india news/ ચીન-પાકિસ્તાનની ઊંઘ ઉડી, પુતિનની ભારતને સૌથી મોટી ઓફર

Putin offers Su-57 to India: રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ભારતને સંયુક્ત રીતે સુખોઈ Su-57 સ્ટીલ્થ ફાઇટર જેટ બનાવવા અને તેની ટેક્નોલોજી આપવાની મોટી ઓફર કરી છે, જેનાથી ચીન-પાક.માં ફફડાટ છે.

Top Stories NATIONAL India
Putin offers Su-57 to India

Putin offers Su-57 to India: ભારતીય વાયુસેના (IAF) લાંબા સમયથી પોતાની સૈન્ય તાકાત અને હવાઈ સંરક્ષણને અભેદ્ય બનાવવા માટે ફિફ્થ જનરેશન એટલે કે પાંચમી પેઢીના આધુનિક સ્ટીલ્થ ફાઇટર જેટની શોધમાં છે. આ દરમિયાન ભારતના પરમ મિત્ર ગણાતા રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિને ભારત માટે પોતાના સંરક્ષણ જગતનો સૌથી મોટો દરવાજો ખોલી દીધો છે. પુતિને જાહેરાત કરી છે કે રશિયા પોતાના સૌથી શક્તિશાળી સુખોઈ Su-57 સ્ટીલ્થ ફાઇટર જેટને ભારતમાં સંયુક્ત રીતે વિકસાવવા અને તેનું ઉત્પાદન કરવા માટે સંપૂર્ણ તૈયાર છે. આ ઓફરથી માત્ર એરક્રાફ્ટ જ નહીં, પરંતુ તેની અત્યંત ગુપ્ત એવી ‘ટેક્નોલોજી ટ્રાન્સફર’ કરવાની પણ તૈયારી દર્શાવાઈ છે.

India માટે કેમ જરૂરી છે આ ઓફર?

પુતિનની આ ઓફર એવા સમયે આવી છે જ્યારે ભારતીય વાયુસેનાના ભાથામાં હાલ એક પણ ૫મી પેઢીનું (5th-Generation) સ્ટીલ્થ વિમાન કાર્યરત નથી. બીજી તરફ, પાકિસ્તાન ટૂંક સમયમાં જ પોતાના આકા ચીન પાસેથી અત્યંત આધુનિક ‘શેનયાંગ J-35AE’ સ્ટીલ્થ ફાઇટર જેટ ખરીદવાની તૈયારીઓ કરી રહ્યું હોવાની આશંકાઓ સેવાઈ રહી છે. ભારતનું પોતાનું સ્વદેશી ફિફ્થ જનરેશન જેટ (AMCA) અત્યારે ડેવલપમેન્ટ સ્ટેજ હેઠળ છે, પરંતુ તેને ભારતીય સેનામાં સામેલ થતાં ૨૦૩૦ના દાયકાની મધ્ય સુધીનો સમય લાગી શકે તેમ છે. આ પરિસ્થિતિમાં સરહદ પર સર્જાનારા સંભવિત ખતરા અને ગેપને પૂરવા માટે ભારતને તાત્કાલિક આવા એરક્રાફ્ટની જરૂર છે.

અમે તો 2018માં પણ ઓફર આપી હતી: પુતિન

વૈશ્વિક ન્યૂઝ એજન્સીઓ સાથે વાતચીત કરતી વખતે વ્લાદિમિર પુતિને ખુલાસો કર્યો હતો કે, અમે ભારતને આ અત્યાધુનિક એરક્રાફ્ટ સપ્લાય કરવા અને તેને સતત વિકસિત કરવા માટે તૈયાર છીએ. અમારી સામે ટેક્નોલોજી શેરિંગમાં કોઈ અડચણ નથી. આ જ વાત એર ડિફેન્સ સિસ્ટમ્સને પણ લાગુ પડે છે.”

તેમણે જૂના દિવસો યાદ કરતા જણાવ્યું કે રશિયાએ વર્ષ 2018ની આસપાસ પણ ભારતને Su-57 જેટ સંયુક્ત રીતે બનાવવા માટે ‘ફિફ્થ જનરેશન ફાઇટર એરક્રાફ્ટ‘ (FGFA) પ્રોજેક્ટ હેઠળ પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ ત્યારે ભારતે તકનીકી અસંમતિના કારણે પીછેહઠ કરી હતી. પુતિને જણાવ્યું કે ત્યારે ભારતીય મિત્રોએ અમને એકલા આગળ વધવા કહ્યું હતું, પણ હવે અમે ફરી આ ક્ષેત્રમાં ભારત સાથે ખભેખભો મિલાવીને કામ કરવા ઉત્સુક છીએ.

વર્ષ 2018માં ભારતે કેમ છોડ્યો હતો રશિયાનો સાથ?

રશિયાનું આ પ્રીમિયર ફાઇટર એરક્રાફ્ટ Su-57 શાનદાર સ્ટીલ્થ ક્ષમતા (રડારથી બચવાની કળા) અને આધુનિક એવિઓનિક્સથી સજ્જ છે. તે હવામાં, જમીન પર અને દરિયાઈ પ્રદેશમાં મલ્ટી-રોલ કોમ્બેટ મિશન માટે ડિઝાઇન કરાયું છે, જે ચીનના J-35 અને અમેરિકાના F-35ની સમકક્ષ છે. અગાઉ ન્યૂ દિલ્હીએ આ પ્રોગ્રામમાં રસ દાખવ્યો હતો, પરંતુ તે સમયે ભારતીય વાયુસેના તેની સ્ટીલ્થ ક્ષમતાથી સંપૂર્ણ સંતુષ્ટ નહોતી અને ટેક્નોલોજી ટ્રાન્સફરના નિયમો પર વાત બની નહોતી. પરંતુ હવે પુતિને ભારતની તમામ શરતો અને પ્રશ્નો ઉકેલી દીધા હોવાના સંકેત આપ્યા છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પણ વધી ચિંતા!

સંરક્ષણ વર્તુળોમાં એવી જોરદાર અટકળો ચાલી રહી છે કે પુતિનની આ નવી અને ખુલ્લી ઓફર બાદ ભારત હવે અમેરિકાના F-35ને બદલે રશિયન ફાઇટર જેટના સોદા પર ફરી ગંભીરતાથી વિચાર કરી શકે છે. નોંધનીય છે કે ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વ્હાઇટ હાઉસની મુલાકાત દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ભારતને પોતાનું સુપરપાવર F-35 ફાઇટર જેટ આપવાની ઓફર કરી હતી. તાજેતરમાં ઈરાન અને મધ્ય-પૂર્વના સંઘર્ષોએ પણ સાબિત કરી દીધું છે કે ભવિષ્યના હવાઈ યુદ્ધમાં જે વિમાન રડારની નજરમાં પકડાતું નથી, વિજય તેનો જ થાય છે. હવે જોવાનું એ રહેશે કે ભારત રશિયાના આ માસ્ટરસ્ટ્રોક પર કેવો પ્રતિસાદ આપે છે.


આ પણ વાંચો : પુતિને કર્યા મોદીના વખાણ, કહ્યું- ભારત પર દબાણ લાવવું અશક્ય

આ પણ વાંચો : વ્હાઇટ હાઉસમાંથી ટ્રમ્પનું મોટું નિવેદન, ભારત સાથે ડીલની આશા વ્યક્ત

આ પણ વાંચો : BAPS હિન્દુ મંદિર-અબુ ધાબીના પ્રથમ પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ