Ahmedabad News/ અમદાવાદમાં ફરી એકવાર AMC ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 10 જાણીતી હોટલોમાં નકલી પનીર પકડાયું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ સેફ્ટી (AMC) ટીમે 10 હોટલ-રેસ્ટોરન્ટમાંથી લેવાયેલા નમૂનાઓમાં એનાલોગ (નકલી) પનીર મળી આવ્યું. 173 કિલો જથ્થો જપ્ત, ₹10,000 દંડ ફટકાર્યો, 3 ડેરીઓ સામે કાર્યવાહી.

Top Stories Ahmedabad Gujarat Breaking News
AMC

Ahmedabad News:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ સેફ્ટી વિભાગે શહેરની 10 જેટલી જાણીતી હોટલો અને રેસ્ટોરન્ટમાંથી પનીરના નમૂના લઈને તપાસ કરી છે, જેમાંથી બધામાં એનાલોગ પનીર (વેજીટેબલ ફેટ, પામ ઓઇલ, સ્ટાર્ચ અને મિલ્ક સોલિડ્સથી બનેલું) મળી આવ્યું છે. આને અસલી દૂધના પનીર તરીકે વેચીને રેસ્ટોરન્ટ વાળા ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે.

1 થી 22 ફેબ્રુઆરી 2026 દરમિયાન AMCની ટીમે શહેરના વિવિધ વિસ્તારો જેમ કે નિકોલ, ઠક્કરબાપાનગર, નવરંગપુરા, સેટેલાઈટ, નારણપુરા, આનંદનગર, બાપુનગર, વેજલપુર અને અમરાઈવાડીમાં આવેલી હોટલ-રેસ્ટોરન્ટમાંથી પનીરના નમૂના એકત્ર કર્યા હતા.

AMCએ લીધેલા નમૂનાઓમાં આવી ખામીઓ 

AMCના ફૂડ વિભાગે શહેરમાં નકલી પનીરના જથ્થા સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. કોર્પોરેશનની લેબોરેટરીમાં તપાસ દરમિયાન બે મુખ્ય ખામીઓ સામે આવી હતી  પનીરમાં પ્રમાણ ભર્યા કરતાં ઘણું ઓછું મિલ્ક ફેટ અને વેજીટેબલ ફેટ/પામ ઓઇલનો ઉપયોગ. એટલે કે આ પનીર હકીકતમાં એનાલોગ (નકલી/બિન-ડેરી) પનીર હોવાનું બહાર આવ્યું છે.

આ ખુલાસા બાદ ફૂડ વિભાગે 10 હોટલ-રેસ્ટોરન્ટને નોટિસ જારી કરી અને દરેકને ₹10,000નો દંડ ફટકાર્યો છે. તપાસ દરમિયાન ત્રણ ડેરીઓમાંથી નકલી પનીરનો સ્ત્રોત મળ્યો.

નરોડા GIDCમાં આવેલી ક્રિષ્ના ડેરી – ધ લિયો પિઝા, બાપુનગરને સપ્લાય

સોલામાં આર.કે. ડેરી પ્રોડક્ટ્સ – ક્રિષ્ના આલુ પરોઠા સેન્ટર, નવરંગપુરાને સપ્લાય

વેજલપુરમાં વિજય ડેરી – મા કી રસોઈ, સેટેલાઈટને સપ્લાય

આ ત્રણેય સ્થળોએ દરોડા પાડી કુલ 173 કિલો એનાલોગ પનીર જપ્ત કરવામાં આવ્યું છે.બાકીની 7 હોટલોમાં બહારના વિસ્તારોમાંથી પનીર આવતું હોવાનું સામે આવ્યું છે, જેના સંબંધિત જિલ્લાઓના ફૂડ અધિકારીઓને વિગત મોકલવામાં આવી છે.

ફેબ્રુઆરી 1થી 22 દરમિયાન AMC ફૂડ વિભાગે શહેરભરમાં 1,083 જગ્યાઓની તપાસ કરી હતી. કુલ 495 નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેમાં દૂધ અને દૂધજન્ય બનાવટો, બેકરી આઇટમ, નમકીન, મીઠાઈ અને ખાદ્ય તેલનો સમાવેશ થાય છે. આ સમયગાળામાં 492 નોટિસ જારી કરવામાં આવી છે, તેમજ 823 કિલો અને 878 લીટર અખાદ્ય જથ્થો નાશ કરવામાં આવ્યો  સાથે સાથે કુલ ₹6.72 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે.

ફૂડ વિભાગે નાગરિકોને પણ અપીલ કરી છે કે શંકાસ્પદ ખાદ્ય પદાર્થ અંગે તાત્કાલિક જાણ કરી શહેરમાં ભેળસેળખોરી સામેની લડતમાં સહકાર આપે.


આ પણ વાંચોઃ તમે રસોઈમાં નકલી ઘી વાપરતાં તો નથી ને? આખરે ચકાસણી કેવી રીતે કરવી…

આ પણ વાંચો: પાટણ SOG અને ફૂડ વિભાગની સંયુક્ત કાર્યવાહી! નકલી ઘી બાદ નકલી તેલ જપ્ત કર્યુ

આ પણ વાંચો:  બનાસકાંઠામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ત્રાટક્યું, તેલનો લાખો રૂપિયાનો જથ્થો જપ્ત કરાયો