Surat News: સુરતમાં લવજેહાદનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં વિધર્મી યુવકે હિંદુ યુવતીને લગ્નની લાલચ આપીને લવજેહાદનો ભોગ બનાવી છે અને ફક્ત એટલું જ નહી તેના પર દુષ્કર્મ કર્યુ છે અને તેની પાસેથી સાડા ત્રણ લાખ રૂપિયા પણ પડાવી લીધા છે. આરોપીએ હિંદુ યુવતીને હિંદુ અપરીણિત યુવાન તરીકેની ઓળખ આપી હતી. પીડિતાનો વિશ્વાસ જીતીને રૂ. 3.50 લાખ પડાવી લીધા હતા. તેના પછી લગ્નની વાત આવતા આરોપીએ સંબંધ તોડી નાખ્યો હતો.
તેના પછીની તપાસમાં આરોપી મુસ્લિમ અને બે બાળકોનો પિતા હોવાનું ખૂલ્યુ હતુ. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને ઝડપ્યો હતો. પોલીસે આરોપીને રાજકોટથી ઝડપ્યો હતો. પકડાયેલા આરોપીની ઓળખ સૌમિલ સલમીન મકવાણા તરીકે થઈ છે. પોલીસ તપાસ મુજબ આરોપી સૌમિલ પરીણિત અને મુસ્લિમ હોવા છતાં તેણે સોશિયલ મીડિયા પર તેની ધાર્મિક ઓળખ છૂપાવી હતી. તેના પછી તેણે હિંદુ ઓળખ બતાવીને યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી.
તેના પછી આરોપી યુવક પીડિત યુવતીને સુરત, યાત્રાધામ અને દ્વારકાની જુદી-જુદી હોટેલોમાં લઈ ગયો હતો અને ત્યાં તેણે યુવતીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કર્યુ હતું. તેણે પીડિતા પાસેથી ટુકડે-ટુકડે માતબર રકમ પડાવી હતી. યુવતીને જ્યારે આરોપી પરીણિત હોવાની અને તેની અસલી ઓળખ હોવાની ખબર પડી ત્યારે તેના પગ નીચેથી જમીન ખસકી ગઈ હતી.
તેના પગલે યુવતીએ તરત જ વેસુ પોલીસ સ્ટેશને આરોપી યુવક સામે કેસ નોંધાવ્યો હતો. વેસુ પોલીસે તરત જ ઘટનાની ગંભીરતા જોઈને યુવક સામે ગુનો દાખલ કર્યો હતો. તેના પછી પોલીસે તપાસ શરૂ કરી હતી અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીને રાજકોટથી ઝડપ્યો હતો. હાલ પોલીસે આરોપી સામે વિવિધ કલમો નોંધીને તેને જેલભેગો કર્યો છે.
