્રાહકની થાળીમાંથી વાળ નીકળતા તેણે તાત્કાલિક હોટલના સ્ટાફ અને મેનેજરને બોલાવીને ઉગ્ર રજૂઆત કરી હતી.
ગ્રાહકના આ હોબાળા બાદ રેસ્ટોરન્ટમાં હાજર અન્ય ગ્રાહકો પણ મેદાને આવ્યા હતા અને તેમણે પણ ખાવાની ચીજવસ્તુઓ બિન-ગુણવત્તાયુક્ત અને વાસી હોવાની વ્યાપક ફરિયાદો કરી હતી. એક ગ્રાહકે આક્ષેપ કર્યો કે, તેમણે મંગાવેલી દાળ યોગ્ય ન લાગતા પરત મોકલી હતી, પરંતુ બીજી વખત લાવવામાં આવેલી દાળ પણ અતિશય મીઠા વાળી અને ખરાબ હતી. જ્યારે અન્ય એક ગ્રાહકને પીરસવામાં આવેલી રોટલી પણ ખાવા લાયક ન હોવાથી તેમણે તે પાછી મોકલાવી દીધી હતી.
Ahmedabad : વીડિયો વાયરલ થતાં AMC ફૂડ વિભાગ એક્શનમાં
ગ્રાહકોની ફરિયાદો અને રેસ્ટોરન્ટના સ્ટાફની બેદરકારીનો ત્યાં હાજર લોકોએ એક લાઈવ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. વીડિયો વાયરલ થતાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) નો ફૂડ વિભાગ તાત્કાલિક એક્શન મોડમાં આવ્યો હતો. ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમે સિંધુભવન રોડ પર આવેલી આ રેસ્ટોરન્ટ પર દરોડા પાડી તપાસ હાથ ધરી હતી અને હલકી ગુણવત્તાનું ભોજન પીરસવા બદલ તેમજ હાઇજીનના નિયમોના ભંગ બદલ રેસ્ટોરન્ટને ₹10,000 નો વહીવટી દંડ ફટકાર્યો હતો.

અઠવાડિયામાં એક પછી એક 4 મોટી બ્રાન્ડ્સના આવા કિસ્સા બહાર આવતા હવે અમદાવાદીઓ બ્રાન્ડેડ ખાણીપીણીના નામે વસૂલાતા મોંઘા ભાવ અને સામે મળતી આવી ગંદકી સામે સોશિયલ મીડિયા પર ઉગ્ર રોષ ઠાલવી રહ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદના માધુપુરામાં AMC નો દરોડો, 3900 કિલો ભેળસેળવાળો મસાલો જપ્ત
આ પણ વાંચો: અમદાવાદમાં AMCનો ફૂડ સેફ્ટી ડ્રાઇવ: 495 સેમ્પલમાંથી 10 પનીર સબ-સ્ટાન્ડર્ડ
આ પણ વાંચો: અમદાવાદમાં ફરી એકવાર AMC ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 10 જાણીતી હોટલોમાં નકલી પનીર પકડાયું
